વડાપ્રધાન મોદીએ ઉર્જિત પટેલને પૈસાના ઢગ પર બેઠેલા સાપ સમાન ગણાવેલા,પૂર્વ નાણા સચિવના પુસ્તકમાં દાવો

પૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગે પોતાના પુસ્તક ‘વી ઓલ્સો મેક પોલિસી’ (We Also Make Policy)માં વડાપ્રધાન મોદી અંગે એક ખૂબ ચોંકાવનારો દાવો કર્યો છે. સુભાષ ગર્ગે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, 2018માં એક મીટિંગ દરમિયાન વડાપ્રધાન મોદીએ રોષે ભરાઈને તત્કાલીન આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલને પૈસાના ઢગલા પર બેઠેલા સાપ કહી દીધા હતા. આકરી નાણાકીય પરિસ્થિતિ, […]

Share:

પૂર્વ નાણા સચિવ સુભાષ ગર્ગે પોતાના પુસ્તક ‘વી ઓલ્સો મેક પોલિસી’ (We Also Make Policy)માં વડાપ્રધાન મોદી અંગે એક ખૂબ ચોંકાવનારો દાવો કર્યો છે. સુભાષ ગર્ગે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, 2018માં એક મીટિંગ દરમિયાન વડાપ્રધાન મોદીએ રોષે ભરાઈને તત્કાલીન આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલને પૈસાના ઢગલા પર બેઠેલા સાપ કહી દીધા હતા.

આકરી નાણાકીય પરિસ્થિતિ, સરકાર અને ભારતીય રિઝર્વ બેંક વચ્ચેના તણાવ દરમિયાન અર્થતંત્રની સ્થિતિની સમીક્ષા કરવા માટે 14 સપ્ટેમ્બર, 2018ના રોજ એક બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી તત્કાલીન આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ પર રોષે ભરાયા હતા અને તેમની સરખામણી પૈસાના ઢગલા પર બેસનારા સાપ સાથે કરી દીધી હતી. 


હાર્પર કોલિન્સ દ્વારા પ્રકાશિત આ પુસ્તક ‘વી ઓલ્સો મેક પોલિસી’ ઓક્ટોબર મહિનામાં રીલિઝ થશે. સુભાષ ગર્ગે આ પુસ્તકમાં લખ્યું છે કે, ઉર્જિત પટેલ અને તત્કાલીન નાણા મંત્રી અરૂણ જેટલી તથા પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રા સહિત અન્ય સરકારી અધિકારીઓ સાથે આશરે 2 કલાક સુધી મીટિંગ કર્યા પછી પણ વડાપ્રધાન મોદીને કોઈ સમાધાન નહોતું મળી રહ્યું. 


સુભાષ ગર્ગે પુસ્તકમાં લખ્યું છે કે, ઉર્જિત પટેલે પોતાનું પદ છોડ્યું તે પહેલા વડાપ્રધાન મોદી અને તત્કાલીન નાણા મંત્રી અરૂણ જેટલી તેમનાથી ખૂબ નારાજ રહેતા હતા. ઉર્જિત પટેલ પોતાને સૌથી આઝાદ દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. નોંધનીય છે કે, આરબીઆઈના ગવર્નર રહી ચુકેલા ઉર્જિત પટેલે ડિસેમ્બર 2018માં અચાનક જ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું. 


જોકે તેમણે પોતે વ્યક્તિગત કારણોથી રાજીનામુ આપે છે તેમ જણાવેલું પરંતુ સુભાષ ગર્ગનું આ પુસ્તક ઉર્જિત પટેલ અને સરકાર વચ્ચેના સંબંધોની કડવાશ રજૂ કરે છે. સુભાષ ગર્ગના પુસ્તકમાં દર્શાવ્યા મુજબ ફેબ્રુઆરી 2018માં જ્યારે ઉર્જિત પટેલે સરકારની ટીકા કરી ત્યારથી જ આ તણાવની શરૂઆત થઈ ચુકી હતી. ઉર્જિત પટેલે સરકાર પર રાષ્ટ્રીયકૃત બેંકો પરનો અધિકાર ન છોડવાનો આરોપ લગાવ્યો હતો. 

ઉર્જિત પટેલ પર ઈલેક્ટોરલ બોન્ડ યોજના પ્રભાવિત કરવાનો આરોપ

સુભાષ ગર્ગના આ પુસ્તકમાં દર્શાવ્યા મુજબ ઉર્જિત પટેલે વડાપ્રધાન મોદીની સરકારની ઈલેક્ટોરલ બોન્ડ યોજનામાં પણ અડચણ ઉભી કરવા પ્રયત્ન કર્યો હતો. ઉર્જિત પટેલના કહેવા પ્રમાણે ઈલેક્ટોરલ બોન્ડ માત્ર આરબીઆઈ દ્વારા બહાર પાડવા જોઈએ અને તે પણ માત્ર ડિજિટલ મોડમાં જ. આરબીઆઈએ તે વર્ષે જ રેપો રેટ વધારીને 6.25 ટકા કરી દીધેલો. 3 મહિના બાદ ફરી તેમાં વધારો કરવામાં આવેલો જેથી વડાપ્રધાન મોદીની સરકાર નાખુશ હતી.