કાવેરી જળ વિવાદને લઈ મંગળવારે બેંગલુરૂમાં બંધ પાળવામાં આવ્યો, કાર્યકરોની અટકાયત

પાડોશી રાજ્ય તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના વિરોધમાં કર્ણાટકમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે ચાલુ સપ્તાહ દરમિયાન 2 વખત બંધ પાળવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. મંગળવારના રોજ બેંગલુરૂમાં બંધનું પાલન કરવામાં આવ્યું હતું જ્યારે શુક્રવારે સમગ્ર રાજ્યમાં બંધ પાળવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.  બેંગલુરુ બંધને કારણે શાળાઓ બંધ બેંગલુરૂ બંધને અનુલક્ષીને બેંગલુરૂની તમામ શાળાઓ […]

Share:

પાડોશી રાજ્ય તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના વિરોધમાં કર્ણાટકમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે ચાલુ સપ્તાહ દરમિયાન 2 વખત બંધ પાળવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. મંગળવારના રોજ બેંગલુરૂમાં બંધનું પાલન કરવામાં આવ્યું હતું જ્યારે શુક્રવારે સમગ્ર રાજ્યમાં બંધ પાળવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. 

બેંગલુરુ બંધને કારણે શાળાઓ બંધ

બેંગલુરૂ બંધને અનુલક્ષીને બેંગલુરૂની તમામ શાળાઓ અને કોલેજીસમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. બેંગલુરૂના ડીએમ દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. એરલાઈન્સ દ્વારા પણ લોકોને 2.5 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી જવા માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી. 

બેંગલુરૂમાં મંગળવારના રોજ વિવિધ સંગઠનોએ બંધ પાળવા આહ્વાન કરવામાં આવ્યું હતું. ફેડરેશન ઓફ ફાર્મર્સ એસોસિએશન, ધ ફેડરેશન ઓફ પ્રો કન્નડ ઓર્ગેનાઈઝેશન્સ, કાવેરી જળ સંરક્ષણ સમિતિ અને ઓર્ગેનાઈઝેશન ફોર ધ બેંગલુરૂ રેસિડેન્ટ વેલફેર એસોસિએશન દ્વારા બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. 

ત્યારે વિવાદ વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મંગળવારે બેંગલુરૂ બંધને લઈ પોતાની સરકાર પ્રદર્શનકારીઓને અટકાવશે નહીં પણ શાંતિ વ્યવસ્થા જળવાઈ રહેવા જોઈએ તેમ જાહેર કર્યું હતું. આ સાથે જ તેમણે રાજ્ય સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મજબૂત દલીલો રજૂ કરશે તેમ પણ કહ્યું હતું. 

કાવેરી જળ વિવાદને કારણે સ્થિતિ વણસી

આ કારણે બેંગલુરૂમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી અને પોલીસ કમિશ્નરે સાર્વજનિક સ્થળોએ એક સાથે 5 કે તેથી વધુ લોકો ભેગા નહીં થઈ શકે તેવો આદેશ બહાર પાડ્યો હતો. જોકે મંગળવારે બંધને મિશ્રિત પ્રતિસાદ મળ્યો હતો. તમિલનાડુને કાવેરી નદીનું પાણી આપવાના વિરોધમાં માર્ચ યોજવા પ્રયત્ન કરવાના આરોપસર કર્ણાટક પોલીસે મંગળવારે સવારે 20થી વધારે લોકોને કસ્ટડીમાં લીધા હતા. તેમના પર કલમ 144ના આદેશના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 

બેંગલુરૂમાં મંગળવારે સાંજના 6 વાગ્યા સુધી બંધ પાળવામાં આવ્યો હતો જેને ખાનગી પરિવહનના 37 સંગઠનો અને નાગરિક એજન્સીઓ, સરકારી નિગમો અને વાણિજ્યિક પ્રતિષ્ઠાનો સહિત અન્ય 95 સંગઠનોએ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ બંધને ભાજપ અને જનતા દળ સેક્યુલર (જદ-એસ) દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. 

કાવેરી જળ પ્રબંધન ઓથોરિટી (CWMA)એ કર્ણાટક સરકારને 13મી સપ્ટેમ્બરથી 15 દિવસ સુધી તમિલનાડુને 5,000 ક્યુસેક પાણી છોડવા નિર્દેશ આપ્યો હતો. આ કારણે ખેડૂત સંગઠનો, કન્નડ સમર્થિત સંગઠનો દ્વારા તમિલનાડુને કાવેરી નદીનું પાણી છોડવાના આદેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

પ્રદર્શનકારીઓના કહેવા પ્રમાણે કાવેરી નદી હાલ પાણી છોડી શકાય તે સ્થિતિમાં નથી. ચોમાસા દરમિયાન અપૂરતા વરસાદના કારણે પાણીની તંગી સર્જાઈ હતી અને સાથે જ ઉભા પાકને પણ હાલ કાવેરી નદીના પાણીની જરૂર હોવાની દલીલ કરવામાં આવી રહી છે. 

કાવેરી નદી બેંગલુરૂ શહેર માટે પીવાના પાણીનો અને રાજ્યના માંડવા ક્ષેત્રની કૃષિ ભૂમિ માટે સિંચાઈ જળના પુરવઠાનો મહત્વનો સ્ત્રોત છે. આ કારણે જ કાવેરી નદીના પાણીની વહેંચણીનો પ્રશ્ન એક ભાવનાત્મક મુદ્દો છે અને તમામ રાજકીય પાર્ટીઓ તેની આગમાં હાથ શેકી રહી છે.