ગગનયાન મિશનઃ ઈસરો દ્વારા કરવામાં આવશે ક્રૂ એસ્કેપ સિસ્ટમનું પ્રથમ પરીક્ષણ

ઈસરોએ અંતરિક્ષ મિશન ગગનયાન અંતર્ગત આ મહિનાના અંત સુધીમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમની ઈનફ્લાઈટ એબોર્ટ ટેસ્ટ કરવા માટેની યોજના બનાવી છે. પરીક્ષણ વાહનનો ઉપયોગ કરીને ગગનયાન મિશન અંતર્ગતનું આ પરીક્ષણ હાથ ધરવામાં આવશે. આ પરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય ગગનયાન મિશન દરમિયાન અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનો છે.  ગગનયાન મિશનમાં અંતરિક્ષ યાત્રીઓને 400 કિમીના કક્ષામાં લઈ જવાશે […]

Share:

ઈસરોએ અંતરિક્ષ મિશન ગગનયાન અંતર્ગત આ મહિનાના અંત સુધીમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમની ઈનફ્લાઈટ એબોર્ટ ટેસ્ટ કરવા માટેની યોજના બનાવી છે. પરીક્ષણ વાહનનો ઉપયોગ કરીને ગગનયાન મિશન અંતર્ગતનું આ પરીક્ષણ હાથ ધરવામાં આવશે. આ પરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય ગગનયાન મિશન દરમિયાન અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનો છે. 

ગગનયાન મિશનમાં અંતરિક્ષ યાત્રીઓને 400 કિમીના કક્ષામાં લઈ જવાશે

ગગનયાન મિશન અંતર્ગત 3 અંતરિક્ષ યાત્રીઓના દળને 3 દિવસના મિશન માટે 400 કિમીની કક્ષામાં લઈ જવામાં આવશે. ત્યાર બાદ તેમને સુરક્ષિત રીતે ધરતી પર પરત લાવીને ભારત પોતાની માનવ અંતરિક્ષ ઉડાન ક્ષમતાનું પ્રદર્શન કરશે. 

ઈસરોએ ભારતીય વાયુ સેના સાથે મળીને લોન્ચ વ્હીકલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ બાદ ગગનયાન પોતાના મિશન તરફ વધુ એક ડગ આગળ વધ્યું છે. સાથે જ ગગનયાન મિશનમાં સામેલ થનારા અંતરિક્ષ યાત્રીઓની ટ્રેઈનિંગ પણ ચાલુ છે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ના ડિરેક્ટર એસ ઉન્નીકૃષ્ણન નાયરે ગગનયાન મિશન માટેની તૈયારીઓ ચાલી રહી હોવાની માહિતી આપી હતી. 

ઉન્નીકૃષ્ણને જણાવ્યું હતું કે, પ્રક્ષેપણ માટે શ્રીહરિકોટામાં અંતિમ અસેમ્બલી ચાલી રહી છે. તેઓ ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં પ્રક્ષેપણ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. 

જાણો કઈ રીતે કામ કરશે ગગનયાન મિશન

ઈસરોના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગગનયાન મિશનમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમ સૌથી મહત્વપૂર્ણ છે. આ મહિને પરીક્ષણ વાહન ટીવી-ડી1નું પ્રક્ષેપણ ગગનયાન કાર્યક્રમના 4 એબોર્ટ મિશનમાંથી પહેલા થશે. ત્યાર બાદ બીજું પરીક્ષણ વાહન ટીવી-ડી2 મિશન અને ગગનયાન (એલવીએમ3-જી1)નું પ્રથમ માનવરહિત મિશન લોન્ચ કરવામાં આવશે.

ત્યાર બાદ પરીક્ષણ વાહન મિશન (ટીવી-ડી3 અને ડી4) અને રોબોટિક પેલોડ સાથે એલવીએમ3-જી2 મિશનની યોજના છે. આ પરીક્ષણોના આધાર પર અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવશે. 

ક્યારે લોન્ચ થશે મિશન?

ગગનયાન મિશન 2024માં લોન્ચ થશે તેમ માનવામાં આવે છે. તે સાથે જ માનવીને અંતરિક્ષમાં મોકલનાર ભારત ચોથો દેશ બનશે. આ સૂચિમાં રશિયા, અમેરિકા અને ચીન સામેલ છે. પહેલા માનવ રહિત ગગનયાન મોકલવામાં આવશે અને તે પછી ૩ એસ્ટ્રોનોટ્સ માટેની સુવિધા સાથેનું ગગનયાન તેના 3 દિવસના મિશન દરમિયાન 400 કિમીની ઓર્બિટમાં મોકલવામાં આવશે.

ભારતીય સ્પેસ એજન્સી ઈસરો ચંદ્રયાન 3 અને આદિત્ય એલ-1 મિશન બાદ હવે શુક્રયાન અને ગગનયાન મિશનની તૈયારીઓમાં વ્યસ્ત છે. ગગનયાન મિશન દ્વારા ઈસરો પ્રથમ વખત કોઈ વ્યક્તિને અંતરિક્ષમાં મોકલવાનું છે. ગગનયાન મિશન માટે એરફોર્સના 4 પાયલોટની પસંદગી કરવામાં આવી છે અને તેમની ટ્રેનિંગ ચાલી રહી છે. તાજેતરમાં જ આ ટ્રેનિંગનો વીડિયો પણ સામે આવ્યો હતો.