કેન્દ્ર સરકારે ‘વન નેશન, વન ઈલેક્શન’ માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનાવી કમિટી

વન નેશન, વન ઈલેક્શન (એક દેશ, એક ચૂંટણી)ની પ્રપોઝલ અંગેના કાયદાકીય પાસાઓની તપાસ કરવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ એક કમિટીની રચના કરી હતી. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.  વન નેશન, વન ઈલેક્શન માટે કમિટીનું નિર્માણ […]

Share:

વન નેશન, વન ઈલેક્શન (એક દેશ, એક ચૂંટણી)ની પ્રપોઝલ અંગેના કાયદાકીય પાસાઓની તપાસ કરવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ એક કમિટીની રચના કરી હતી. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. 

વન નેશન, વન ઈલેક્શન માટે કમિટીનું નિર્માણ

મોદી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ‘વન નેશન, વન ઈલેક્શન’ મામલે એક કમિટીની રચના કરી છે. ટૂંક સમયમાં જ આ કમિટીના સદસ્યો કોણ હશે તે અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આગામી 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાતના એક દિવસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેનો એજન્ડા ગુપ્ત રાખવામાં આવ્યો છે. ત્યારે સરકાર સંસદના વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલેક્શન અંગેનું બિલ લાવે તેવી શક્યતા છે. 

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક વર્ષોથી લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એક જ સાથે યોજવાના નિર્ણયની ખૂબ મજબૂતાઈથી વકીલાત કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને જવાબદારી સોંપવાનો નિર્ણય ચૂંટણીલક્ષી દૃષ્ટિકોણના યજમાન તરીકેની સરકારની ગંભીરતાને પ્રદર્શિત કરે છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને ત્યાર બાદ આગામી વર્ષે મે-જૂન મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. 

કેન્દ્રીય મંત્રીની પ્રતિક્રિયા

વન નેશન, વન ઈલેક્શન મુદ્દે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રલ્હાદ જોશીએ કહ્યું હતું કે, “હાલ એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિનો એક રિપોર્ટ તૈયાર થશે જેના પર ચર્ચા કરવામાં આવશે. સંસદ પરિપક્વ છે અને ત્યાં ચર્ચા થશે. ડરવાની જરૂર નથી. ભારત લોકશાહીની જનની તરીકે ઓળખાય છે, અહીં વિકાસ થયો છે… હું સંસદના વિશેષ સત્રના એજન્ડા પર ચર્ચા કરીશ.”

વન નેશન, વન ઈલેક્શનના લાભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ વન નેશન, વન ઈલેક્શનની તરફેણમાં છે. આ બિલના સમર્થન પાછળ સૌથી મોટો તર્ક એવો રજૂ કરવામાં આવે છે કે, તેનાથી ચૂંટણી ખર્ચમાં થતા કરોડો રૂપિયાની બચત થશે. વડાપ્રધાન મોદીના કહેવા પ્રમાણે તેનાથી દેશના સંસાધનોની બચત થશે અને વિકાસની ગતિમાં અવરોધ નહીં આવે. 

સાથે જ ભારત જેવા વિશાળ દેશમાં દર વર્ષે ક્યાંકને ક્યાંક ચૂંટણી થતી હોય છે જેના આયોજનમાં સંપૂર્ણ સ્ટેટ મશીનરી અને સંસાધનો વપરાતા હોય છે. નોંધનીય છે કે, 1951-1952ની લોકસભા ચૂંટણીમાં 11 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.