26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણા સામે ચાર્જશીટ દાખલ, પવઈની હોટેલમાં રોકાણ સહિત અનેક ખુલાસા

મુંબઈમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલા મામલે પાકિસ્તાની મૂળના કેનેડિયન વેપારી તહવ્વુર રાણા સામે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 405 પાનાની સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. તહવ્વુર રાણા હાલ અમેરિકી રાજ્ય કેલિફોર્નિયાની જેલમાં બંધ છે. ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું છે કે, મુંબઈ ખાતેના આતંકવાદી હુમલા પહેલા તહવ્વુર રાણા 21 નવેમ્બર, 2008ના રોજ પવઈની એક હોટેલમાં 2 […]

Share:

મુંબઈમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલા મામલે પાકિસ્તાની મૂળના કેનેડિયન વેપારી તહવ્વુર રાણા સામે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 405 પાનાની સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. તહવ્વુર રાણા હાલ અમેરિકી રાજ્ય કેલિફોર્નિયાની જેલમાં બંધ છે. ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું છે કે, મુંબઈ ખાતેના આતંકવાદી હુમલા પહેલા તહવ્વુર રાણા 21 નવેમ્બર, 2008ના રોજ પવઈની એક હોટેલમાં 2 દિવસ સુધી રોકાયો હતો. 

અમેરિકાની કોર્ટે મે મહિનામાં તહવ્વુર રાણાને ભારત લાવવા મંજૂરી આપી હતી

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે યુએપીએ અંતર્ગત દાખલ કરવામાં આવેલા કેસની સુનાવણી કરી રહેલી એક વિશેષ કોર્ટ સમક્ષ 405 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી જે આ કેસ મામલે ચોથી ચાર્જશીટ છે. વિશેષ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ ઉજ્જવલ નિકમે રાણાની સ્ટે અપીલ હવે યથાવત નહીં રહે તેમ પણ જણાવ્યું હતું. અમેરિકાની કોર્ટે મે મહિનામાં તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી ત્યારે આ વખતે તેનું બચવું મુશ્કેલ છે. 

26/11ના રોજ થયેલા મુંબઈ હુમલાના મુખ્ય ષડયંત્રકારી પૈકીનો એક તહવ્વુર રાણા આ મામલે અનેક આરોપોના સામનો કરી રહ્યો છે. તે પાકિસ્તાની અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમૈન હેડલી સાથે સંકળાયેલો હોવાનું પણ માનવામાં આવે છે. મુંબઈ પોલીસના એક અધિકારીના કહેવા પ્રમાણે તહવ્વુર રાણાએ હેડલીને બોગસ દસ્તાવેજોના આધારે ભારતના વિઝિટર વીઝા અપાવવામાં મદદ કરી હતી. તહવ્વુર રાણાએ કથિત રીતે 26/11ના રોજ થયેલા મુંબઈ હુમલાને અંજામ આપવા માટે લશ્કર-એ-તૈયબાની મદદ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચને હેડલી અને રાણા વચ્ચેની ઈ-મેઈલ ચેટ પણ મળી છે. 

તહવ્વુર રાણા આતંકી હુમલાના ષડયંત્રમાં સામેલ હતો

એક ઈ-મેઈલમાં હેડલીએ મેજર ઈકબાલની ઈ-મેઈલ આઈડી અંગે પણ પુછ્યુ હતું. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઈન્ટર સર્વિસીઝ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) માટે કામ કરનારા મેજર ઈકબલાને 26/11ના રોજ થયેલા મુંબઈ હુમલા મામલે નામાંકિત કરવામાં આવ્યો છે. મંગળવારના રોજ ટેક્નિકલ કારણોસર સુનાવણી આગળ ન ચાલી શકી માટે તેને બુધવારે આગળ વધારવામાં આવશે. 

ઉજ્જવલ નિકમે કોર્ટ બહાર પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ ન્યાયાધીશ સામે તહવ્વુર રાણા સામેના આરોપોની યાદી રજૂ કરશે. તહવ્વુર રાણા સંપૂર્ણપણે ષડયંત્રમાં સામેલ હતો અને તેનું નામ સૌથી પહેલા ડેવિડ હેડલીએ જ જાહેર કર્યું હતું. નિકમે જણાવ્યું હતું કે, તહવ્વુર રાણા પાકિસ્તાની સેનાના અધિકારીઓ સાથે પણ સંપર્કમાં હતો. 

નોંધનીય છે કે, 26 નવેમ્બર, 2008ના રોજ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલા 10 આતંકવાદીઓએ મુંબઈમાં તબક્કાવાર હુમલા કર્યા હતા જેમાં 166 લોકોના મોત થયા હતા. એ 10 આતંકવાદીઓમાં અજમલ કસાબ પણ સામેલ હતો જેને જીવતો પકડી લેવામાં આવ્યો હતો અને તેના સામે કેસ ચાલ્યો હતો. વિશેષ કોર્ટે તેને મૃત્યુની સજા સંભળાવી હતી. દોષી ઠેરવવામાં આવ્યાના 2 વર્ષ બાદ નવેમ્બર 2012માં કસાબને પુણેની યરવડા કેન્દ્રીય જેલમાં ફાંસી આપવામાં આવી હતી.