ઘરનાં પુન:નિર્માણ બાબતે નૈતિકતાના ધોરણે અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ કરતું ભાજપ 

દિલ્હી સરકારે ત્યાનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનાં ઘરનાં પુન:નિર્માણ માટે રૂ. 45 કરોડનો ખર્ચ કરતાં  દિલ્હી ભારતીય જનતા પક્ષ દ્વારા આવા જ બીજા પ્રોજેક્ટ પર થતાં ખર્ચ તરફ ધ્યાન દોરી નૈતિક્તાને ધ્યાનમાં રાખી રાજીનામું આપવા જણાવ્યું છે.  ભાજપનાં નેતા અને દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષનાં નેતા રામવીર બિધુરીએ આક્ષેપ કર્યો હતો કે, આ જ કેજરીવાલ 2013 માં […]

Share:

દિલ્હી સરકારે ત્યાનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનાં ઘરનાં પુન:નિર્માણ માટે રૂ. 45 કરોડનો ખર્ચ કરતાં  દિલ્હી ભારતીય જનતા પક્ષ દ્વારા આવા જ બીજા પ્રોજેક્ટ પર થતાં ખર્ચ તરફ ધ્યાન દોરી નૈતિક્તાને ધ્યાનમાં રાખી રાજીનામું આપવા જણાવ્યું છે. 

ભાજપનાં નેતા અને દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષનાં નેતા રામવીર બિધુરીએ આક્ષેપ કર્યો હતો કે, આ જ કેજરીવાલ 2013 માં હું ન તો સત્તાવાર ઘર, ગાડી કે સુરક્ષા લઈશ તેમ કહેતા હતા. જ્યારે દેશ કોવિડ સામે લડી રહ્યો હતો ત્યારે  તેમણે તેમના સિવિલ લાઇન્સ ખાતેના સત્તાવાર નિવાસ સ્થાનનાં ઘરને ફરીથી બાંધવામાં અને તેને  રીનોવેટ કરવામાં રૂ. 45 કરોડનો ખર્ચ કર્યો છે. આ આરોપો ભાજપ દ્વારા એક સમાચાર ચેનલ પર આવેલા અહેવાલને આધારે કરવામાં આવ્યા છે. 

આમ આદમી પાર્ટી દ્વારા એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ઘર 1942માં બનાવવામાં આવ્યું હતું અને ઘરમાં ઠેકઠેકાણે પાણી ટપકતું હતું.  તેમાં ત્રણ અકસ્માત થયા બાદ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેને ફરી બનાવવાની ભલામણ બાદ આ કામ શરૂ કરાયું હતું.

આપે જણાવ્યું કે, આ ઘરમાં એકવાર તેમના માતાપિતાના બેડરૂમની છત, એકવાર મુખ્યપ્રધાનના બેડરૂમની છત તેમજ ઓફિસની છત તૂટવાનાં બનાવો બન્યા બાદ આ કાર્ય હાથ ધરાયું છે. 

આપનાં સાંસદ અને પાર્ટીના પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, જે ઘરમાં કેજરીવાલ રહે છે, તે 1942માં બન્યું છે. ઘરની અંદરથી લઈને બેડરુમ સુધી પાણી ટપકે છે. પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ ઓડિટ કર્યું છે. આ બંગલો પ્રાઈવેટ તો નથી. એક સરકારી બંગલો છે. બીજા સીએમ અને પીએમ સાથે પણ તુલના થવી જોઈએ. સીએમ શિવરાજ સિંહના આવાસ પર ચૂનો લગાવવા પર 20 કરોડનો ખર્ચ થયો છે. પીએમ મોદીના આવાસ બનવા જઈ રહ્યું છે, જેનું અનુમાનિત ખર્ચ 500 કરોડ છે. આ રકમ ડબલ અથવા તેનાથી પણ વધારે છે.

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે જણાવ્યું કે, લોકોને સાચા મુદ્દાઓથી ભટકાવવા માટે આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. 

ભાજપે કેજરીવાલનાં નિવાસસ્થાનનાં સમારકામ માટે રૂ. 45 કરોડ ખર્ચ કર્યા બાદ તેમને  મહારાજ ગણાવ્યા હતા. ભાજપના પ્રવક્તા તેજીન્દર પાયલ સિંહ બગ્ગાએ  ટ્વિટ કરી કહ્યું કે, દિલ્હીના લોકો ઓક્સિજનની કમીથી મરી રહ્યા હતા ત્યારે કેજરીવાલ રૂ. 45  કરોડના ખર્ચે પોતાનો મહેલ સજાવી રહ્યા હતા, જેમાં રૂ. એક કરોડની કિંમતના 23 પડદા છે. આ બધી બાબતોને લઈને દિલ્હી ભાજપ સવાલો કરી રહ્યું છે. આ વિવાદ હવે કયો રૂખ લેશે તે જાણવું મહત્વનું બની રહેશે.