ગણેશ ચતુર્થી 2023: જાણો બાપ્પાની મૂર્તિની પ્રતિષ્ઠાથી માંડીને વિસર્જન સમયે કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

ગણેશ ચતુર્થી એ ભગવાન ગણેશજીને સમર્પિત એક હિંદુ તહેવાર છે. સામાન્ય રીતે 10 દિવસ સુધી તેની ઉજવણી ચાલતી હોય છે.  હિન્દુ ધર્મમાં ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થીના રોજ ગણેશ ચતુર્થીની શરૂઆત થાય છે. આ પર્વ 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર ઢોલ-નગારા સાથે ગણેશજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને ઘરમાં ભગવાન ગણેશની […]

Share:

ગણેશ ચતુર્થી એ ભગવાન ગણેશજીને સમર્પિત એક હિંદુ તહેવાર છે. સામાન્ય રીતે 10 દિવસ સુધી તેની ઉજવણી ચાલતી હોય છે.
 

હિન્દુ ધર્મમાં ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થીના રોજ ગણેશ ચતુર્થીની શરૂઆત થાય છે. આ પર્વ 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર ઢોલ-નગારા સાથે ગણેશજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. આ સાથે જ વિધિ-વિધાન સાથે 10 દિવસ પૂજા અર્ચના થાય છે. 10 દિવસ સુધી ધામધૂમથી ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે અને અંનત ચતુર્દશીના દિવસે ગણેશજીને વિદાય આપવામાં આવે છે. આગામી 19 સપ્ટેમ્બરથી 28મી સપ્ટેમ્બર દરમિયાન ગણેશ ચતુર્થી ઉજવાશે. ત્યારે બાપ્પાની મૂર્તિની પ્રતિષ્ઠાથી માંડીને વિસર્જન સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે જાણવું જરૂરી છે. 

ગણેશ ચતુર્થીની વિધિ


ગણેશ ચતુર્થીની ઉજવણીમાં 4 પ્રાથમિક વિધિઓનો સમાવેશ થાય છે. 

1. પ્રાણ પ્રતિષ્ઠા (પ્રભુુનું આહ્વાન)

ઉત્સવના આ પ્રથમ દિવસે પુજારી મંત્રોનું પઠન કરે છે અને ધાર્મિક વિધિઓ કરે છે. 

2. ષોડશોપચાર પૂજા વિધિ

આ વિધિ ગણેશોત્સવની ઉજવણીના પ્રથમ દિવસે પણ કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં ગણેશજીને વિવિધ 16 પ્રકારનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જેમાં ગણપતિજીની મૂર્તિ સમક્ષ ફળ, ફૂલ, મીઠાઈ, ધૂપ, દીપ, પાણી વગેરે રાખવામાં આવે છે. 

3. ઉત્તર પૂજા

ઉત્સવના 10મા દિવસે ગણેશજીને વિદાય આપવા આ વિધિ કરવામાં આવે છે. જેમાં ગણપતિજીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ધાર્મિક વિધિ કરવામાં આવે છે. 

4. ગણપતિ વિસર્જન

10મા દિવસની આ ધાર્મિક વિધિમાં ભગવાન ગણેશની મૂર્તિને નદી કે સરોવરમાં વિસર્જિત કરવામાં આવે છે. આ સાથે જ ઉત્સવનું સમાપન થાય છે અને ગણેશજી તેમના આકાશી નિવાસસ્થાનમાં પરત ફર્યાનો સંકેત મળે છે. 

કઈ રીતે કરવી તૈયારી


ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા માટે ઘર અને ભગવાન ગણેશની મૂર્તિ જ્યાં સ્થાપિત કરવાની હોય તે જગ્યાની સફાઈ કરવાની હોય છે. બાદમાં ગણેશ પૂજા માટે મૂર્તિ, ફળ, ફૂલ, ધૂપ, દીપ સહિતની વસ્તુઓ એકત્રિત કરવામાં આવે છે. 

મૂર્તિ સ્થાપન માટે સ્વચ્છ સ્થાન પર કાપડ અથવા બાજોઠ મુકીને ભગવાન ગણેશજીની મૂર્તિ પધરાવો. ગણેશજીની સ્થાપના દરમિયાન 10 દિવસ સાત્વિક ભોજન કરવું જોઈએ. 

ગણેશ સ્થાપના માટેનું શુભ મુહૂર્ત

ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવાથી શુભ ફળ મળે છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વર્ષે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાનું શુભ મુહૂર્ત 19 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11.07 વાગ્યાથી શરૂ થશે અને 19 સપ્ટેમ્બરે બપોરે 1:34 વાગ્યા સુધી ચાલશે. આ શુભ સમયે તમે ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત કરી શકો છો.