AMCએ અમદાવાદમાં રોંગ સાઈડ ડ્રાઈવિંગને રોકવા ટાયર કિલર બમ્પ ઈન્સ્ટોલ કર્યા

અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જગુઆર કાર દ્વારા 9 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ભયાનક અકસ્માત બાદ ગુજરાતમાં પ્રથમ વખત ટાયર કિલર બમ્પ સ્પાઈક્સ ફીટ કરવામાં આવી રહ્યા છે જે રોંગ સાઈડમાં જતા વાહનોના ટાયરને ચીરી નાખે છે. તેનો ઉદ્દેશ્ય રોંગ સાઈડ ડ્રાઈવિંગને તેમજ અકસ્માતો અને ટ્રાફિક જામને રોકવાનો છે. હાઈકોર્ટે […]

Share:

અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જગુઆર કાર દ્વારા 9 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ભયાનક અકસ્માત બાદ ગુજરાતમાં પ્રથમ વખત ટાયર કિલર બમ્પ સ્પાઈક્સ ફીટ કરવામાં આવી રહ્યા છે જે રોંગ સાઈડમાં જતા વાહનોના ટાયરને ચીરી નાખે છે. તેનો ઉદ્દેશ્ય રોંગ સાઈડ ડ્રાઈવિંગને તેમજ અકસ્માતો અને ટ્રાફિક જામને રોકવાનો છે. હાઈકોર્ટે રોંગ સાઈડ ડ્રાઈવિંગને રોકવા માટે ટાયર કિલર બમ્પ જેવા પગલાં સૂચવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.  

હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 22 જુલાઈથી 2 ઓગસ્ટ સુધીના ટ્રાફિક નિયમોના ભંગ કરવાના કેસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ટ્રાફિક વિભાગ દ્વારા અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 11 દિવસમાં 1379 કેસ નોંધાયા છે. પરંતુ હવે પોલીસ અને AMCએ ટ્રાફિક નિયમોના ભંગ કરનારાઓ સામે નવું શસ્ત્ર ઉગામ્યું છે. જે લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવશે તેમના ટાયર ફ્લેટ થઈ જશે.

ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં લાગ્યા ટાયર કિલર બમ્પ

અમદાવાદમાં AMCના ટ્રાફિક પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા રસ્તાઓ પર ટ્રાફિકની સરળ અવરજવર જાળવવા માટે રોડ માર્કિંગ, રોડ સિગ્નેજ જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશન(AMC) ના નવીનતમ અભિગમના ભાગરૂપે, શહેરના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચાણકયપુરી બ્રિજના સર્વિસ રોડ પર પ્રાયોગિક ધોરણે વન-વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ (ટાયર કિલર બમ્પ) લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના માર્ગો પર ટ્રાફિકની કામગીરી સુચારૂ રીતે ચાલુ રાખવા આગામી સમયમાં શહેરમાં ટ્રાફિકના યોગ્ય સંચાલન માટે વધુ સઘન અને અસરકારક કામગીરી હાથ ધરવામાં આવશે.

રોંગ સાઈડ ડ્રાઈવિંગના 162 કેસ નોંધાયા 

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદમાં હાથ ધરવામાં આવેલી ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 1379 કેસ નોંધાયા છે. જેમાં ઓવર સ્પીડના 695 કેસ, નંબર પ્લેટ વગર વાહન ચલાવવાના 673 કેસ, રેસિંગના 368 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવના 316 કેસ નોંધાયા છે. શહેરમાં રોંગ સાઈડ ડ્રાઈવિંગના 162 કેસ નોંધાયા છે. સરખેજ અને જોધપુર વોર્ડમાં SG હાઈવેની બંને બાજુએ સરખેજ અને જોધપુર વોર્ડમાંથી કર્ણાવતી ક્લબ ચાર રસ્તા સુધીના સર્વિસ રોડ પર ગેરકાયદે પાર્ક કરાયેલા કુલ 49 વાહનોને ટ્રાફિક પોલીસની મદદથી દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા તાળાં મારી દેવામાં આવ્યા હતા. આમ, ગેરકાયદે પાર્ક કરાયેલા કુલ 49 વાહનોને લોક કરી કુલ 24500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

AMCના ટ્રાફિક વિભાગના અધિકારીએ જણાવ્યું કે,  મુસાફરોને ઈન્સ્ટોલેશન પહેલાં ટાયર કિલર બમ્પ વિશે જાણવાની જરૂર છે. કારણ કે તે મોટરચાલકોને, ખાસ કરીને ટુ-વ્હીલરના ઉપયોગકર્તાઓમાં ઈજાનું જોખમ ઊભું કરી શકે છે.

AMC અધિકારીએ જણાવ્યું હતું, “પુના અને નોઈડામાં ટાયર કિલર બમ્પનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ સલામતીની ચિંતાઓ વધી હતી. ટાયર કિલર બમ્પ લગાવતા પહેલા, મુસાફરોને તેના દ્વારા જે જોખમ ઊભું થાય છે તે વિશે જાણ કરવી જોઈએ.”