વિદેશ મંત્રી એસ જયશંકર કેનેડાના PMના આક્ષેપ અંગે UNGAમાં જડબાતોડ જવાબ આપે તેવી શક્યતા

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર બુધવારના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા (UNGA)ને સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના સંબોધન દરમિયાન એસ જયશંકર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિજ્જર હત્યા કેસ મામલે ભારત પર લગાવવામાં આવેલા આરોપોને લઈ જડબાતોડ જવાબ આપે તેવી શક્યતા જણાઈ રહી છે.  નોંધનીય છે કે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં જ કેનેડાની સંસદમાં એક […]

Share:

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર બુધવારના રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા (UNGA)ને સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના સંબોધન દરમિયાન એસ જયશંકર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિજ્જર હત્યા કેસ મામલે ભારત પર લગાવવામાં આવેલા આરોપોને લઈ જડબાતોડ જવાબ આપે તેવી શક્યતા જણાઈ રહી છે. 


નોંધનીય છે કે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં જ કેનેડાની સંસદમાં એક નિવેદન દરમિયાન એવો આરોપ લગાવ્યો હતો કે, ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોઈ શકે છે. ભારત સરકારે આ મામલે કેનેડાને કાયદાકીય પુરાવાઓ રજૂ કરવા માટે જણાવ્યું હતું પરંતુ કેનેડા હજુ સુધી ભારત સમક્ષ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ નીવળ્યું છે.
 

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડા, અમેરિકા અને પાકિસ્તાનના ટાર્ગેટ પર આવેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરબુધવારે વૈશ્વિક મંચ પરથી નિજ્જરની હત્યા મામલે જસ્ટિન ટ્રુડોના આરોપોને લઈ સમગ્ર વિશ્વ સમક્ષ દૃઢતાપૂર્વક પોતાનો જવાબ રજૂ કરી શકે છે. 

અમેરિકાએ પણ કેનેડાના સૂરમાં સૂર પૂરાવ્યો! 


નિજ્જરની હત્યામાં ભારત સામેલ હોવાના જસ્ટિન ટ્રુડોના આરોપ મામલે અમેરિકાએ પણ કેનેડાના સુરમાં સુર પુરાવીને ભારત સમક્ષ તપાસમાં સહયોગ કરવાની માગણી કરી હતી. ઉપરાંત પાકિસ્તાને પણ આ ઘટનાને લઈ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું હતું. 


એસ જયશંકરના ભાષણ પર વિશ્વ આખાની નજર!

વિદેશ મંત્રી એસ જયશંકરના આ ભાષણ પર સમગ્ર વિશ્વની નજર અટકી પડી છે. ભારત પણ કેનેડા તરફથી પોતાના આરોપ મામલે પુરાવા રજૂ કરવામાં આવે તેની રાહમાં છે. કેનેડાના રાજકારણમાં શીખ મતોનું ખૂબ મહત્વ છે. આ કારણે જ 2015માં કેનેડાના પૂર્વ વડાપ્રધાન સ્ટીફન હાર્પરે વડાપ્રધાન મોદીને બ્રિટિશ કોલંબિયાના સરે ખાતે આવેલા ગુરૂદ્વારાની મુલાકાત લેવા અપીલ કરી હતી.

આ બધા વચ્ચે કેનેડાએ ભારત માટે પોતાની ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે અને કેનેડાના લોકોને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. કેનેડાના આ પાયાવિહોણા આરોપો મામલે વિદેશ મંત્રી એસ જયશંકર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જડબાતોડ જવાબ આપશે તેમ માનવામાં આવે છે. એસ જયશંકરના ભાષણાં માત્ર કેનેડા અને પાકિસ્તાન માટે જ નહીં પણ અમેરિકા માટે પણ મહત્વનો મેસેજ હશે તેવી શક્યતા છે. 

વિદેશ મંત્રી એસ જયશંકરે અત્યાર સુધીમાં અનેક વખત પશ્ચિમી દેશોના આરોપોને ઉખાડી ફેંક્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન બાદ તેઓ વોશિંગ્ટન જશે અને બાઈડન પ્રશાસનના અધિકારીઓની મુલાકાત લેશે. ફાઈવ આઈઝના સદસ્ય અમેરિકાએ જ નિજ્જરની હત્યા મામલે કેનેડાને કથિત પુરાવા ઉપલબ્ધ કરાવી આપ્યા છે. ત્યારે એસ જયશંકર અમેરિકા સાથે દ્વિપક્ષીય સંબંધોની સાથે સાથે તેમના પુરાવાની વિશ્વસનીયતા અંગે પણ ચર્ચા કરી શકે છે.