અમદાવાદમાં રખડતા ઢોરની સમસ્યાનો તાગ મેળવવા અને ઢોર પોલિસીનો અમલ કરાવવા ડ્રાઈવ શરૂ

અમદાવાદમાં રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા (SOP)ની રચના કરવામાં આવી છે. રખડતા ઢોર મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અવારનવાર CNCD વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં પણ યોગ્ય કાર્યવાહી નથી થઈ.  આ કારણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ફટકાર લગાવવામાં આવતી હતી. ત્યારે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને રીવ્યુ બેઠક […]

Share:

અમદાવાદમાં રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા (SOP)ની રચના કરવામાં આવી છે. રખડતા ઢોર મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અવારનવાર CNCD વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં પણ યોગ્ય કાર્યવાહી નથી થઈ. 

આ કારણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ફટકાર લગાવવામાં આવતી હતી. ત્યારે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને રીવ્યુ બેઠક દરમિયાન CNCD વિભાગના વડા નરેશ રાજપૂતનો ઉધડો લઈ લીધો હતો. કમિશનરે નરેશ રાજપૂતને સ્પષ્ટ રીતે સંભળાવી દીધું હતું કે શહેરમાં ઢોર નિયંત્રણ પોલિસીનો યોગ્ય રીતે અમલ કરાવો નહીં તો તમારી સામે કડક પગલાં ભરવામાં આવશે.

રખડતા ઢોરનું દબાણ દૂર કરવા આદેશ

અમદાવાદમાં ઢોર પોલિસીના અમલ અંતર્ગત 7 ઝોનમાં ઢોરની સંખ્યા આધારીત સુવિધાયુકત કેટલ પોન્ડ બનાવવા 10 હજાર ચોરસ મીટરથી વધુના પ્લોટની ફાળવણી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે રોડ અને ફૂટપાથ ઉપર હંગામી શેડ બાંધીને રાખવામાં આવતા પશુઓના દબાણ તાત્કાલિક દૂર કરવા આદેશ કર્યો છે.

શહેરના 48 વોર્ડમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા અમલમાં મુકવામાં આવેલી પોલિસી પ્રમાણે કામગીરી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને મ્યુનિ.ના CNCD વિભાગ ઉપરાંત એસ્ટેટ તેમજ સોલિડ વેસ્ટ વિભાગને જવાબદારી સોંપી છે.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલા મહત્વના આદેશ મુજબ 7 ઝોનમાં પશુઓની સંખ્યાના આધારે સ્માર્ટ અને વધુ સુવિધાયુકત કેટલ પોન્ડ બનાવવા 10 હજાર ચોરસમીટરથી વધુના પ્લોટની ફાળવણી કરાશે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુજબ અગાઉ રાજય સરકાર કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશુઓને રાખવા માટે ફાળવવામાં આવેલ પ્લોટ-જગ્યા ઉપર જો ગેરકાયદેસર બાંધકામ થયુ હશે તો તેને એસ્ટેટ વિભાગ દ્વારા તાત્કાલિક દૂર કરવામાં આવશે.

સ્થાનિક પોલીસના સંકલનમાં રહી અમદાવાદમાં ઘાસચારા સાથે પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરીને તેમને ડિટેઈન કરાશે. ઉપરાંત વોર્ડ વાઈસ આવેલા ઘાસચારાના વેચાણ કેન્દ્રોને નાબૂદ કરવામાં આવશે. ઘાસચારાનું વેચાણ કરવા બદલ નોટિસ આપવાથી લઈ ઘાસચારો રાખવામાં આવતો હોય એવા ગોડાઉન સીલ કરવા સુધીની કાર્યવાહી મ્યુનિ.તંત્ર દ્વારા કરવામાં આવશે. સરકારી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં ફૂટપાથ ઉપર સાંકળ કે ખીલા-ખૂંટા બાંધીને પશુ બાંધવા કે રાખવાની પ્રવૃત્તિ બંધ કરાવાશે. 

રખડતા ઢોર પકડવા ભરાશે નીચે પ્રમાણેના પગલાં

– ફૂટપાથ, ધાર્મિક સ્થળ, સેન્ટ્રલ વર્જ, પશુઓને ઉભા રહેવાના સ્થળ સહિત કચરાના સ્પોટની યાદી બનાવી તેને દૂર કરાશે.

– શાક માર્કેટ તેમજ ફુડ અને ફ્રુટ માર્કેટ જેવા સ્થળોએ પૂરતી માત્રામાં ડસ્ટબીન રખાશે.

– ટ્રાફિક આઈલેન્ડ, સર્કલ, ફૂટપાથ જેવા ખુલ્લા સ્થળોએ ખુલ્લામાં પક્ષીઓને દાણાં નાંખવામાં આવતા હોય એવા સ્પોટ દૂર કરાશે.

– ખુલ્લા કચરાના સ્પોટ દૂર કરાશે.

– શહેરના જાહેર સ્થળ, ફૂટપાથ ઉપર કોઈપણ સંજોગોમાં ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં.

– ફૂટપાથ ઉપર છાણાં થાપી ગંદકી કરવામાં આવે છે તેના સામે જેટ દ્વારા વહીવટી ચાર્જ વસૂલ કરાશે.