મહારાષ્ટ્રના ડેપ્યુટી CMએ કહ્યું- અજિત પવાર મુખ્યમંત્રી નહીં બને

મહારાષ્ટ્ર સરકારમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકીય હિલચાલ વધી છે. મહ્યુતિ સંગઠન ઘડાયા બાદ અજિત પવારે  ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેવામાં કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, 10 ઓગસ્ટે અજિત પવાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને એકનાથ શિંદેનું પદ ધારણ કરશે. આ વાત પર સ્પષ્ટતા કરતાં મહારાષ્ટ્રના ડેપ્યુટી CM […]

Share:

મહારાષ્ટ્ર સરકારમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકીય હિલચાલ વધી છે. મહ્યુતિ સંગઠન ઘડાયા બાદ અજિત પવારે  ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેવામાં કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, 10 ઓગસ્ટે અજિત પવાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને એકનાથ શિંદેનું પદ ધારણ કરશે. આ વાત પર સ્પષ્ટતા કરતાં મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, અજિત પવાર મુખ્યમંત્રી નહીં બને આ વાતથી તેઓ પોતે પણ માહિતગાર છે.  

અજિત પવાર મુખ્યમંત્રી બનશે તેવા ચૌહાણના દાવા પર નિવેદન આપતાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, આ તારીખે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે પરંતુ તેના સિવાય બીજી કોઈ ઘટના નહીં બને. મહ્યુતિના લીડર તરીકે હું ઔપચારિક રીતે નિવેદન આપું છુ કે,  અજિત પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બને. 

તેમણે આ દાવા પર વધારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, જ્યારે મહ્યુતિની રચના થઈ અને મીટિંગ થઈ તે સમયે જ અજિત પવારને સ્પષ્ટતા કરાઈ હતી કે તેમને મુખ્યમંત્રીનું પદ નહીં મળે. અજિત પવાર પાવર શેરિંગ ફોર્મ્યુલા માટે સંમત થયા હતા. તેમણે પોતે નિવેદનમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પદમાં કોઈ ફેરફાર નહીં આવે.

વિપક્ષ સામે પ્રહાર કરતાં ફડણવીસે જણાવ્યું કે, તેમણે મહ્યુતિ અંગે લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઈએ. પૃથ્વીરાજ ચૌહાણ માત્ર અફવા ફેલાવી રહ્યા છે.  જો 10 ઓગસ્ટે કંઈક થશે તો તે માત્ર કેબિનેટનું વિસ્તરણ છે. તેના પર મુખ્યમંત્રી નિર્ણય લેશે. 

2 જુલાઈએ અજિત પવાર અને NCPના અન્ય 8 ધારાસભ્યોએ શિવસેના અને BJPની સરકાર સાથે જોડાયા હતા.  તે સમયે અજિત પવારે ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા, જ્યારે અન્ય ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. 

જોકે આ રાજકીય ઘટનાક્રમ બાદ પૃથ્વીરાજ ચૌહાણનું માનવું છે કે અજિત પવાર મુખ્યમંત્રી એકનાથ શિંદેનું સ્થાન લેશે. તેમણે દાવો કર્યો છે કે, ભાજપ લોકસભાની ચૂંટણી લડવા માટે ઉત્સુક નથી. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે તમામ લોકોની મીટ 10 ઓગસ્ટે યોજાનાર ઈવેન્ટ પર છે. બની શકે આ દિવસ પહેલાં જ મહારાષ્ટ્રના રાજનીતિમાં હજુ કોઈ મોટો રાજકીય ભૂકંપ આવી જાય. 10 ઓગસ્ટે જો ખરેખર મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો ડેપ્યુટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના બોલ સાચા ફળશે.