ચંદ્રયાન-3ના લેન્ડિંગને લઈ દેશભરના લોકોમાં ઉત્સાહ, જાણો કેવી રીતે જોઈ શકાશે લાઈવ ટેલિકાસ્ટિંગ

બહુચર્ચિત ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3 બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવાનું છે. રશિયાનું લૂના-25 મિશન નિષ્ફળ રહ્યું ત્યાર બાદ ભારતીય લૂનાર મિશનની સફળતા વધુ મહત્વની બની રહી છે. બુધવારના રોજ ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગને લઈ દેશના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભારતના દરેક ખૂણેથી લોકો તે ઘટનાના સાક્ષી બનવા ઈચ્છી રહ્યા છે.  […]

Share:

બહુચર્ચિત ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3 બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવાનું છે. રશિયાનું લૂના-25 મિશન નિષ્ફળ રહ્યું ત્યાર બાદ ભારતીય લૂનાર મિશનની સફળતા વધુ મહત્વની બની રહી છે. બુધવારના રોજ ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગને લઈ દેશના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભારતના દરેક ખૂણેથી લોકો તે ઘટનાના સાક્ષી બનવા ઈચ્છી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ટીવી પર ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. કારણ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરનારો ભારત પ્રથમ દેશ બનવા જઈ રહ્યો છે. 

આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી આશરે 5 અઠવાડિયા પહેલા આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્પેસક્રાફ્ટનું વિક્રમ લેન્ડર ગુરૂવારે સફળતાપૂર્વક પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું હતું. બાદમાં નિર્ણાયક કહી શકાય તેવા ડીબૂસ્ટિંગ સ્ટેજને પાર કરી ભ્રમણકક્ષામાં થોડું નીચું ઉતર્યું હતું. ચંદ્રયાન-3 મિશનના લેન્ડરનું નામ વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઈને ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 

અહીં જોઈ શકાશે ચંદ્રયાન-3નું લાઈવ ટેલિકાસ્ટિંગ

ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3નું લાઈવ ટેલિકાસ્ટિંગ દૂરદર્શન ટીવી ચેનલ, ઈસરોની વેબસાઈટ તથા અસંખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે. 23 ઓગષ્ટના રોજ સાંજે 5:20 કલાકે ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ પ્રસારણ શરૂ કરાશે. ઈસરો (ISRO)ની વેબસાઈટ, યુટ્યુબ ચેનલ, ફેસબુક તથા જાહેર પ્રસારણકર્તા DD નેશનલ ટીવી પર સાંજે 5:27 વાગ્યાથી લેન્ડિંગની લાઈવ ક્રિયા જોઈ શકાશે. 

ચંદ્રયાન-3ના લેન્ડિંગ બાદ શું થશે?

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ બાદ વિક્રમ લેન્ડરમાંથી રેમ્પ દ્વારા 6 પૈડાં ધરાવતું પ્રજ્ઞાન રોવર બહાર આવશે અને ISROનો કમાન્ડ મળતાં જ ચંદ્રની સપાટી પર ચાલવા લાગશે. જોકે લેન્ડિંગની અંતિમ 17 મિનિટ ખૂબ કટોકટીભરી બની રહેશે કારણ કે, ત્યારે લેન્ડર પોતાની રીતે કામ કરશે. લેન્ડિંગ પ્રક્રિયાના અંતિમ ચરણ દરમિયાન તેને ઈસરો દ્વારા કોઈ કમાન્ડ નહીં આપી શકાય. 

આ સમય દરમિયાન લેન્ડરે યોગ્ય સમય, યોગ્ય ઉંચાઈ અને ઈંધણનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરીને લેન્ડિંગ કરવાનું રહેશે. ચંદ્રયાન-3 અંતરિક્ષમાં 40 હજાર કિમી પ્રતિ કલાકની ગતિએ જઈ રહ્યું હતું પરંતુ લેન્ડિંગ માત્ર 1-2 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી કરશે જેથી ક્રેશ થવાની શક્યતા નહીંવત બને. 

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરનારો પ્રથમ દેશ બનશે ભારત

ચંદ્રયાન-3ની સફળતા ભારતને એક અનેરી સિદ્ધિ આપશે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરનારો પ્રથમ દેશ બની જશે અને સમગ્ર વિશ્વ ચંદ્રયાન-3 દ્વારા આગળનું સંશોધન કરશે.