નાગાલેન્ડમાં ભૂસ્ખલનની ઘટનામાં એક વિશાળકાય શિલાને કારણે કાર કચડાઈ ગઈ

નાગાલેન્ડમાં આજે ભૂસ્ખલનની બનેલી ઘટનામાં એક વિશાળકાય શીલા અચાનક નીચે ધસી આવતા બે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે. નાગાલેન્ડના દીમાપુર અને કોહિમા વચ્ચે ચુમૌકેદિમા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 29 પર સાંજે 5 વાગ્યાની આસપાસ સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે અને અન્ય ત્રણને ગંભીર ઈજાઓ […]

Share:

નાગાલેન્ડમાં આજે ભૂસ્ખલનની બનેલી ઘટનામાં એક વિશાળકાય શીલા અચાનક નીચે ધસી આવતા બે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે.

નાગાલેન્ડના દીમાપુર અને કોહિમા વચ્ચે ચુમૌકેદિમા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 29 પર સાંજે 5 વાગ્યાની આસપાસ સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે અને અન્ય ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી છે. જો કે, અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. સતત વરસાદની વચ્ચે ઉભેલી કાર પર અચાનક ઉપરથી એક પત્થર ધસી આવતા કાર કચડાઈ ગયા બાદ તે પત્થર આગળ વધી અન્ય એક કારને પણ અથડાતા તેને પણ નુકસાન થયું છે. 

આ સમગ્ર ઘટના અક્સ્માતગ્રસ્ત કાર પાછળ આવી રહેલી કારનાં ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ  છે. તેનો વીડિયો સામે આવ્યો છે જેને જોતાં તે અતિ ભયાવહ જણાઈ રહ્યું છે.  પર્વત પરથી ધસી આવેલા પત્થર અતિશય મોટો હોવાથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અન્ય એક વ્યક્તિ હજુ પણ એક કારની અંદર ફસાયેલી છે અને બચાવ કાર્ય ચાલુ છે.

 મુખ્યમંત્રી નેફિયુ રિયોના તેમની ટ્વીટમાં જણાવ્યું કે, અકસ્માત થયો તે સ્થળ “પાકાલા પહાર” તરીકે ઓળખાય છે અને તે ભૂસ્ખલન અને ખડકો માટે જાણીતો છે તેમણે આ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો હતો. 

તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, આજે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દીમાપુર અને કોહિમાની વચ્ચે સાંજે 5 વાગ્યે ખડક પડવાને કારણે 2 વ્યક્તિઓના મૃત્યુ અને 3 અન્ય લોકોને ગંભીર ઈજા સહિત ગંભીર નુકસાન થયું છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે, સરકાર ઇજા પામેલા લોકોની તબીબી સહાય પૂરી પાડવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે. દરેક પીડિત પરિવાર માટે રૂપિયા 4 લાખની આર્થિક સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર સલામત માળખાકીય સુવિધા માટે તાત્કાલિક પગલાં લેવા માટે કેન્દ્રસરકાર અને નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સાથે આ બાબતે ચર્ચા કરી, સંબંધિત એજન્સીએ જરૂરી સલામતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મૂકવા માટે જણાવાયું છે. મુખ્યમંત્રીએ ટેક્નોલોજીના વખાણ કરતાં ટ્વીટમાં ઉમેર્યું કે, કેન્દ્ર સરકારની એડવાન્સ્ડ ટેક્નોલોજી અને સંસાધનોને કારણે નાગરિકોની સલામતી સાથે કોઈ બાંધછોડ નહીં થાય. આ ભૂસ્ખલનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. નાગાલેન્ડ પર્વીતય વિસ્તાર હોવાથી ચોમાસાંમાં ઘણા વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ બનતી રહે છે.