GIDC IT હબને વિકસાવવાની કામગીરી ગિફ્ટ સિટીને સોંપી શકે છે

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)  ગિફ્ટ સિટી ખાતે તેના પ્રસ્તાવિત IT હબને વિકસાવવાની કામગીરી  ગિફ્ટ સિટી ઓથોરિટીને સોંપવા વિચારી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.  કોરોના મહામારી પહેલા પ્રોજેક્ટ શરૂ કરવાની ધારણા હતી પરંતુ તેમાં વિલંબ થયો હતો અને હવે જીઆઇડીસી તેની કામગીરી ગિફ્ટ સિટીને સોંપશે અને બની શકે કે તેના વિકાસને લગતા હકો તે ગિફ્ટ […]

Share:

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)  ગિફ્ટ સિટી ખાતે તેના પ્રસ્તાવિત IT હબને વિકસાવવાની કામગીરી  ગિફ્ટ સિટી ઓથોરિટીને સોંપવા વિચારી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.  કોરોના મહામારી પહેલા પ્રોજેક્ટ શરૂ કરવાની ધારણા હતી પરંતુ તેમાં વિલંબ થયો હતો અને હવે જીઆઇડીસી તેની કામગીરી ગિફ્ટ સિટીને સોંપશે અને બની શકે કે તેના વિકાસને લગતા હકો તે ગિફ્ટ સિટીને આપે. જો કે, આ બાબતે આખરી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે. 

અગાઉ આ પ્રોજેક્ટ માટે ગિફ્ટ સિટીએ આઇટી હબ વિકસાવવાના હકો જીઆઇડીસીને આપ્યા હતા અને તે હેઠળ પ્રતિ ચોરસ ફૂટે રૂ. 850 લેખે 6 લાખ ચોરસફૂટ જગ્યા વિકસાવવાની કામગીરી કરવાની વાત થઈ હતી. ગુજરાત સરકારે વર્ષ  2019માં આઇટી હબ  પ્રોજેક્ટની શરૂઆત ગેસિયા  (ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ એંડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન)ની રજૂઆતના પ્રતિભાવમાં કરી હતી. જોકે મહામારીને કારણે આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગેસિયા  અને ખાનગી આઇટી કંપનીઓની સાથે ચર્ચા બાદ આ પ્રોજેક્ટ. 405 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરવાનું નક્કી થયું હતું. ગેસિયાને 38 કંપનીઓનું EOI (એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ)પણ મળ્યું હતું.  આ પ્રોજેક્ટ હેઠળ ખાનગી કંપનીઓના  રૂ. 1000 કરોડના રોકાણ આવશે અને  9000 નવી જોબ ઊભી કરશે તેવો અંદાજ હતો. 

અગાઉના પ્લાન પ્રમાણે જીઆઇડીસી 28 માળનું આઇટી હબ બનાવવાની હતી જેમાં એક જ છત નીચે માળખાકીય સુવિધા વહેંચીને આઇટી કંપનીઓ કામગીરી કરવાની હતી. આ ઉપરાંત જીઆઇડીસી દ્વારા સાથે કામ કરવાની જગ્યા પણ ત્યાં વિકસાવવાની હતી. 

આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે બે વાર આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા  પરંતુ, ભાવમાં ઘણો ફેર આવતો હતો. આ ઉપરાંત જીઆઇડીસીને વર્ટીકલ ડેવલપમેન્ટનો અનુભવ નહીં હોવાથી અમે તેમાં ગિફ્ટ સિટીને સાંકળવાનું વિચારી રહ્યા છીએ. આ બાબતમાં ટૂંકમાં જ રાજ્ય સરકારનો નિર્ણય આવી શકે છે. 

ગેસિયાના સિનિયર સભ્યે જણાવ્યું કે, જ્યારે ગિફ્ટ સિટી વૈશ્વિક ફિનટેક હબ તરીકે વિકસી રહ્યું છે અને જ્યારે ગૂગલ દ્વારા પણ ત્યાં તેની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરાઇ છે ત્યારે આ પ્રોજેક્ટ તાકીદે અમલમાં આવે તે જરૂરી છે. તેમણે જણાવ્યું કે, મહામારી પછી આઈટી કંપનીઓમાં ઘણા ફેરફાર આવ્યા છે અને કંપનીઓ સમર્પિત  જગ્યામાં ઓફિસના વવ્યવસ્થાપન અંગે અગ્રતા આપી રહી છે ત્યારે આ આઇટી હબ મહત્વનો બની રહે છે.  ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ગિફ્ટ સિટીમાં 5 નવા ગામ ઉમેરીને તેના વિસ્તરણની જાહેરાત કરાઈ હતી. સાથે જ ગત સોમવારથી અહીં GIFT NIFTY અર્થાત SGX નિફ્ટીની પણ શરૂઆત થતાં ગિફ્ટ સિટીના ડેવલપમેન્ટમાં વધારો નક્કી છે.