EVM માટેનું ચૂંટણી પંચનું ઝનૂન સમજાતું નથી, 2024ની ચૂંટણી બેલેટ પેપરથી જ થવી જોઈએઃ મનીષ તિવારી

ભારતમાં 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ વાતાવરણમાં ગરમાવો શરૂ થઈ ગયો છે. આ બધા વચ્ચે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આગામી લોકસભા ચૂંટણી દરમિયાન બેલેટ પેપરનો ઉપયોગ કરવા માટે અવાજ ઉઠાવ્યો છે. આ સાથે જ તેમણે EVMના ઉપયોગના વિરોધમાં પોતાનો મત રજૂ કર્યો હતો.  મનીષ તિવારી દ્વારા બેલેટ પેપર વડે ચૂંટણીની માગ કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ […]

Share:

ભારતમાં 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ વાતાવરણમાં ગરમાવો શરૂ થઈ ગયો છે. આ બધા વચ્ચે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આગામી લોકસભા ચૂંટણી દરમિયાન બેલેટ પેપરનો ઉપયોગ કરવા માટે અવાજ ઉઠાવ્યો છે. આ સાથે જ તેમણે EVMના ઉપયોગના વિરોધમાં પોતાનો મત રજૂ કર્યો હતો. 

મનીષ તિવારી દ્વારા બેલેટ પેપર વડે ચૂંટણીની માગ

કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું હતું કે, “લોકશાહી એ ટેક્નોલોજીના સહારે મુકી દેવાની સરખામણીએ ખૂબ કિમતી છે. સવાલ એ નથી કે, EVM સાથે છેડછાડ થઈ શકે છે. પણ બેલેટ પેપર પાછા લાવવા પાછળ અનેક કારણો છે. એક સીધું સાદુ કારણ એ છે કે, એક ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) આખરે મશીન જ છે. અને અન્ય મશીનોની માફક તેના સાથે પણ છેડછાડ થઈ શકે છે, તેને હેક કરી શકાય છે. તેના કામમાં અડચણ ઉભી કરી શકાય છે, તેના સાથે રમત થઈ શકે છે.”

મનીષ તિવારીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, “મને EVM માટેનું ભારતીય ચૂંટણી પંચનું પિતૃસત્તાત્મક ઝનૂન સમજાતું નથી. એટલે સુધી કે એ દેશ જ્યાં પહેલા EVMનો ઉપયોગ થતો હતો ત્યાં પણ હવે ફરી બેલેટ પેપરથી જ ચૂંટણી થાય છે. સીધું કારણ એ છે કે, તેના સાથે છેડછાડ નથી થઈ શકતી. માટે જ આ સ્થિતિમાં 2024ની ચૂંટણી બેલેટ પેપરથી જ થવી જોઈએ.”

કોંગ્રેસ દ્વારા અગાઉ પણ EVMનો વિરોધ

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે અગાઉ પણ અનેક વખત EVMના માધ્યમથી ચૂંટણી યોજવાના નિર્ણય સામે સવાલો કર્યા છે. આ વર્ષે યોજાયેલી કર્ણાટકની ચૂંટણી દરમિયાન EVMના ઉપયોગને લઈ નારાજગી દર્શાવતા કોંગ્રેસે અનેક આરોપો લગાવ્યા હતા. એટલું જ નહીં, કોંગ્રેસે કર્ણાટકમાં વપરાઈ રહેલા મશીનો પહેલા દક્ષિણ આફ્રિકામાં પ્રયોગમાં લેવાયા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે ચૂંટણી પંચે તે આરોપોને ફગાવી દીધા હતા. 

અગાઉ 2019ની સામાન્ય ચૂંટણી પહેલા પણ કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માગણી કરી હતી. આ કંઈ પહેલી વખત નથી કે જ્યારે વિપક્ષી નેતા કે પાર્ટી દ્વારા બેલેટ પેપર દ્વારા મતદાનની માગણી કરવામાં આવી હોય. અગાઉ વિપક્ષી પાર્ટીઓએ અનેક વખત મતદાન કે મતગણતરી દરમિયાન EVM હેકિંગ અને EVMના દુરૂપયોગની વાત કરેલી છે. 

મોટા ભાગે ચૂંટણી દરમિયાન EVM શબ્દ ખૂબ ચર્ચિત બનતો હોય છે. આ બધા વચ્ચે અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તેવામાં વિપક્ષી પાર્ટીઓએ સાથે મળીને I.N.D.I.A ગઠબંધનની રચના કરી છે. જ્યારે NDA પણ સતત અન્ય પક્ષોને પોતાના સાથે જોડવામાં સક્રિય છે.