ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે વધુ એક વખત ચંદ્રની સપાટી પર કર્યું સોફ્ટ લેન્ડિંગ

ચંદ્રની સપાટી પર અંગદની માફક પોતાનો પગ જમાવનારા વિક્રમ લેન્ડરે વધુ એક વખત ભારતને સિદ્ધિ અપાવી છે. વિક્રમ લેન્ડરે વધુ એક વખત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ઈસરોએ આ અંગેનો વીડિયો શેર કર્યો છે જેમાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉડીને થોડે દૂર ફરી સોફ્ટ લેન્ડિંગ કરતા દેખાય છે.  આગળના મિશન માટે યાનને […]

Share:

ચંદ્રની સપાટી પર અંગદની માફક પોતાનો પગ જમાવનારા વિક્રમ લેન્ડરે વધુ એક વખત ભારતને સિદ્ધિ અપાવી છે. વિક્રમ લેન્ડરે વધુ એક વખત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. ઈસરોએ આ અંગેનો વીડિયો શેર કર્યો છે જેમાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉડીને થોડે દૂર ફરી સોફ્ટ લેન્ડિંગ કરતા દેખાય છે. 

આગળના મિશન માટે યાનને ધરતી પર લાવી શકાશે

ચંદ્રયાન-3 મિશન અંગેની તાજેતરની અપડેટ આપતા ઈસરોએ જણાવ્યું હતું કે, વિક્રમ લેન્ડરે પોતાના મિશન ઉદ્દેશ્યોને પાર પાડ્યા છે. તે એક પ્રયોગ હતો. ઈસરોએ કમાન્ડ આપ્યો અને વિક્રમનું એન્જિન ચાલુ થઈ ગયું. 

આશા પ્રમાણે વિક્રમ લેન્ડર આશરે 40 સેમી ઉપર ઉઠ્યું અને 30-40 સેમી દૂર જઈને ફરી સુરક્ષિત ઉતરાણ કર્યું હતું. આમાં મહત્વની વાત એ પણ છે કે, આ પ્રયોગના આધાર પર ઈસરો હવે આગળના મિશન માટે યાનને ચંદ્ર પરથી ધરતી પર પરત લાવી શકશે. હાલ આ પ્રયોગ સફળ રહ્યો છે જેનાથી વૈજ્ઞાનિકોમાં આનંદ વ્યાપ્યો છે. 

વિક્રમ લેન્ડર પરના આ પ્રયોગનું મહત્વ

ઈસરોએ X (ટ્વિટર) પોસ્ટમાં આ પ્રયોગનું મહત્વ જણાવતા લખ્યું હતું કે, આ પ્રયોગ ભવિષ્યમાં ચંદ્રની સપાટી પરથી નમૂના એકઠા કરીને ભારત લાવવા માટે અને માનવ મિશનના અનુસંધાને પણ ખૂબ મહત્વપૂર્ણ છે જેને લઈ વૈજ્ઞાનિકોમાં ઉત્સાહ છે. 3 સપ્ટેમ્બર, 2023ના રોજ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે વધુ એક વખત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું. વિક્રમ લેન્ડર પોતાના મિશનના ઉદ્દેશ્યો પૂરા કરવાની દિશામાં આગળ વધ્યું. 

માનવ મિશન માટે આશાઓ વધી

ઈસરોએ જણાવ્યું હતું કે, વિક્રમ લેન્ડર પોતાના મિશનના ઉદ્દેશ્યોને પાર પાડવાની દિશામાં આગળ વધ્યું. તેણે સફળતાપૂર્વક એક પ્રયોગ પાર પાડ્યો. વિક્રમની તમામ સિસ્ટમ સરખી રીતે કામ કરી રહી છે અને તે યોગ્ય સ્થિતિમાં છે. લેન્ડરના રેમ્પ અને ઉપકરણોને બંધ કરી દેવામાં આવ્યા છે અને તેને પ્રયોગ બાદ ફરી સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયાથી ભવિષ્યમાં સેમ્પલ લાવવામાં અને ચંદ્ર પર માનવ મિશન માટેની આશાઓ વધી છે. 

રોવર અને લેન્ડર ફરી સ્લીપ મોડમાં

આ પ્રયોગ બાદ ફરી એક વખત ચંદ્રયાન-3નું પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર સ્લીપ મોડમાં જતા રહ્યા છે. રોવરની બેટરી સંપૂર્ણપણે ચાર્જ છે અને તેની સોલાર પેનલ 22 સપ્ટેમ્બર, 2023ના રોજ ચંદ્ર પર ફરી સૂર્યોદય થશે એટલે પ્રકાશમાંથી એનર્જી મેળવી શકશે. માટે રોવર પોતાના મિશનના બીજા તબક્કા માટે ફરી ઉભુ થશે તેવી આશા છે. જોકે રોવર સ્લીપ મોડમાંથી બહાર નહીં આવે તો તેને ચંદ્ર પર ભારતના મૂન એમ્બેસેડર તરીકે છોડી દેવામાં આવશે.