G20 ડીનર કાર્ડ પર ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખાયા બાદ દેશનું નામ બદલાઈ જવાની ચર્ચા, કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપો

દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આગામી તારીખ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20ની બેઠક યોજાવાની છે. આ બેઠકના ડીનરમાં સામેલ થવા માટે રાષ્ટ્રપતિ ભવનથી એક ઈન્વિટેશન કાર્ડ મોકલવામાં આવ્યું છે. કોંગ્રેસી નેતા જયરામ રમેશ દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે આમંત્રણ કાર્ડ પર ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખેલું છે.  પ્રેસિડેન્ટ ઓફ ભારત મામલે કોંગ્રેસી […]

Share:

દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આગામી તારીખ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20ની બેઠક યોજાવાની છે. આ બેઠકના ડીનરમાં સામેલ થવા માટે રાષ્ટ્રપતિ ભવનથી એક ઈન્વિટેશન કાર્ડ મોકલવામાં આવ્યું છે. કોંગ્રેસી નેતા જયરામ રમેશ દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે આમંત્રણ કાર્ડ પર ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખેલું છે. 

પ્રેસિડેન્ટ ઓફ ભારત મામલે કોંગ્રેસી નેતાનો પ્રહાર

કોંગ્રેસી નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર લખ્યું હતું કે, “આ સમાચાર ખરેખર સાચા છે. રાષ્ટ્રપતિ ભવને 9 સપ્ટેમ્બરના રોજ યોજાનાર G20 ડીનર માટે જે ઈન્વિટેશન કાર્ડ મોકલ્યું છે તેમાં ઈન્ડિયાના બદલે ભારત લખેલું છે.”

વધુમાં લખ્યું હતું કે, બંધારણના અનુચ્છેદ 1 પ્રમાણે INDIA જેને ભારત કહીએ છીએ તે રાજ્યોનો એક સંઘ હશે પરંતુ હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો થઈ રહ્યો છે. 

રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર નિશાન સાધ્યું

રાઘવ ચઢ્ઢાએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, G20 સંમેલનના આમંત્રણ કાર્ડ પર ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખીને ભાજપે વિવાદનો એક નવો મધપૂડો છંછેડ્યો છે. ભાજપ INDIAને કઈ રીતે ખતમ કરી શકશે, દેશ કોઈ રાજકીય પાર્ટીનો નથી, તે 135 કરોડ ભારતીયોનો છે. આપણી રાષ્ટ્રીય ઓળખ એ ભાજપની અંગત સંપત્તિ નથી જેને તે પોતાની મરજી પ્રમાણે બદલી શકે. 

શું દેશનું નામ ભારત થશે?

કેન્દ્ર સરકારે 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એક અહેવાલ પ્રમાણે સંસદના વિશેષ સત્રમાં સરકાર ‘ઈન્ડિયા’ શબ્દ દૂર કરવાના પ્રસ્તાવ સંબંધી બિલ રજૂ કરે તેવી શક્યતા છે. 

આ તરફ ભાજપના સાંસદ હરનામ સિંહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આપણે ઈન્ડિયાની જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરવો જોઈએ તેવી માગણી કરી રહ્યો છે. અંગ્રેજોએ આપણા માટે એક અપશબ્દ તરીકે ઈન્ડિયા શબ્દનો ઉપયોગ કર્યો જ્યારે ભારત શબ્દ આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. હું ઈચ્છું છું કે, બંધારણમાં ફેરફાર કરાય અને ‘ભારત’ શબ્દ વપરાશમાં આવે.

બંધારણમાં આ નામ કઈ રીતે રખાયું?

18 સપ્ટેમ્બર, 1949ના રોજ મળેલી બંધારણ સભા દરમિયાન નવા બનેલા રાષ્ટ્રના નામકરણ માટે તમામ સભા સદસ્યોએ ચર્ચા કરી હતી. તે દરમિયાન સભા સદસ્યો દ્વારા ભારત, હિન્દુસ્તાન, હિંદ, ભારતભૂમિક, ભારતવર્ષ સહિતના નામોનું સૂચન કરવામાં આવ્યું હતું. 

દેશના બંધારણના અનુચ્છેદ-1માં જ દેશના નામનો ઉલ્લેખ છે જેમાં કહેવામાં આવ્યું છે કે, “ઈન્ડિયા, જે ભારત છે, તે રાજ્યોનો એક સંઘ હશે.” (India, that is Bharat, shall be a Union of States). બંધારણની આ એકમાત્ર જોગવાઈ છે જેમાં દેશને સત્તાવાર રીતે કયા નામે બોલાવાશે તે જણાવાયું છે.