તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના વિરોધમાં કર્ણાટકના ખેડૂતોનું આખી રાત વિરોધ પ્રદર્શન

કર્ણાટકમાં ખેડૂતોના એક જૂથે તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના આદેશના વિરોધમાં આખી રાત મીણબત્તીના અજવાળે ધરણા પ્રદર્શન કર્યું હતું. બુધવારે સવારના સમયે શ્રીરંગપટ્ટનમ પાસે માંડ્યા ખાતે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. કર્ણાટક 15 દિવસ માટે તમિલનાડુમાં 5,000 ક્યુસેક પાણી છોડે તેવી કાવેરી જળ વિનિયમન સમિતિની ભલામણથી નારાજ થયેલા ખેડૂતોએ આ પ્રકારે ધરણા શરૂ કર્યા […]

Share:

કર્ણાટકમાં ખેડૂતોના એક જૂથે તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના આદેશના વિરોધમાં આખી રાત મીણબત્તીના અજવાળે ધરણા પ્રદર્શન કર્યું હતું. બુધવારે સવારના સમયે શ્રીરંગપટ્ટનમ પાસે માંડ્યા ખાતે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. કર્ણાટક 15 દિવસ માટે તમિલનાડુમાં 5,000 ક્યુસેક પાણી છોડે તેવી કાવેરી જળ વિનિયમન સમિતિની ભલામણથી નારાજ થયેલા ખેડૂતોએ આ પ્રકારે ધરણા શરૂ કર્યા છે. 

રાજ્ય કાવેરીનું પાણી છોડવાનું જોખમ ન લઈ શકેઃ સિદ્ધારમૈયા

કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય દર્શન પુત્તનૈયા પણ આ વિરોધમાં સામેલ થયા હતા. જ્યારે નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કાવેરી નદીના પાણી મુદ્દે ચર્ચા કરવા માટે દિલ્હી જવાની યોજના બનાવી છે. તમિલનાડુ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે જ્યાં કર્ણાટકને પાણી છોડવાનો નિર્દેશ આપતી રાજ્યની અરજી પર સુનાવણી થશે. 

કર્ણાટક દ્વારા એક સોગંદનામુ દાખલ કરીને એવો દાવો કરવામાં આવ્યો છે કે, ટ્રિબ્યુનલે રાજ્યમાં ચોમાસુ સામાન્ય રહ્યું હોવાના આધાર પર આ આદેશ આપેલો પરંતુ તેમ નથી બન્યું. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના કહેવા પ્રમાણે રાજ્ય કાવેરી નદીનું પાણી છોડવાનું જોખમ ન લઈ શકે કારણ કે તેનાથી રાજ્યના જળાશયો ખાલી થઈ જશે અને પીવાના પાણીની તંગી સર્જાશે. 

અમે 3,000 ક્યુસેક પાણી આપી શકીએઃ શિવકુમાર

ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે, “હું મારી કાયદાકીય ટીમને મળીને આવતીકાલે દિલ્હી જવાનો છું. શુક્રવારે સુનાવણી (કાવેરી જળ મુદ્દે તમિલનાડુની અરજી પર) થશે. તમિલનાડુ દ્વારા 24-25 ટીએમસીની માગણી બાદ અમારા વિભાગના અધિકારીઓએ ખૂબ સારી રીતે તર્ક રજૂ કર્યો છે. અમે જણાવ્યું છે કે અમે 3,000 ક્યુસેક પાણી આપી શકીએ તેમ છીએ.”

વધુમાં જણાવ્યું હતું કે, “અમે આ મુદ્દે ચર્ચા કરીશું કે, કોર્ટને રાજ્યની સ્થિતિ સમજાવીને અમે તમિલનાડુમાં છોડવાના પાણીનું પ્રમાણ કેટલું ઘટાડાવી શકીએ છીએ. અમે નથી ઈચ્છતા કે અન્ય કોઈને ચાવી સોંપવામાં આવે. હાલ ચાવીઓ અમારા હાથમાં છે અને અમારે અમારા ખેડૂતોનું રક્ષણ કરવું પડશે.”

અગાઉ 10,000 ક્યુસેક પાણી છોડવા કહેવામાં આવેલું

કર્ણાટકના ખેડૂતોએ તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના વિરોધમાં બુધવારે રાતે પણ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. ખેડૂતોએ કાવેરી જળ વિનિયમન સમિતિ (CWRC)ના વચગાળાના આદેશ બાદ આ પ્રદર્શન આરંભ્યુ છે. આ આદેશ પ્રમાણે કર્ણાટકને 15 દિવસ સુધી પ્રતિદિન 5,000 ક્યુસેક પાણી તમિલનાડુમાં છોડવા માટે કહેવામાં આવ્યું છે. 

કર્ણાટકને પહેલા 10 હજાર ક્યુસેક પાણી છોડવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ રાજ્યના નિર્ણયના 

વિરોધમાં અપીલ કરીને કાવેરી બેઝિનના જળગ્રહણ ક્ષેત્રોમાં ઓછો વરસાદ થયો હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. કર્ણાટકની ચિંતાઓને ધ્યાનમાં રાખીને CWMAએ 5,000 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો.