અમિત શાહે લાલ ડાયરીનો ઉલ્લેખ કરીને અશોક ગેહલોત પર સાધ્યું નિશાન, કહ્યું- શરમ બચી હોય તો રાજીનામુ આપો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારના રોજ રાજસ્થાનના ગંગાપુરમાં ખેડૂતોના એક સંમેલનને સંબોધિત કરતી વખતે પ્રાંતની અશોક ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું હતું. આ સાથે જ અમિત શાહે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત લાલ ડાયરીથી ખૂબ જ ડરેલા હોવાનો દાવો કરીને તેઓ શા માટે ડરેલા છે એમ સવાલ કર્યો હતો.  ‘જરા પણ શરમ બચી હોય તો રાજીનામુ […]

Share:

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારના રોજ રાજસ્થાનના ગંગાપુરમાં ખેડૂતોના એક સંમેલનને સંબોધિત કરતી વખતે પ્રાંતની અશોક ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું હતું. આ સાથે જ અમિત શાહે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત લાલ ડાયરીથી ખૂબ જ ડરેલા હોવાનો દાવો કરીને તેઓ શા માટે ડરેલા છે એમ સવાલ કર્યો હતો. 

‘જરા પણ શરમ બચી હોય તો રાજીનામુ આપો’

અમિત શાહે અશોક ગેહલોત પર નિશાન સાધીને લાલ ડાયરીમાં કાળા કારનામા છુપાયેલા હોવાનું જણાવ્યું હતું. તેમણે લાલ ડાયરીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો હિસાબ હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ અમિત શાહે અશોક ગેહલોતને જો તેમનામાં જરા પણ શરમ બચી હોય તો લાલ ડાયરીના મુદ્દે રાજીનામુ આપીને ચૂંટણીના મેદાનમાં સામસામે આવીને લડવા માટે પડકાર ફેંક્યો હતો. 

અમિત શાહના કાર્યક્રમમાં નારેબાજી

અમિત શાહ જ્યારે ગંગાપુર સિટી પહોંચ્યા ત્યારે તેમના કાર્યક્રમની શરૂઆતમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ નારેબાજી શરૂ કરી દીધી હતી. તેના અનુસંધાને અમિત શાહે અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે, ગેહલોત સાહેબે કેટલાક માણસો મોકલ્યા છે. આ સાથે જ અમિત શાહે તે લોકોને નારેબાજી કરવા દેવા માટે વિનંતી કરી હતી અને તેઓ થોડો સમય પોતાનો કાર્યક્રમ કર્યા બાદ જાતે જ થાકીને જતા રહેશે તેમ કહ્યું હતું. 

કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી

અમિત શાહે કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આપણાં અંતરિક્ષ મિશનને નવી ગતિ અને ઉર્જા આપી છે. આજે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો છે. દેશવાસીઓ માટે આ એક ગૌરવનો વિષય છે. હું એ લોકોને કહેવા માગું છું કે, નારેબાજી કરવાના બદલે જો તેમણે (કોંગ્રેસે) ચંદ્રયાનને આગળ વધાર્યું હોત તો આજે નારેબાજી કરવાની નોબત જ ન આવતી. 

જાણો શું છે લાલ ડાયરીનો મુદ્દો

રાજસ્થાન કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવેલા મંત્રી રાજેન્દ્ર ગુઢાએ પોતે જુલાઈ 2020માં ઈન્કમ ટેક્સના દરોડા દરમિયાન કોંગ્રેસી નેતા ધર્મેન્દ્ર રાઠોડના આવાસ ખાતેથી લાલ ડાયરી ઉઠાવી લાવ્યા હોવાનો દાવો કર્યો હતો. રાજેન્દ્ર ગુઢા ગત મહિને રાજસ્થાન વિધાનસભામાં તે લાલ ડાયરી લઈને પહોંચી ગયા હતા અને તેમણે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આ કારણે જ અમિત શાહે પોતાના સંબોધનમાં લાલ ડાયરી મુદ્દે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અશોક ગેહલોત લાલ ડાયરીથી ડરે છે કારણ કે, લાલ ડાયરીમાં કોંગ્રેસ સરકારના ભ્રષ્ટાચારના લેખા જોખા છે. વધુમાં હવેથી કોઈ વ્યક્તિએ પોતાના પાસે લાલ ડાયરી ન રાખવી નહીં તો ગેહલોત સાહેબ નારાજ થઈ જશે તેવી ટીખળ પણ કરી હતી.