1996ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસની ટ્રાયલ ટ્રાન્સફર કરવાની પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની અરજી ફગાવાઈ

ગુજરાત હાઈકોર્ટે જેલમાં બંધ પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે નાર્કોટિક્સ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે. સાથે જ હાઈકોર્ટે ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસની ટ્રાયલ બનાસકાંઠા જિલ્લાની કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગણી પણ ફગાવી દીધી છે.  જાણો કયા કેસમાં જેલની સજા કાપી રહ્યા […]

Share:

ગુજરાત હાઈકોર્ટે જેલમાં બંધ પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે નાર્કોટિક્સ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે. સાથે જ હાઈકોર્ટે ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસની ટ્રાયલ બનાસકાંઠા જિલ્લાની કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગણી પણ ફગાવી દીધી છે. 

જાણો કયા કેસમાં જેલની સજા કાપી રહ્યા છે સંજીવ ભટ્ટ

ગુજરાતના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ ઘણાં સમયથી પાલનપુરની જેલમાં બંધ છે અને તેમણે વર્ષ 2002 દરમિયાન થયેલા કોમી તોફાનો પછી રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા હતા. 

સંજીવ ભટ્ટ પર તેઓ 1996ના વર્ષમાં બનાસકાંઠાના પોલીસ અધિક્ષક હતા તે સમય દરમિયાન રાજસ્થાનના એક વકીલ પાલનપુરની હોટેલના રૂમમાં હતા તે સમયે હોટેલના રૂમમાં ડ્રગ્સ પ્લાન્ટ કરવાનો આરોપ લાગ્યો હતો. તે સમય દરમિયાન હોટેલના રૂમમાંથી સમરસિંગ રાજપુરોહિત નામના વકીલની ડ્રગ્સ મામલે NDPS એક્ટ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. 

આ મામલે જે તે સમયે રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું કે, સમરસિંગ રાજપુરોહિતને ગુજરાત પોલીસે રાજસ્થાનના પાલીમાં વિવાદિત જમીન ટ્રાન્સફર ન કરવા બદલ ખોટી રીતે ડ્રગ પ્લાનટ કરી ફસાવ્યા હતા અને આ બાબતને કોર્ટમાં પડકારવામાં આવી હતી.

વર્ષ 2018માં થઈ હતી સંજીવ ભટ્ટની ધરપકડ

ગુજરાત હાઈકોર્ટે તે કેસની તપાસ CIDને સોંપી હતી અને 2018માં ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે સંજીવ ભટ્ટની નાર્કોટિક્સ કેસમાં ફરિયાદ રદ્દ કરવાની અરજી ફગાવવાની સાથે જ ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસની ટ્રાયલ બનાસકાંઠાની જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગણી પણ ફગાવી દીધી છે. 

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે ટ્રાયલ કોર્ટમાં ન્યાયી સુનાવણી ન થઈ રહી હોવાનો દાવો કર્યો હતો અને માટે તેમનો કેસ અન્ય કોઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવા માગણી કરી હતી. ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ સમીર દવેની ખંડપીઠે સંજીવ ભટ્ટની અરજીને ફગાવી દેતાં સંજીવ ભટ્ટની આશંકા પાયાવિહોણી હોવાનું કહ્યું હતું. સંજીવ ભટ્ટના વકીલે પણ હાઈકોર્ટમાં ટ્રાયલ પર એક મહિના માટે સ્ટે મૂકવાની અપીલ કરી હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેને પણ ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા સંજીવ ભટ્ટ

ગુજરાત હાઈકોર્ટે જૂન 2018માં આ કેસની તપાસ CIDને સોંપી ત્યાર બાદ તે વર્ષે સપ્ટેમ્બરમાં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી. બાદમાં ચાર્જશીટ દાખલ થયા બાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને 9 મહિનામાં ટ્રાયલ પૂરી કરવા માટે આદેશ આપ્યો હતો અને 2022માં હાઈકોર્ટે નીચલી કોર્ટને કેસની સુનાવણી પૂર્ણ કરવા વધારાનો સમય પણ આપ્યો હતો. 

જોકે તે સમયમાં કેસ પૂરો ન થતાં હાઈકોર્ટે 31 માર્ચ, 2023 સુધીમાં કોઈ પણ સંજોગોમાં ટ્રાયલ પૂરી કરવા આદેશ આપ્યો હતો. જોકે હાઈકોર્ટના આ નિર્ણય સામે સંજીવ ભટ્ટ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા જ્યાં તેમને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.