સિક્કિમમાં પૂરને કારણે ચાર જવાન સહિત 19 લોકોના મોત, 100થી વધુ ગુમ

સિક્કિમમાં લોનાક તળાવ પર વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં આવેલા પૂરને કારણે ચાર જવાન સહિત ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. સિક્કિમમાં પૂર એ હદે ભયાનક બન્યું કે હજુ સુધી 100 લોકો લાપતા છે. ભારતીય સેના અને NDRFની ટીમોએ તિસ્તા નદીના તટપ્રદેશમાં અને ઉત્તર બંગાળના નીચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે પણ ગુમ થયેલા લોકોની શોધખોળ […]

Share:

સિક્કિમમાં લોનાક તળાવ પર વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં આવેલા પૂરને કારણે ચાર જવાન સહિત ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. સિક્કિમમાં પૂર એ હદે ભયાનક બન્યું કે હજુ સુધી 100 લોકો લાપતા છે. ભારતીય સેના અને NDRFની ટીમોએ તિસ્તા નદીના તટપ્રદેશમાં અને ઉત્તર બંગાળના નીચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે પણ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ રાખી હતી.

આ દરમિયાન, કોલકાતામાં પશ્ચિમ બંગાળ સરકારે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 18 મૃતદેહો મળી આવ્યા છે. જેમાંથી ચાર જવાન અને બે નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. જો કે, કે આ જવાન 22 ગુમ થયેલા સૈનિકોમાંના હતા કે પછી તેઓ અલગથી મૃત્યુ પામ્યા હતા તે સ્પષ્ટ થઈ શક્યું નથી.  

સિક્કિમમાં પૂરને કારણે વિદેશી નાગરિકો પણ ફસાયા

સિક્કિમના મુખ્ય સચિવ વી બી પાઠકે જણાવ્યું હતું કે તેમને આર્મીના 27મા માઉન્ટેન ડિવિઝનના અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ઉત્તર સિક્કિમમાં લાચેન, લાચુંગ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. વિદેશી નાગરિકો સહિત 3,000 થી વધુ પ્રવાસીઓ સિક્કિમના વિવિધ ભાગોમાં ફસાયેલા છે. વી બી પાઠકે જણાવ્યું હતું કે સેનાએ તેની ટેલિકોમ્યુનિકેશન સેવાને સક્રિય કરી છે અને ઘણા પ્રવાસીઓને તેમના ચિંતિત પરિવારના સભ્યો સાથે વાત કરવામાં મદદ કરી છે.

સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) એ જણાવ્યું હતું કે તિસ્તા નદીને કારણે રાજ્યના ઓછામાં ઓછા ચાર જિલ્લામાં પૂર આવ્યું છે. ઉત્તર સિક્કિમમાં સ્થાનિક લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવા માટે NDRFની ટીમો તૈનાત છે. આપત્તિ બાદથી 2,011 લોકોને બચાવી લેવામાં આવ્યા છે,જયારે 22,034 લોકો આ આફતથી પ્રભાવિત થયા છે. 

વી બી પાઠકે જણાવ્યું કે ફસાયેલા પ્રવાસીઓનું સ્થળાંતર એ પ્રાથમિકતા છે અને તેમને હવાઈ માર્ગે મંગન લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું છે જ્યાંથી તેમને રોડ માર્ગે સિક્કિમ લાવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે જો હવામાન સારું રહેશે તો લાચેન અને લાચુંગમાં ફસાયેલા પ્રવાસીઓને આવતીકાલથી બહાર કાઢવામાં આવશે. ભારતીય વાયુસેના અને આર્મીના હેલિકોપ્ટર લાચેન, લાચુંગ અને ચુંગથાંગ માટે ઉડાન ભરવા માટે તૈયાર હતા પરંતુ ખરાબ હવામાનને કારણે ઊડી શક્યા નહોતા.

તેમણે જણાવ્યું કે સિંગતમ શહેરમાં પાણી અને વીજળી સેવાઓની પુનઃસ્થાપના પૂર્ણ થઈ ગઈ છે, જે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી એક છે. સિક્કિમમાં પૂરથી ચાર પ્રભાવિત જિલ્લાઓમાં સિંગતમ, મંગન, નામચી અને ગંગટોકમાં માટી અને કોંક્રિટ બંને લગભગ 277 ઘરો નાશ પામ્યા છે. 

સિક્કિમમાં પૂરથી અસરગ્રસ્ત લોકોને વિવિધ વિસ્તારોમાં 26 જેટલા રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.