ગૃહમંત્રી અમિત શાહ અરૂણાચલમાં જઈને બોલ્યા તીખાં વેણ, ચીન શાંતિ-શાંતિ જપવા લાગ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભારતના ઉતર-પૂર્વ રાજ્ય અરૂણાચલ પ્રદેશની બે દિવસની મુલાકાતે ગયા છે. અહીં તેમણે અરૂણાચલ પ્રદેશના કીબીથુ ગામમાં સરહદી વિસ્તારમાં રહેતા લોકોના જીવનમાં સુધારો આવે તે માટે વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમનો શુભારંભ કર્યો. અહીં વસતા લોકોના જીવનની ગુણવત્તા ઉંચી લાવવા તેમજ જે લોકો ગામ છોડીને ચાલ્યા જાય છે તેમનું પલાયન રોકવાનો પણ આ કાર્યક્રમનો […]

Share:

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભારતના ઉતર-પૂર્વ રાજ્ય અરૂણાચલ પ્રદેશની બે દિવસની મુલાકાતે ગયા છે. અહીં તેમણે અરૂણાચલ પ્રદેશના કીબીથુ ગામમાં સરહદી વિસ્તારમાં રહેતા લોકોના જીવનમાં સુધારો આવે તે માટે વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમનો શુભારંભ કર્યો. અહીં વસતા લોકોના જીવનની ગુણવત્તા ઉંચી લાવવા તેમજ જે લોકો ગામ છોડીને ચાલ્યા જાય છે તેમનું પલાયન રોકવાનો પણ આ કાર્યક્રમનો હેતુ છે. જેના પરિણામે સીમા સંરક્ષણ પણ મજબૂત બનશે તેવી સંભાવના રહેલી છે. સરહદી ગામોમાં વિકાસ થકી જ આ સમસ્યાનું સમાધાન શક્ય છે અને એટલે જ ‘વાઇબ્રન્ટ વિલેજ’ની પહેલ શરૂ કરવામાં આવી છે. 

ચીનની સરહદને સ્પર્શીને આવેલા કીબીથુ ગામના લોકોને સંબોધન કરતા અમિત શાહ જણાવે છે કે, આ વાઇબ્રન્ટ વિલેજ યોજના પાછળ 4800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તાજેતરમાં જ ચીન દ્વારા અરૂણાચલ પ્રદેશને લઈને પોતાનો અલગથી નકશો જાહેર કરવામાં આવ્યો હતો. તેથી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારત-ચીન સરહદ નજીક આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવું ખૂબ જ મહત્ત્વનું છે.

અહીં વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમને સંબોધન કરતા અમિત શાહ ચીન પર પ્રહાર કરતા બોલ્યા કે, ભારતની સીમા પર કબજો કરવાનો સમય ગયો. આજની તારીખે કોઈ સોયની અણી જેટલી જમીન પર પણ કબજો મેળવી શકશે નહીં. અરૂણાચલમાં હવે કોઈ નમસ્તે નથી કરતું પણ દરેક લોકો જયહિન્દ બોલીને એકબીજાને મળે છે. આ જોઈને મારું હૃદય ભરાઈ આવે છે. અરૂણાચલના લોકોની આ દેશભક્તિને લીધે જ 1962ના આક્રમણકારીઓને પણ પાછા ફરવું પડયું હતું.

અમિત શાહની આ મુલાકાત ચીનના અરૂણાચલ પ્રદેશના પરના વાદવિવાદનો જવાબ છે. કારણ કે ચીન આ વિસ્તાર ઉપર પોતાનો દાવો કરે છે. અમિત શાહની અરૂણાચલ પ્રદેશની મુલાકાતને લઈને ચીન ગુસ્સે ભરાયું છે કારણ કે ચીન અરૂણાચલ પ્રદેશને પોતાનો ભાગ જ માને છે. ભારતના આ વિસ્તારને ચીન દક્ષિણ તિબેટ તરીકે પોતાના નકશામાં દર્શાવે છે. અમિત શાહની અરૂણાચલ પ્રદેશની આ મુલાકાતને ચીન પોતાના સાર્વભૌમત્વના ઉલ્લંઘન સમાન માને છે. ચીને અરૂણાચલ પ્રદેશને ‘જંગ નાન’ નામ આપ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબી આ વિષયને લઈને નિવેદન આપતા જણાવે છે કે, જાંગ નાન ચીનનો પ્રદેશ છે ભારતના ગૃહમંત્રીની જંગ નાન મુલાકાત ચીનની સરહદી સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે. આ મુલાકાત સીમાની સ્થિતિ અને શાંતિ માટે અનુકૂળ નથી.