લગ્નેતર સંબંધોથી જન્મેલા બાળકને પણ માતા-પિતાની પૈતૃક સંપત્તિમાં હિસ્સો મેળવવાનો અધિકારઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે, લગ્નેતર કે અમાન્ય લગ્નથી પેદા થયેલા બાળકોને પણ માતા-પિતાની પૈતૃક સંપતિમાં અધિકાર મળશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, હિંદુ લગ્ન અધિનિયમમાં જે લગ્નને કાયદાની માન્યતા ન મળી હોય તેવા લગ્નથી જન્મેલા બાળકને પણ માતા-પિતાની પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળશે. આ સાથે જ હિંદુ […]

Share:

સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે, લગ્નેતર કે અમાન્ય લગ્નથી પેદા થયેલા બાળકોને પણ માતા-પિતાની પૈતૃક સંપતિમાં અધિકાર મળશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, હિંદુ લગ્ન અધિનિયમમાં જે લગ્નને કાયદાની માન્યતા ન મળી હોય તેવા લગ્નથી જન્મેલા બાળકને પણ માતા-પિતાની પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળશે. આ સાથે જ હિંદુ ઉત્તરાધિકાર કાયદા અંતર્ગત મળતો આ અધિકાર હવે લગ્નેતર સંબંધથી જન્મેલા બાળકને પણ મળી ગયો છે. 

અનૌરસ બાળક કાયદાકીય બાળકની સમકક્ષ

હિંદુ લગ્ન અધિનિયમ,1955 અંતર્ગત કોઈ પણ લગ્ન 2 આધાર પર અમાન્ય ગણાય છે. પહેલું તો લગ્નના દિવસથી જ બીજા કોઈ પણ દિવસે કોર્ટ તેને અમાન્ય જાહેર કરે. આવા લગ્નથી જન્મેલા બાળકોને માતા-પિતાની પૈતૃક સંપત્તિમાં ભાગ મળે તેની માગણી કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ હતી. 

સુનાવણી દમિયાન ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની પીઠે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, અમાન્ય લગ્નથી જન્મેલા બાળકોને પણ માતા-પિતાના કાયદેસરના બાળક તરીકેનો દરજ્જો મળશે અને તેના અંતર્ગત બાળક તેમની પૈતૃક સંપત્તિ અથવા સ્વ અર્જિત સંપત્તિનો વારસ ગણાશે. 

જોકે કલમ 16(3)માં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આવા બાળકો (લગ્નેતર સંબંધથી જન્મ લીધેલા) ફક્ત તેમના માતા-પિતાની સંપત્તિના વારસ છે અને અન્ય સહભાગી શેરોમાં તેમનો કોઈ અધિકાર નહીં ગણાય.

ચીફ જસ્ટિસના ચુકાદાના 4 મુદ્દાઃ

1. હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની ધારા 16ની પેટા ધારા 1 અંતર્ગત અમાન્ય લગ્ન અંતર્ગત પતિ-પત્નીના બાળક કાયદેસર રીતે માન્યતા ધરાવે છે. 

2. પેટા ધારા 2 અંતર્ગત અમાન્ય લગ્નથી જન્મેલા બાળકો કાયદેસરના ગણાય.

3. અમાન્ય લગ્નથી જન્મેલા બાળકો પણ કાયદાકીય માન્યતા ધરાવતા હોવાથી તેઓ પોતાના માતા-પિતાની સંપત્તિમાં અધિકાર ધરાવે છે. 

4. આવા બાળકનો પેટા ધારા 1 અથવા 2 અંતર્ગત કાયદેસર બાળક માટેના હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ પ્રમાણે કાયદાકીય સંબંધ ગણાશે. 

હિંદુ લગ્ન અધિનિયમ, 1955 અમાન્ય લગ્નને ‘void ab initio’ તરીકે વ્યાખ્યાયિત કરે છે જેનો અર્થ શરૂથી જ અમાન્ય એવો થાય છે. આ અધિનિયમ નીચે પ્રમાણેના સંજોગોમાં લગ્નને અમાન્ય ઠેરવે છેઃ

– લગ્નથી જોડાયેલા યુવક, યુવતી અથવા બંનેની ઉંમર નિર્ધારિત મર્યાદાથી ઓછી હોય.

– યુવક કે યુવતી પૈકીનું કોઈ એક પહેલેથી જ અન્ય કોઈ સાથે વિવાહિત હોય. 

– કોઈ એક અથવા બંનેનો સંબંધ એવો હોય જેમાં લગ્નની મંજૂરી ન આપી શકાય.

– લગ્ન કાયદાકીય રીતે ન થયા હોય.

– કોઈ પણ પક્ષને ડરાવી ધમકાવીને અથવા છળથી લગ્ન માટે તૈયાર કરવામાં આવ્યો હોય.

પહેલેથી અમાન્ય હોય અથવા અમાન્ય ઠેરવવામાં આવ્યા હોય તેવા લગ્ન દ્વારા જન્મેલા બાળકને કાયદાકીય સ્વીકૃત્તિ મળી છે તેનો અર્થ કે આવા બાળકો પણ કાયદેસરના લગ્નથી જન્મેલા બાળકોની સમકક્ષ અધિકાર ધરાવે છે.