હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની ઘટનાઓ માટે નિષ્ણાતોએ રજૂ કર્યું મહત્વનું કારણ

છેલ્લા કેટલાક સમયથી હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો નોંધાયો છે. નિષ્ણાતોએ આ માટે રસ્તાઓ પહોળા કરવા, જળવિદ્યુત પરિયોજના, તળેટીમાં ચટ્ટાનોને કાપવી, જળ નિકાસ માટે યોગ્ય વ્યવસ્થાની ઉણપ સહિતના કારણોને જવાબદાર ગણાવ્યા છે. નિષ્ણાતોએ રજૂ કર્યા હિમાચલ પ્રદેશણાં ભૂસ્ખલનના કારણો નિષ્ણાતોના કહેવા પ્રમાણે પર્યાવરણીય દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ કહી શકાય એવા હિમાલયમાં અવૈજ્ઞાનિક રીતે આડેધડ […]

Share:

છેલ્લા કેટલાક સમયથી હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો નોંધાયો છે. નિષ્ણાતોએ આ માટે રસ્તાઓ પહોળા કરવા, જળવિદ્યુત પરિયોજના, તળેટીમાં ચટ્ટાનોને કાપવી, જળ નિકાસ માટે યોગ્ય વ્યવસ્થાની ઉણપ સહિતના કારણોને જવાબદાર ગણાવ્યા છે.

નિષ્ણાતોએ રજૂ કર્યા હિમાચલ પ્રદેશણાં ભૂસ્ખલનના કારણો

નિષ્ણાતોના કહેવા પ્રમાણે પર્યાવરણીય દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ કહી શકાય એવા હિમાલયમાં અવૈજ્ઞાનિક રીતે આડેધડ વધી રહેલા નિર્માણકાર્ય, વનક્ષેત્રમાં થઈ રહેલા ઘટાડા, નદીઓની નજીક પાણીના પ્રવાહને અવરોધતી સંરચનાઓ વગેરે વધી રહેલી ભૂસ્ખલનની ઘટનાઓનું કારણ છે. 

ભૂસ્તરશાસ્ત્રી પ્રોફેસર વીરેન્દ્રસિંહ ધરના કહેવા પ્રમાણે રસ્તાઓના બાંધકામ, તેમને પહોળા કરવા માટે પહાડોના ઢોળાવોને મોટા પાયે કાપી નાખવામાં આવ્યા છે. ઉપરાંત સુરંગો અને જળવિદ્યુત પરિયોજનાઓ માટે કરાતા વિસ્ફોટો પણ વધ્યા છે જે ભૂસ્ખલનની ઘટનાઓમાં નોંધાયેલા વધારા માટે જવાબદાર છે. 

તળેટીઓમાં ચટ્ટાનોને કાપી નાખવાથી અને જળ નિકાસ માટેની યોગ્ય વ્યવસ્થાના અભાવથી હિમાચલના ઢોળાવો ભૂસ્ખલન માટે અત્યંત સંવેદનશીલ બન્યા છે. સાથે જ અતિ વરસાદના કારણે રાજ્યની સ્થિતિ વણસી છે. જળવાયુ પરિવર્તન વૈજ્ઞાનિક સુરેશ અત્રેએ અગાઉ જણાવેલું કે, વરસાદની તીવ્રતામાં વધારાની સાથે ઉચ્ચ તાપમાનના કારણે તળેટીઓમાં નીચેની બાજુએ પગદંડીઓ માટે ચટ્ટાનો કાપવામાં આવી હોય ત્યાં પહાડના સ્તરો નબળા પડી ગયા હોવાથી ભૂસ્ખલન થઈ રહ્યા છે. 

હિમાચલ પ્રદેશમાં 55 દિવસમાં 113 ભૂસ્ખલન

હવામાન વિભાગના કહેવા પ્રમાણે હિમાચલ પ્રદેશમાં આ વર્ષે અત્યાર સુધીમાં 742 મિલીમીટર વરસાદ થયો છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) કેન્દ્રના જણાવ્યા મુજબ હિમાચલમાં ચોમાસાની શરૂઆત બાદથી 55 દિવસમાં ભૂસ્ખલનની 113 ઘટનાઓ નોંધાઈ છે. તેનાથી લોક નિર્માણ વિભાગ (PWD)ને 2,491 કરોડ રૂપિયા અને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)ને આશરે 1,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વર્ષ 2022માં ભૂસ્ખલનની ગંભીર કહી શકાય તેવી ઘટનાઓમાં ચિંતાજનક 6 ગણો વધારો જોવા મળ્યો હતો. 2020માં આ પ્રકારની 16 ઘટનાઓ નોંધાયેલી. તેની સરખામણીએ 2022માં ભૂસ્ખલનની 117 મોટી ઘટનાઓ બની હતી. ઉપલબ્ધ આંકડાઓ પ્રમાણે રાજ્યના 17,120 સ્થળો ભૂસ્ખલન બાબતે જોખમી છે. તે પૈકીના 675 સ્થળ મહત્વના માળખાકીય બાંધકામો અને માનવ વસ્તીઓની નજીક છે. 

હિમાચલ પ્રદેશ માટે 68 સુરંગો પ્રસ્તાવિત

હિમાચલ પ્રદેશમાં NHAIના ક્ષેત્રીય અધિકારી અબ્દુલ બાસિતે જણાવ્યું હતું કે, વાદળ ફાટવાની, ભૂસ્ખલનની ઘટનાઓથી રસ્તાઓને વ્યાપક નુકસાન થયું છે. શિમલા-કાલકા, શિમલા-મટૌર, મનાલી-ચંદીગઢ અને મંડી-પઠાનકોટના રસ્તાઓને સૌથી વધુ નુકસાન થયું છે. રાજ્યમાં બાધા રહિત કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા સુરંગો એકમાત્ર સમાધાન બની શકે. પ્રદેશ માટે 68 સુરંગો પ્રસ્તાવિત કરાયેલી જે પૈકીની 11 બની ચુકી, 27 નિર્માણાધીન છે અને 30 વિસ્તૃત પરિયોજના માટે રિપોર્ટ બનાવવાનું કામ ચાલુ છે.