તેલંગાણાના એક્સાઈઝ વિભાગે દારૂના એક પણ ટીપાનું વેચાણ કર્યા વગર ₹ 2,600 કરોડથી વધારેની કમાણી કરી

તેલંગાણાના એક્સાઈઝ વિભાગે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. એક્સાઈઝ વિભાગે દારૂની એક પણ બોટલનું વેચાણ કર્યા વગર જ 2,639 કરોડ રૂપિયા એકઠાં કરવામાં સફળતા મેળવી છે. રાજ્યમાં દારૂની 2,620 દુકાનોની ફાળવણી માટે મળેલા 1.32 લાખ આવેદનો દ્વારા આ રકમ એકઠી થઈ શકી છે કારણ કે, પ્રત્યેક આવેદન માટે 2 લાખ રૂપિયા ફી રાખવામાં આવી […]

Share:

તેલંગાણાના એક્સાઈઝ વિભાગે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. એક્સાઈઝ વિભાગે દારૂની એક પણ બોટલનું વેચાણ કર્યા વગર જ 2,639 કરોડ રૂપિયા એકઠાં કરવામાં સફળતા મેળવી છે. રાજ્યમાં દારૂની 2,620 દુકાનોની ફાળવણી માટે મળેલા 1.32 લાખ આવેદનો દ્વારા આ રકમ એકઠી થઈ શકી છે કારણ કે, પ્રત્યેક આવેદન માટે 2 લાખ રૂપિયા ફી રાખવામાં આવી હતી જે નોન રિફંડેબલ હતી. 

તેલંગાણામાં લોટરી દ્વારા દારૂની દુકાનોની ફાળવણી

સોમવારના રોજ લોટરીની મદદથી દુકાનોની ફાળવણી કરાશે. લાઈસન્સ પ્રાપ્ત કરનારાઓએ દર વર્ષે 50 લાખથી 1.1 કરોડ રૂપિયા ફી આપવી પડે છે. જે વિસ્તારમાં દુકાન ફાળવવામાં આવી હોય તે વિસ્તારની જનસંખ્યાને આધારે તે નક્કી કરવામાં આવે છે. વાર્ષિક લાઈસન્સ ફીનો છઠ્ઠો ભાગ 23 ઓગષ્ટ સુધીમાં ચુકવવાનો રહેશે. 

તેલંગાણાના એક્સાઈઝ વિભાગનો નિયમ

તેલંગાણાના એક્સાઈઝ વિભાગના નિયમો પ્રમાણે 5,000 સુધીની વસ્તી ધરાવતા વિસ્તારમાં રિટેઈલ એક્સાઈઝ દુકાને 50 લાખ રૂપિયા આપવા પડશે. જ્યારે 20 લાખથી વધારે લોકોની વસ્તી ધરાવતા ક્ષેત્રમાં દુકાન ધરાવનાર વ્યક્તિએ દર વર્ષે 1.1 કરોડ રૂપિયા ચુકવવા પડશે. જોકે દારૂની દુકાન ધરાવતા વેપારીઓ માટે પ્રોફિટ માર્જિનની સરખામણીએ આ ફી ખૂબ ઓછી છે. તેઓ સાધારણ કંપનીના દારૂના વેચાણથી 27 ટકા અને પ્રીમિયમ ક્વોલિટીનો દારૂ વેચીને 20 ટકા નફો કમાઈ શકે છે. 

દારૂના વેચાણ માટે લાઈસન્સ ફાળવણીમાં અનામત

આ પ્રકારે લાઈસન્સની ફાળવણીમાં પણ અનામત પ્રથા છે. તેમાં 786 લાઈસન્સ એટલે કે, 30 ટકા જેટલા વંચિતોને મળશે. આવી દુકાનોમાંથી 15 ટકા ગૌડા માટે છે જે પંરપરાગત રીતે તાડી લાવીને દારૂનું વેચાણ કરે છે. 10 ટકા દુકાનો અનુસૂચિત જાતિ માટે અને 5 ટકા અનુસૂચિત જનજાતિના લોકો માટે અનામત છે. 

નોન રિફંડેબલ 2 લાખ રૂપિયાની એપ્લિકેશન ફી સાથેની અરજી સ્વીકારવાની પ્રક્રિયા 4 ઓગષ્ટના રોજ શરૂ થઈ હતી અને શુક્રવારે મોડી રાતે સમાપ્ત થયેલી. જ્યારે ડિસેમ્બરથી વર્તમાન લાઈસન્સ અમાન્ય બને ત્યાર બાદ નવા ધારકો દુકાનનું સંચાલન કરી શકશે. 

એક્સાઈઝ વિભાગે 2 વર્ષ પહેલા 1,370 કરોડ મેળવેલા

તેલંગાણા સરકારે 2 વર્ષ પહેલા આશરે 69,000 અરજીઓ દ્વારા 1,370 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જ્યારે દુકાનોની લાઈસન્સ ફી દ્વારા સરકારે 3,500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રાજ્યમાં ચૂંટણી આવી રહી છે જેથી આર્થિક વિકાસ, વ્યાપારિક આયોજન અને પર્યટનને પ્રોત્સાહન મળશે અને દારૂની ખપત પણ વધશે જેથી વધુ લોકો આ પ્રકારનું લાઈસન્સ મેળવવા પ્રોત્સાહિત બન્યા છે.

તેલંગાણા ઉપરાંત આંધ્ર પ્રદેશ સહિતના અન્ય રાજ્યના લોકોએ પણ લિકર શોપના લાઈસન્સ માટે અરજીઓ કરી છે. હૈદરાબાદમાં દારૂની 615 દુકાનોની ફાળવણી થશે જેમાં સરૂરનગર વિસ્તારની એક દુકાન માટે 10,908 અરજીઓ મળી છે.