વિશ્વભરના નેતાઓના ભારત આગમન વચ્ચે દિલ્હી પોલીસની વેબસાઈટ પર સાઈબર એટેકની આશંકા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં G20 સમિટની પૂર્વ સંધ્યાએ દિલ્હી પોલીસની વેબસાઈટ ડાઉન થઈ ગઈ છે. દિલ્હીમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બેઠક પહેલા સાઈબર સુરક્ષાના જોખમો વચ્ચે દિલ્હી પોલીસની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ છે. દિલ્હી પોલીસની વેબસાઈટ પર 10 મિનિટ માટે ‘આ સેવા ઉપલબ્ધ નથી’ તેવો એરર મેસેજ જોવા મળ્યો હતો. આ ટેક્નિકલ ખામી સર્જાતા તંત્ર એલર્ટ થયું. થ્રેટ […]

Share:

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં G20 સમિટની પૂર્વ સંધ્યાએ દિલ્હી પોલીસની વેબસાઈટ ડાઉન થઈ ગઈ છે. દિલ્હીમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બેઠક પહેલા સાઈબર સુરક્ષાના જોખમો વચ્ચે દિલ્હી પોલીસની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ છે. દિલ્હી પોલીસની વેબસાઈટ પર 10 મિનિટ માટે ‘આ સેવા ઉપલબ્ધ નથી’ તેવો એરર મેસેજ જોવા મળ્યો હતો. આ ટેક્નિકલ ખામી સર્જાતા તંત્ર એલર્ટ થયું.

થ્રેટ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ ફાલ્કન ફીડના અહેવાલ પ્રમાણે ‘ટીમ ઈન્સેન પીકે હેકર્સ ગ્રુપ’એ દિલ્હી પોલીસની વેબસાઈટને ટાર્ગેટ કરી હોવાનો દાવો કર્યો હતો. આ વાતની પુષ્ટી કરવા માટે તેણે એક ટેલીગ્રામ ચેટનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો હતો. ફાલ્કન ફીડ્સ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે G20 સમિટની તૈયારીઓ વચ્ચે હેકર્સ ભારતીય વેબસાઈટ્સને ટાર્ગેટ કરી રહ્યા છે. આ કારણે જ દિલ્હી પોલીસની વેબસાઈટ પણ ડાઉન થઈ હોવાની આશંકા છે. રિપોર્ટ્સ પ્રમાણે આ જોખમમાં ડિસ્ટ્રીબ્યુટેડ ડેનિયલ ઓફ સર્વિસ (DDOS) અને ડેટા લીકનો સમાવેશ થાય છે. 

ફાલ્કન ફીડ્સના કહેવા પ્રમાણે મોટા ભાગના આવા ગ્રુપ હેક્ટિવિસ્ટ ગ્રુપ છે જે છેલ્લા અનેક મહિનાથી સક્રિયરૂપે ભારતને ટાર્ગેટ કરી રહ્યા છે. હેક્ટિવિસ્ટ ઈન્ડોનેશિયા જંબી સાઈબર ટીમ, ગૈનોનસેક, FR3DENS ઓફ સિક્યોરિટી, હોસ્ટ કિલ ક્રૂ સહિતના ઈન્ડોનેશિયન ગ્રુપ અને અન્ય દ્વારા G20 સાથે સંબંધિત ચર્ચા શરૂ કરવામાં આવી હતી. બાદમાં તેમાં ટીમ ઈનસેન પીકે જેવા પાકિસ્તાન સમર્થિત ગ્રુપ પણ જોડાયા હતા. ટૂંક સમયમાં અન્ય ગ્રુપ પણ તેમાં જોડાય તેવી શક્યતા છે. 

આ બધા વચ્ચે અધિકારીઓએ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, G20 સમિટની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રીય રાજધાની, ખાસ કરીને નવી દિલ્હી જિલ્લામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ, અર્ધસૈનિક બળ અને અન્ય એજન્સીઓ શહેરમાં સઘન મોનિટરિંગ કરી રહી છે. 

દિલ્હી પોલીસની વેબસાઈટ પર સાઈબર એટેકની સંભાવના

માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ X (ટ્વિટર) પર અનેક એક્સપર્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, દિલ્હી પોલીસની વેબસાઈટ સાઈબર એટેકના લીધે ઠપ્પ થઈ છે. નોંધનીય છે કે, ભારતમાં G20 સમિટને લઈ સાઈબર એટેકથી બચવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાઈબર સિક્યોરિટી એક્સપર્ટને ખાસ આના પર ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે. ઘણી વખત આ પ્રકારની મોટી ઈવેન્ટ્સ દરમિયાન હેકર્સ સાઈબર એટેક કરીને અનેક જરૂરી વેબસાઈટ ઠપ્પ કરી દેતા હોય છે. 

જોકે પોલીસ આ પ્રસંગે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ પણ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે સાઈબર એટેકના અનેક કેસ જોવા મળ્યા છે. એક્સપર્ટની એક ટીમ સતત સાઈબર એટેકને લઈ એલર્ટ છે, ખાસ કરીને જ્યાં વિદેશી મહેમાનોને રાખવામાં આવ્યા છે ત્યાં. 

મુંબઈ પોલીસની વેબસાઈટ પણ ડાઉન

દિલ્હી પોલીસની વેબસાઈટ ઉપરાંત મુંબઈ પોલીસની વેબસાઈટ પણ ડાઉન થઈ ગઈ હતી. દિલ્હી પોલીસની વેબસાઈટ 10 મિનિટ બાદ ફરી પહેલાની માફક કામ કરવા લાગી હતી પરંતુ મુંબઈ પોલીસની વેબસાઈટને થોડો વધારે સમય લાગ્યો હતો. જોકે મુંબઈ પોલીસના કહેવા પ્રમાણે તેમની સત્તાવાર વેબસાઈટ સર્વર પ્રોબ્લેમના લીધે ડાઉન થઈ છે.