ઈન્ડિયા Vs ભારત મામલે જમ્મુ કાશ્મીરના પૂર્વ CM ઉમર અબ્દુલ્લાએ કહ્યું “હિંમત હોય તો નામ બદલી બતાવો”

નેશનલ કોન્ફરન્સના (NC) નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શુક્રવારના રોજ ભારત અને ઈન્ડિયા નામ મુદ્દે ચાલી રહેલા વિવાદ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો તે દેશનું નામ બદલીને ભારત કરવાનો મુદ્દો સંસદમાં લાવે. વડાપ્રધાન મોદી ઈન્ડિયા ન બોલે પરંતુ તેને બંધારણમાંથી દૂર […]

Share:

નેશનલ કોન્ફરન્સના (NC) નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શુક્રવારના રોજ ભારત અને ઈન્ડિયા નામ મુદ્દે ચાલી રહેલા વિવાદ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો તે દેશનું નામ બદલીને ભારત કરવાનો મુદ્દો સંસદમાં લાવે. વડાપ્રધાન મોદી ઈન્ડિયા ન બોલે પરંતુ તેને બંધારણમાંથી દૂર ન કરી શકે. 

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, “જો ભાજપમાં કે વડાપ્રધાનમાં હિંમત હોય તો તે આ દેશનું નામ બદલીને બતાવે. બંધારણમાં સંશોધન કરવું એટલું સરળ નથી, હું જોઉં છું કે તેમને કોણ સાથ આપે છે.”

ઉમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું હતું કે, શું તેમના પાસે સંસદમાં બે તૃતીયાંશ બહુમત છે? જો હોય તો નામ બદલીને બતાવે. મુલ્કનું નામ બદલી નાખવું એ કોઈ મામૂલી વાત નથી. જો તેમનામાં એટલી હિંમત હોય તો આવો, અમે પણ જોઈએ કે કોણ એમાં તમારી મદદ કરે છે. જ્યાં સુધી બંધારણ વાંચીએ તો ત્યાં શરૂમાં જ લખ્યું છે કે, ઈન્ડિયા ધેટ ઈઝ ભારત જે રાજ્યોનો સંઘ છે.

દિલ્હીના મેકઓવરથી નાગરિકોને ફાયદો

નવી દિલ્હીમાં ચાલી રહેલી G20 બેઠક અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં ઉમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, અન્ય દેશોએ પણ આવી બેઠકોની યજમાની કરી છે અને ભારતના વારા પછી અન્ય સદસ્યો પણ તેની યજમાની કરશે. તેઓ (G20 સદસ્ય દેશોના પ્રમુખ) આવ્યા છે, તેઓ દિલ્હીનો એક નાનકડો ખૂણો જોશે અને જતા રહેશે. મેં જે વાંચ્યુ છે કે દિલ્હીના મેકઓવર માટે આશરે 4,200 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. કમ સે કમ દિલ્હીના નાગરિકોને આનાથી ફાયદો થશે. 

કઈ રીતે શરૂ થયો ઈન્ડિયા વર્સિસ ભારત વિવાદ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી મોકલવામાં આવેલા G20 ડીનર માટેના આમંત્રણ પત્રમાં તેમનું પદ પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાના બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારત તરીકે ચિન્હિત કરવામાં આવ્યું તેને લઈ વિવાદ થયો છે. વિપક્ષી દળોએ એવો આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન મોદી દેશના નામમાંથી ઈન્ડિયા દૂર કરીને માત્ર ભારત રાખવાની યોજના બનાવી રહ્યા છે. અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે પણ લોકોને એવી અપીલ કરી હતી કે, લોકોએ ઈન્ડિયાના સ્થાને ભારત શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. 

ઈન્ડિયા-ભારત વિવાદ વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બુધવારના રોજ કહ્યું હતું કે, જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાવનાત્મક મુદ્દાઓ સામે લાવવામાં આવી રહ્યા છે.