મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં આવ્યું પૂર

મહારાષ્ટ્રમાં અવિરત વરસાદને કારણે કેટલાક ભાગોમાં ગંભીર પૂરની સ્થિતિ સર્જાઈ છે અને યવતમાલ જિલ્લો તેમાંથી એક છે. ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના મહાગાંવ તાલુકામાં પૂરને કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે મોકલવામાં આવ્યા છે. યવતમાલ છેલ્લા બે દિવસથી જળબંબાકાર અને પૂરનો સામનો કરી રહ્યું છે. શુક્રવારથી યવતમાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી […]

Share:

મહારાષ્ટ્રમાં અવિરત વરસાદને કારણે કેટલાક ભાગોમાં ગંભીર પૂરની સ્થિતિ સર્જાઈ છે અને યવતમાલ જિલ્લો તેમાંથી એક છે. ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના મહાગાંવ તાલુકામાં પૂરને કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે મોકલવામાં આવ્યા છે. યવતમાલ છેલ્લા બે દિવસથી જળબંબાકાર અને પૂરનો સામનો કરી રહ્યું છે.

શુક્રવારથી યવતમાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને ઊંચા સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી હતી.

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મહાગાંવ તાલુકાના આનંદનગર ગામમાં પૂરને કારણે 45 લોકો ફસાયા છે. અમે સતત સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં છીએ તેમજ ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર ટૂંક સમયમાં નાગપુર પહોંચશે અને ત્યાંથી ફસાયેલા ગ્રામજનોને બચાવવા માટે મહાગાંવ જવા રવાના થશે. તેમણે વધુમાં જણાવ્યું કે મહાગાંવ તાલુકામાં 231 મીમી વરસાદ નોંધાયો છે.

નાગપુરના ડિફેન્સ PRO વિંગ કમાંડર રત્નાકર સિંહે એક નિવેદનમાં માહિતી આપી હતી કે યવતમાલમાં પૂરના કારણે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે નાગપુરથી Mi-17 V5 હેલિકોપ્ટરને મોકલવામાં આવ્યું છે.

જિલ્લા અધિકારીઓના જણાવ્યા અનુસાર, યવતમાલ શહેરમાં શુક્રવાર રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે શહેરના કેટલાક ભાગોમાં ઘરો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.

કલેક્ટર અમોલ યેગેએ જણાવ્યું હતું કે, જિલ્લામાંથી પસાર થતી પૈનગંગા નદીમાં પૂર આવ્યું છે જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને હાલમાં શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, જેમાં શુક્રવારની રાતથી અત્યાર સુધીમાં 117.5 મીમી વરસાદ નોંધાયો છે.

કલેક્ટર અમોલ યેગેએ જણાવ્યું હતું કે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની એક બચાવ ટીમ આનંદનગર ગામમાં બચાવ કામગીરી હાથ ધરવા માટે મહાગાંવ મોકલવામાં આવી છે.

સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) બચાવ કાર્યમાં વ્યસ્ત છે. હાલમાં, ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ કામગીરીમાં ભાગ લેવા માટે સ્થળ પર પહોંચી ગયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, યવતમાલના Dy SP વિનાયક કોટેએ કહ્યું કે અત્યાર સુધીમાં 32 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સવારથી બચાવ કામગીરી ચાલી રહી હતી. આનંદ નગર વિસ્તારમાંથી હાલ 32 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તે તમામને સલામત વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે.

23 જુલાઈ માટે, IMD એ મુંબઈમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ માટે યલો એલર્ટ અને પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.