આ વર્ષે અપ્રિલમાં લૂ લાગવાના બનાવોમાં એક તૃત્યાંશ જેટલો ઘટાડો થયો 

ગુજરાતમાં આ વર્ષે પ્રમાણમાં ઓછી ગરમીને કારણે એપ્રિલ મહિનામાં લૂ લાગવાના બનાવો ઓછા નોંધાયા છે. એમ્બ્યુલન્સની સેવા આપતી 108 સેવા દ્વારા સંકલન કરાયેલા  આંકડા દર્શાવે છે કે, આ વર્ષે લૂ લાગવાના બનાવોમાં એક તૃત્યાંશ જેટલો ઘટાડો થયો છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, ગયા એપ્રિલમાં 20 કેસ નોંધ્યા હતા તેની સરખામણીએ આ વર્ષે એપ્રિલ મહિનામાં લૂ લાગવાના […]

Share:

ગુજરાતમાં આ વર્ષે પ્રમાણમાં ઓછી ગરમીને કારણે એપ્રિલ મહિનામાં લૂ લાગવાના બનાવો ઓછા નોંધાયા છે. એમ્બ્યુલન્સની સેવા આપતી 108 સેવા દ્વારા સંકલન કરાયેલા  આંકડા દર્શાવે છે કે, આ વર્ષે લૂ લાગવાના બનાવોમાં એક તૃત્યાંશ જેટલો ઘટાડો થયો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગયા એપ્રિલમાં 20 કેસ નોંધ્યા હતા તેની સરખામણીએ આ વર્ષે એપ્રિલ મહિનામાં લૂ લાગવાના માત્ર 10 બનાવ નોંધાયા છે. જ્યારે માર્ચ મહિનાના આંકડામાં કોઈ ખાસ તફાવત નથી. જેમને ગરમીની અસર થઈ હતી તેમાંથી 60 ટકા લોકો 40 વર્ષથી ઓછી વયના હતા જેમને કામ અર્થે ઘરની બહાર રહેવું પડતું હોય. 

આ વર્ષે જો કે ગરમીને કારણે થતાં રોગોનું પ્રમાણ પણ ઓછું જોવાયું છે અને જેઓ વધુ તડકામાં ફર્યા હોય તેઓ ચક્કર અને થાકની ફરિયાદ સાથે દવાખાનામાં આવી રહ્યા હોવાનું એક જાણીતા ચિકિત્સકે જણાવ્યું હતું. 

ગુજરાતમાં આ વર્ષે ઉનાળાની શરૂઆત જ કમોસમી વરસાદથી થઈ હતી. લગભગ આખા માર્ચ મહિનામાં રાજ્યમાં વરસાદી માહોલ રહ્યો હતો. અને ઠેક ઠેકાણે માવઠું થયું હતું. જેણે કારણે ઘણી જગ્યાએ ઠંડી હવા ચાલી રહી હતી.  સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં રાજ્યમાં ભારે ગરમી પડતી હોય છે અને મે મહિનામાં જમીન પરથી આવતા ગરમ પવનો કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને દઝાડતા હોય છે. જે ગરમી આ વર્ષે રાજ્યમાં હજી સુધી જોવા મળી નથી અને સમગ્ર રાજ્યમાં માર્ચ અને એપ્રિલ દરમ્યાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ગયું નથી ત્યારે હમાવાન વિભાગે  આગામી બે  દિવસ ગુજરાતમાં ગરમીનો પારો  43  ડિગ્રી સુધી જશે તેવી આગાહી કરી છે. 

હવામાન વિભાગ દ્વારા હજુ પણ કેટલીક જગ્યાઓએ એપ્રિલના અંતિમ અઠવાડિયામાં છુટોછવાયો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. આમ છતાં, જેઓને વધુ સમય માટે બપોરે બહાર હેવું પડતું હોય તેમણે સાવચેતી રાખવાની જરૂર છે. 

“ગરમ હવાને લૂ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં બહાર જવાથી શરીરમાં ભેજની માત્રા ઓછી થવા લાગે છે.” ગરમીમાં જો આપણે પૂરતું પાણી ના પીધું હોય તો, ચક્કર આવે, બેભાન થઈ જાવાય, શરીર વધુ કામ કરે તેથી હ્રદયના ધબકારા વધી જવા, ત્વચા પર લાલ ચાંદા પડી જાય , સ્નાયુઓ ખેંચાય, ઉબકા આવે તો  સમજવું કે લૂ લાગી છે અને તેના રક્ષણ માટે તરત જ છાંયડા કે ઠંડી જગ્યાએ જતા રહેવું. પંખા કે એસીવાળી જગ્યાએ જઈ શકો તો વધારે સારું. આવી સ્થિતિમાં પાણી કે ઓઆરએસ પી શકો છો.