સાળંગપુર ખાતે સોમવારે વહેલી સવારે પરિસરની લાઈટ બંધ કરી હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો દૂર કરાયા

બોટાદના પ્રખ્યાત સાળંગપુર ધામ ખાતે આવેલા કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની ‘કિંગ ઓફ સાળંગપુર’ની 54 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા નીચેના 2 ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવાયા બાદ છેલ્લા કેટલાક દિવસથી ભારે વિવાદ જાગ્યો હતો.  ત્યારે સોમવારે વહેલી સવારે 2 વિવાદિત ભીંતચિત્રો દૂર કરીને તેના સ્થાને અન્ય 2 ભીંતચિત્રો લગાવી દેવામાં આવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની […]

Share:

બોટાદના પ્રખ્યાત સાળંગપુર ધામ ખાતે આવેલા કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની ‘કિંગ ઓફ સાળંગપુર’ની 54 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમા નીચેના 2 ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવાયા બાદ છેલ્લા કેટલાક દિવસથી ભારે વિવાદ જાગ્યો હતો. 

ત્યારે સોમવારે વહેલી સવારે 2 વિવાદિત ભીંતચિત્રો દૂર કરીને તેના સ્થાને અન્ય 2 ભીંતચિત્રો લગાવી દેવામાં આવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ શાખાએ મધ્યરાત્રિ બાદ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના પ્લેટફોર્મ પર લગાવાયેલા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો દૂર કર્યા હતા. જોકે આ કામગીરી દરમિયાન પ્લેટફોર્મ ફરતે પડદા લગાવી દેવામાં આવ્યા હતા અને પરિસરની ફ્લડ લાઈટ પણ બંધ કરી દેવાઈ હતી. 

પોલીસની સઘન સુરક્ષા વચ્ચે વિવાદિત ભીંતચિત્રો દૂર કરી દેવામાં આવ્યા છે અને થોડા સમય માટે તેના સ્થાને અન્ય 2 પેનલ લગાવી દેવામાં આવી છે. બાદમાં બાકીના ભીંતચિત્રો સાથે મેળ ખાતા ભીંતચિત્રો તૈયાર કરાવીને લગાવી દેવામાં આવશે. 

ભીંતચિત્રોના વિવાદ બાદ મંદિરનું વલણ

હનુમાનજીના ભક્તોએ ભીંતચિત્રોમાં તેમના આ કથિત અપમાનને જોયા બાદ તેની તસવીરો લીધી હતી અને સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ કારણે ઓગષ્ટના અંત સુધીમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોનો વિવાદ ભારે ગરમાયો હતો. વિવાદ બાદ શરૂમાં મંદિરના મેનેજમેન્ટે ભીંતચિત્રોને પ્લાસ્ટિકના પડદાથી ઢાંકી દીધા હતા પરંતુ વડતાલ ગાદીના નૌતમ સ્વામીએ તે ભીંતચિત્રો મામલે જક્કી વલણ અપનાવી વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને પડદા દૂર કરી દેવાયા હતા. 

સાધુ સમાજે હનુમાનજીના વિવાદિત ભીંચચિત્રોનો વિરોધ કર્યો

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સિવાયના અન્ય સાધુ સંતોએ હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોના મુદ્દે આકરૂં વલણ દાખવ્યું હતું અને વિશ્વ હિન્દુ પરિષદ, ગુજરાત સરકારે આ મુદ્દામાં મધ્યસ્થતા કરી હતી. બાદમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સ્વામિનારાયણના સંતો, મંત્રીઓ અને અન્યની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી. સાથે જ અમદાવાદના શિવાનંદ આશ્રમમાં પણ સ્વામિનારાયણના સંતો, અન્ય સંતો, VHP નેતાઓની હાજરીમાં બેઠક યોજાઈ હતી અને વિવાદનું સુખદ સમાધાન થયું હતું જેમાં ભીંતચિત્રો દૂર કરવાની ખાતરી આપવામાં આવી હતી. 

હજુ વિવાદનો અંત નહીં

એક રીતે વિવાદિત ભીંતચિત્રો દૂર કરી દેવાયા છતાં પણ હનુમાનજીના ભક્તોમાં રોષ ઓછો નથી થયો. આ મામલે સરખેજ ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મહંત ઋષિ ભારતી બાપુએ કહ્યું હતું કે, સ્વામિનારાયણના સંતો હનુમાન ભક્ત નહીં સહજાનંદ ભક્ત છે. હનુમાન દાદાને માત્ર કમાણી માટે ત્યાં રાખ્યા છે. હનુમાન દાદાનો ફોટો ક્યાંય એમની ઓફિસમાં નથી. તેમની અંગત પૂજામાં પણ હનુમાનજીનું સ્થાન નથી.સાળંગપુરના વિવાદ બાદ બોટાદના કુંડળધામમાંથી નીલકંઠ વર્ણીને ફળ અર્પણ કરતાં હનુમાન દાદાની પ્રતિમા દૂર કરાઈ છે. 

કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના તિલકનો વિવાદ

સાળંગપુર ખાતે હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો દૂર કરવામાં આવ્યા ત્યાર બાદ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરમાં રહેલી નીલકંઠવર્ણીને ફળાહાર કરાવતા હનુમાનજીની વિવાદિત મૂર્તિ પણ દૂર કરવામાં આવી છે. ત્યારે હવે કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને કરવામાં આવેલા સ્વામિનારાયણા તિલકનો વિવાદ ઉભો થયો છે.