કેન્દ્ર સરકારે બોલાવ્યું સંસદનું વિશેષ સત્ર, 5 દિવસમાં 5 બેઠકોનું આયોજન

કેન્દ્ર સરકારે એક ખૂબ જ ચોંકાવનારા નિર્ણય અંતર્ગત સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદીય કાર્ય મંત્રી પ્રલ્હાદ જોશીએ ગુરૂવારના રોજ (31મી ઓગષ્ટ) X (પૂર્વ ટ્વિટર) પર પોસ્ટ કરીને 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર ચાલશે અને તેમાં 5 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જાહેરાત કરી હતી.  અમૃત કાળ દરમિયાન સંસદનું વિશેષ સત્ર કેન્દ્રની […]

Share:

કેન્દ્ર સરકારે એક ખૂબ જ ચોંકાવનારા નિર્ણય અંતર્ગત સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદીય કાર્ય મંત્રી પ્રલ્હાદ જોશીએ ગુરૂવારના રોજ (31મી ઓગષ્ટ) X (પૂર્વ ટ્વિટર) પર પોસ્ટ કરીને 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર ચાલશે અને તેમાં 5 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જાહેરાત કરી હતી. 

અમૃત કાળ દરમિયાન સંસદનું વિશેષ સત્ર

કેન્દ્રની મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે જે 18થી 22મી સપ્ટેમ્બર સુધી ચાલશે. તે 17મી લોકસભાનું 13મુ સત્ર અને રાજ્યસભાનું 261મુ સત્ર હશે અને તેમાં 5 બેઠકો થશે. અમૃત કાળ દરમિયાન બોલાવાયેલા સંસદના આ વિશેષ સત્રમાં સાર્થક ચર્ચા અને ડિબેટ જામે તેવી આશા છે. 

હકીકતે બંધારણની કલમ 85માં સંસદનું સત્ર બોલાવવાની જોગવાઈ છે. તેના અંતર્ગત સરકાર સંસદના સત્ર બોલાવવાનો અધિકાર ધરાવે છે. સંસદીય મામલાઓની કેબિનેટ સમિતિ નિર્ણય લે છે જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક સ્વરૂપ આપવામાં આવે છે અને તેના દ્વારા સાંસદો (સંસદના સદસ્યો)ને એક સત્રમાં બોલાવવામાં આવે છે. 

અનેક મહત્વના બિલ રજૂ કરવાની શક્યતા

આમ નવી સંસદમાં 5 દિવસ માટે બોલાવાયેલા સંસદના વિશેષ સત્રમાં 10થી પણ વધારે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. જેમાં કેન્દ્ર સરકાર આ સત્ર દરમિયાન ‘એક દેશ એક ચૂંટણી’ પર બિલ લાવી શકે છે. મતલબ કે દેશમાં થનારી તમામ ચૂંટણી એક સાથે યોજવામાં આવે. લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક જ સાથે થાય. ઉલ્લેખનીય છે કે, દેશમાં ‘વન નેશન-વન ઈલેક્શન’ને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે.

ચોમાસુ સત્ર દરમિયાન હોબાળો

અગાઉ તારીખ 20મી જુલાઈથી 11મી ઓગષ્ટ દરમિયાન સંસદનું ચોમાસુ સત્ર ચાલ્યુ હતું. તે સત્ર દરમિયાન મણિપુરમાં વ્યાપેલી હિંસા મામલે જોરદાર હંગામો મચ્યો હતો. વિપક્ષ મણિપુર મુદ્દે વડાપ્રધાન મોદીના નિવેદન સાથે ચર્ચા મામલે અડગ હતું જ્યારે સામે પક્ષે સરકાર ગૃહ મંત્રી અમિત શાહના જવાબ સાથે ચર્ચાની વાત કરી રહી હતી. આ કારણે સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે સંઘર્ષ થયો હતો.

ત્યાર બાદ કોંગ્રેસે મણિપુર મુદ્દે લોકસભામાં વડાપ્રધાન મોદીની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મુક્યો હતો. તે દરમિયાન રાહુલ ગાંધીએ પણ મણિપુર હિંસાનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર ભારે પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો અને તે સાથે જ વિપક્ષનો પ્રસ્તાવ ખાલી ગયો હતો. 

નોંધનીય છે કે, મણિપુરમાં 3 મેથી હિંસા વ્યાપેલી છે અને અત્યાર સુધીમાં 160થી પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 10,000થી પણ વધારે ઘર હિંસાની આગમાં હોમાઈ ચુક્યા છે અને 50,000થી પણ વધારે લોકો રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર બન્યા છે.