કોર્ટે મની લોન્ડ્રિંગ કેસ મામલે જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલને 11 સપ્ટેમ્બર સુધી EDની કસ્ટડીમાં મોકલ્યા

કેનરા બેંક સાથે 538 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસ મામલે કોર્ટે જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલને 11મી સપ્ટેમ્બર સુધી EDની કસ્ટડીમાં મોકલ્યા છે. નરેશ ગોયલ 14 દિવસ EDની કસ્ટડીમાં વિતાવશે. કેનરા બેંક સાથે 538 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી સાથે સકંળાયેલા મની લોન્ડ્રિંગ મામલે EDએ શુક્રવારે મોડી રાતે નરેશ ગોયલની ધરપકડ કરી […]

Share:

કેનરા બેંક સાથે 538 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી સાથે સંકળાયેલા મની લોન્ડ્રિંગ કેસ મામલે કોર્ટે જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલને 11મી સપ્ટેમ્બર સુધી EDની કસ્ટડીમાં મોકલ્યા છે. નરેશ ગોયલ 14 દિવસ EDની કસ્ટડીમાં વિતાવશે. કેનરા બેંક સાથે 538 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી સાથે સકંળાયેલા મની લોન્ડ્રિંગ મામલે EDએ શુક્રવારે મોડી રાતે નરેશ ગોયલની ધરપકડ કરી હતી. ત્યાર બાદ શનિવારે 74 વર્ષીય નરેશ ગોયલને મુંબઈની વિશેષ PMLA રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં ED દ્વારા તેમની કસ્ટડીની માગણી કરવામાં આવી હતી. 

લોનના પૈસાથી ફર્નિચર અને ઘરેણાની ખરીદી

EDએ કોર્ટ સમક્ષ નરેશ ગોયલના રિમાન્ડની માગણી કરવાની સાથે જણાવ્યું હતું કે, નરેશ ગોયલે ઉધાર લીધેલા પૈસાનો ઉપયોગ પોતાના વ્યક્તિગત લાભ અને એશોઆરામ માટે કર્યો. તે સિવાય લોનની રકમનો દુરૂપયોગ ફર્નિચર, કપડા અને આભૂષણો સહિતની વસ્તુઓ ખરીદવા માટે કરવામાં આવ્યો. 


JIL ફંડનો ઉપયોગ નરેશ ગોયલે પોતાના નિવાસ સ્થાનના કર્મચારીઓના વેતનની ચુકવણી કરવા માટે અને પોતાની દીકરીની માલિકીની એક ઉત્પાદન કંપનીના સંચાલન ખર્ચા પૂરા કરવા માટે કર્યો હતો. તે સિવાય અનેક લોકો અને સંસ્થાઓને પ્રોફેશનલ અને કન્સલ્ટિંગ ફી ચુકવી હોવાના બહાના હેઠળ પણ પૈસાની હેરફેર કરી હોવાનો દાવો કરાયો હતો. 

કેનરા બેંકની ફરિયાદ બાદ કાર્યવાહી


જેટ એરવેઝ, નરેશ ગોયલ અને તેમના પત્ની અનીતા ગોયલ તથા કંપનીના કેટલાક પૂર્વ અધિકારીઓ સામેનો મની લોન્ડ્રિંગને લગતો આ કેસ કેનરા બેંક સાથે 538 કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે સંકળાયેલો છે. આ કેસમાં CBIએ કેનરા બેંકની ફરિયાદ બાદ ગોયલ દંપતી અને અન્ય લોકો સામે FIR દાખલ કરી હતી. EDએ CBIની એફઆઈઆરના આધાર પર આ કેસની તપાસ શરૂ કરી હતી. CBIએ બેંક સાથેની છેતરપિંડી મામલે નરેશ ગોયલ અને તેમના પત્ની અનીતા ગોયલ અને કંપનીના કેટલાક પૂર્વ અધિકારીઓને આરોપી બનાવ્યા છે.

બેંક દ્વારા CBIમાં એવી ફરિયાદ કરવામાં આવી હતી કે તેણે જેટ એરવેઝ લિમિટેડ (JIL)ને 848.86 કરોડ રૂપિયાની લોન આપી હતી જે પૈકીના 538.62 કરોડ રૂપિયા હજુ બાકી છે. 29 જુલાઈ, 2021ના રોજ તે ખાતાને ફ્રોડ ઘોષિત કરવામાં આવ્યું હતું. 

ફોરેન્સિક ઓડિટથી ખુલાસો

બેંક દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ફોરેન્સિક ઓડિટ દ્વારા નરેશ ગોયલે પોતાની અન્ય કંપનીઓને 1,410.41 કરોડ રૂપિયા કમિશન તરીકે ચુકવ્યા હોવાની અને જેટના પૈસા બહાર મોકલ્યા હોવાની જાણ થઈ હતી. તે સિવાય સહયોગી કંપનીઓને લોન અને અન્ય રોકાણ દ્વારા પણ ચુકવણી કરવામાં આવી હતી.
 EDએ જુલાઈ મહિનામાં જેટ એરવેઝના પૂર્વ પ્રમોટર નરેશ ગોયલ અને તેમના સહયોગીઓના સ્થળોએ દરોડા પાડ્યા હતા.