મરાઠા આરક્ષણ મુદ્દે ચર્ચા કરવા માટે સોમવારે સર્વદળીય બેઠક બોલાવાઈઃ અજીત પવાર

મહારાષ્ટ્ર સરકારે મરાઠા આરક્ષણ મુદ્દે ચર્ચા કરવા માટે સોમવારના રોજ મુંબઈ ખાતે સર્વદળીય બેઠક બોલાવી છે. નાયબ મુખ્યમંત્રી અજીત પવારે રવિવારના રોજ આ અંગેની જાણકારી આપી હતી. અજીત પવારે કોલ્હાપુર શહેર ખાતે જનસભાને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, મરાઠા સમુદાયના અનેક લોકો ધનવાન છે પણ અનેક લોકો ગરીબ પણ છે જેમને મદદની જરૂર છે.  […]

Share:

મહારાષ્ટ્ર સરકારે મરાઠા આરક્ષણ મુદ્દે ચર્ચા કરવા માટે સોમવારના રોજ મુંબઈ ખાતે સર્વદળીય બેઠક બોલાવી છે. નાયબ મુખ્યમંત્રી અજીત પવારે રવિવારના રોજ આ અંગેની જાણકારી આપી હતી. અજીત પવારે કોલ્હાપુર શહેર ખાતે જનસભાને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, મરાઠા સમુદાયના અનેક લોકો ધનવાન છે પણ અનેક લોકો ગરીબ પણ છે જેમને મદદની જરૂર છે. 

મરાઠા આરક્ષણ મામલે સર્વદળીય બેઠક મળશે

અજીત પવારે કહ્યું હતું કે, મરાઠા સમુદાયને આરક્ષણ આપતી વખતે એ સુનિશ્ચિત થવું જોઈએ કે અન્ય પછાત વર્ગ પ્રભાવિત ન થાય. માત્ર ચર્ચા અને બેઠકો દ્વારા જ આ મુદ્દાનું સમાધાન લાવવામાં આવશે. માટે જ મરાઠા આરક્ષણ મુદ્દે ચર્ચા કરવા માટે સોમવારના રોજ મુંબઈ ખાતે સર્વદળીય બેઠક બોલાવાઈ છે. 

મરાઠા આરક્ષણ કાર્યકર મનોજ જરાંગે મરાઠા સમુદાયને ‘કુનબી’ જાતિનો દરજ્જો આપવા માટેની માગણીને લઈ છેલ્લા 2 સપ્તાહથી ભૂખ હડતાળ પર છે. મરાઠા સમુદાયના લોકો ‘કુનબી’ જાતિનો દરજ્જો મળ્યા બાદ ઓબીસી આરક્ષણનો લાભ મેળવી શકશે. જોકે આ મામલે મહારાષ્ટ્ર સરકાર અને જરાંગે વચ્ચેની અનેક તબક્કાની વાતચીત અને બેઠકનું કોઈ જ પરિણામ નથી મળ્યું. 

જાણો શું છે મરાઠા આરક્ષણનો મુદ્દો

મહારાષ્ટ્રમાં ઘણાં લાંબા સમયથી મરાઠા સમુદાયને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ મળે તે માટેની માગણી થઈ રહી છે. 1997ના વર્ષમાં મરાઠા સંઘ અને મરાઠા સેવા સંઘે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આરક્ષણ માટે પહેલી વખત વિશાળ આંદોલન કર્યું હતું. આંદોલનકારીઓના કહેવા પ્રમાણે મરાઠા ઉચ્ચ જાતિના નહીં પરંતુ મૂળ રૂપે ‘કુનબી’ એટલે કે કૃષિ સમુદાય સાથે સંકળાયેલા હતા. 

વર્તમાન સ્થિતિની વાત કરીએ તો મરાઠા સમુદાય મહારાષ્ટ્રની વસ્તીમાં આશરે 31 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આ એક પ્રમુખ જાતિ સમૂહ છે પરંતુ તેમ છતાં સમરૂપ એટલે કે એક સમાન નથી. તેમાં પૂર્વ સામંતી અભિજાત વર્ગ અને શાસકોની સાથે સાથે સૌથી વધારે વંચિત ખેડૂતો પણ સામેલ છે. રાજ્યમાં હંમેશા કૃષિ સંકટ, નોકરીઓની અછત અને સરકારના અધૂરા વચનોનો હવાલો આપીને સમાજ આંદોલન પર ઉતર્યો છે. 

2018માં આરક્ષણ અંગેનું બિલ પાસ થયું હતું

2018માં મહારાષ્ટ્ર વિધાનમંડળમાંથી મરાઠા સમુદાયને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 16% આરક્ષણ માટેનો પ્રસ્તાવ ધરાવતું એક બિલ પસાર કરવામાં આવ્યું હતું. બિલમાં મરાઠા સમુદાયને સરકારે સામાજીક અને શૈક્ષણિક રૂપે પછાત વર્ગ ઘોષિત કર્યો હતો. વિધાનમંડળમાં પાસ થયા બાદ મરાઠા આરક્ષણનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો. જૂન 2019માં બોમ્બે હાઈ કોર્ટે મરાઠા આરક્ષણની બંધારણીયતાને યથાવત રાખી હતી પરંતુ સરકારે તેને રાજ્ય પછાત વર્ગ આયોગની ભલામણો પ્રમાણે 16%થી ઘટાડીને 12થી 13% કરવા કહ્યું હતું. 

આ આરક્ષણને સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે મે 2021ના રોજ સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણને ગેરબંધારણીય ઠેરવીને કાયદો રદ્દ કર્યો. કોર્ટે એમ માન્યું હતું કે, મરાઠા આરક્ષણ 50%ની સીલિંગનું ઉલ્લંઘન કરીને આપવામાં આવ્યું હતું.