Air India: દુબઈ-અમૃતસર ફ્લાઈટનું કરાચીમાં ઈમર્જન્સી લેન્ડિંગનું કારણ જાણો

Air India: દુબઈથી અમૃતસર આવી રહેલા એર ઈન્ડિયા (Air India) એક્સપ્રેસના એક વિમાનને એક મુસાફરની તબિયત ખરાબ થઈ જવાના કારણે 14મી ઓક્ટોબરને શનિવારના રોજ કરાચી (Karachi) તરફ વાળવામાં આવ્યું હતું. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફ્લાઈટ દરમિયાન એક મુસાફરની તબિયત અચાનક જ બગડી હતી માટે ક્રૂ દ્વારા વિમાનને કરાચીમાં લેન્ડ કરવાનો વિકલ્પ પસંદ કરવામાં […]

Share:

Air India: દુબઈથી અમૃતસર આવી રહેલા એર ઈન્ડિયા (Air India) એક્સપ્રેસના એક વિમાનને એક મુસાફરની તબિયત ખરાબ થઈ જવાના કારણે 14મી ઓક્ટોબરને શનિવારના રોજ કરાચી (Karachi) તરફ વાળવામાં આવ્યું હતું. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ફ્લાઈટ દરમિયાન એક મુસાફરની તબિયત અચાનક જ બગડી હતી માટે ક્રૂ દ્વારા વિમાનને કરાચીમાં લેન્ડ કરવાનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે, તાત્કાલિક મેડીકલ સેવા આપવા માટે તે સૌથી નજીકનું સ્થળ હતું. 

એર ઈન્ડિયા એક્સપ્રેસની IX-192 નંબરની ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ભારતીય વિમાનો માટે છેલ્લા 6 વર્ષથી બંધ પાક એર-સ્પેસને પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટીએ મેડીકલ ઈમર્જન્સી માટે મંજૂરી આપી હતી. ઉપરાંત એરપોર્ટ ખાતે જરૂરી મેડીકલ સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. 

વધુ વાંચો:ઈન્ડિગોની મુંબઈ-ગુવાહાટી ફ્લાઈટમાં ઉંઘવાનું નાટક કરી મહિલાની છેડતી કરનારા શખ્સની ધરપકડ

Air Indiaની ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ

શનિવારના રોજ એર ઈન્ડિયા (Air India) એક્સપ્રેસની  IX-192 નંબરની ફ્લાઈટ દુબઈથી સવારે 8:51 કલાકે રવાના થઈ હતી. જોકે એક મુસાફરની તબિયત લથડતા ઈમર્જન્સી લેન્ડિંગની જરૂર ઉભી થઈ હતી.  પાકિસ્તાનનું કરાચી એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ હોવાથી ક્રૂ દ્વારા ત્યાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીએ પણ ઈમર્જન્સી સમજીને ભારતીય વિમાનને તેમની એર સ્પેસમાં પ્રવેશવાની અને કરાચીમાં લેન્ડિંગ માટેની મંજૂરી આપી હતી. બપોરે 12:30 કલાકે ફ્લાઈટનું કરાચી એરપોર્ટ ખાતે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ કરાચી એરપોર્ટ પર જ મેડીકલ સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી. 

એર ઈન્ડિયાની ફ્લાઈટ કરાચી (Karachi) એરપોર્ટ પર લેન્ડ થઈ એટલે તરત જ ડોક્ટર્સની એક ટીમ દ્વારા મુસાફરનું ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું. ઉપરાંત તેને જરૂરી સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. પાકિસ્તાનના સમયાનુસાર બપોરે 2:30 કલાકે તે મુસાફરને ફરી ફ્લાઈટમાં બેસી ભારત જવાની રજા આપવામાં આવી હતી. 

આ ઘટના બાદ એરલાઈનના પ્રવક્તાએ કરાચી વિમાન મથક ખાતે સ્થાનિક અધિકારીઓનો તેમની મદદ માટે આભાર વ્યક્ત કર્યો હતો. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે તાત્કાલિક પ્રતિક્રિયા અને મદદ આપવા બદલ કરાચી વિમાન મથક સ્થિત સ્થાનિક અધિકારીઓનો આભાર માનીએ છીએ.”

વધુ વાંચો: Google Flights પર સસ્તી ફ્લાઈટ ટિકિટ શોધવા માટેની 3 ટિપ્સ જાણો

6 વર્ષથી પાકિસ્તાની એર સ્પેસથી દૂરી

6 વર્ષ પહેલા ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદથી પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાની એર સ્પેસ બંધ કરી દીધી હતી. ત્યારથી ભારત દ્વારા પાકિસ્તાની એર સ્પેસનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો. જોકે મેડીકલ ઈમર્જન્સીના કારણે પાકિસ્તાને પોતાની એર સ્પેસમાં ભારતીય વિમાનને મંજૂરી આપવી પડી હતી. 

નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે મેડીકલ ઈમર્જન્સીની સ્થિતિમાં કોઈ પણ દેશ પોતાની એર સ્પેસ વાપરવાની મનાઈ નથી કરી શકતો.