ગોધરા તરફ જઈ રહેલી દાહોદ-આણંદ મેમુ ટ્રેનમાં આગ હોનારત, સદનસીબે જાનહાનિ નહીં

શુક્રવારના રોજ આણંદ મેમુ ટ્રેનના પાછળના એન્જિન તરફના કોચમાં આગ લાગવાની ઘટના બની હતી. 9350 નંબરની દાહોદ-આણંદ મેમુ ટ્રેન ગોધરા તરફ જઈ રહી હતી તે સમયે દાહોદ જેકોટ રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેનના એન્જિનમાં લાગેલી આગ તેની સાથે જોડાયેલા ફર્સ્ટ ક્લાસના ડબ્બા સુધી પ્રસરી હતી. જોકે સદનસીબે ટ્રેનમાં સવાર તમામ મુસાફરોનો આબાદ […]

Share:

શુક્રવારના રોજ આણંદ મેમુ ટ્રેનના પાછળના એન્જિન તરફના કોચમાં આગ લાગવાની ઘટના બની હતી. 9350 નંબરની દાહોદ-આણંદ મેમુ ટ્રેન ગોધરા તરફ જઈ રહી હતી તે સમયે દાહોદ જેકોટ રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેનના એન્જિનમાં લાગેલી આગ તેની સાથે જોડાયેલા ફર્સ્ટ ક્લાસના ડબ્બા સુધી પ્રસરી હતી. જોકે સદનસીબે ટ્રેનમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. 

મેમુ ટ્રેનમાં આગ લાગ્યા બાદ દાહોદ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી દીધી હતી. રેલવેના અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચીને વધારે તપાસ હાથ ધરી હતી. એફએસએલની ટીમે પણ આ સમગ્ર મામલે તપાસ આરંભી છે. 

દાહોદ-આણંદ મેમુ ટ્રેનમાં આગ લાગતા નાસભાગ મચી

દાહોદ-આણંદ મેમુ ટ્રેન દાહોદ પાસે જેકોટ રેલ્વે સ્ટેશન પર ઉભી હતી તે સમયે અચાનક જ મેમુ ટ્રેનના કોચમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના કારણે ટ્રેનમાં સવાર મુસાફરો અને સ્ટેશન પર ઉભેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે કોચમાં ધુમાડો જોઈને મુસાફરો તરત જ નીચે ઉતરી ગયા હોવાથી જાનહાનિ ટળી હતી અને ફાયર બ્રિગેડની ટીમે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો.

દાહોદ-આણંદ મેમુ ટ્રેનમાં આગ લાગવાના કારણે મુંબઈ-દિલ્હી વચ્ચેના ટ્રેન વ્યવહારને પણ આશરે 3 કલાક સુધી અસર પહોંચી હતી. દાહોદ-આણંદ મેમુ ટ્રેન તેના નિર્ધારિત સમયે શુક્રવારે સવારે 11:38 કલાકે આણંદ તરફ રવાના થઈ હતી. મેમુ ટ્રેન બપોરે 11:45 કલાકે દાહોદથી 10 કિમી દૂર જેકોટ રેલ્વે સ્ટેશન પહોંચી હતી ત્યારે ટ્રેનના પાછળના એન્જિસ સાથે જોડાયેલા ફર્સ્ટ ક્લાસના કોચમાં અચાનક જ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ કારણે મુસાફરો તાત્કાલિક ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા અને પછી તરત જ આગ ફાટી નીકળી હતી જેથી જાનહાનિ ટળી હતી. 

મેમુ ટ્રેનને આગળ જવા માટે ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવ્યું હોવા છતા તે આગળ ન વધી હોવાથી સ્ટેશન માસ્તર તપાસ કરવા માટે પહોંચ્યા હતા અને આગ લાગી હોવાની જાણ થતા તેમણે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ અને રતલામ કંટ્રોલ સ્ટેશનને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. સાથે જ દાહોદ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી.

સુરક્ષા માટે રેલ ઈમર્જન્સી જાહેર કરાઈ

દાહોદ-આણંદ મેમુ ટ્રેનમાં ડાઉન ટ્રેક પર આગ લાગવાની ઘટના બની હોવા છતાં રેલ્વેએ સુરક્ષાના કારણોસર બંને તરફનો રેલમાર્ગ બંધ કરી ઈમર્જન્સી જાહેર કરી હતી. એન્જિન સાથે જોડાયેલા કોચમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે અને પાછળના 2 કોચમાં આગની જ્વાળાઓ પહોંચી હતી. રેલ્વેએ આગની લપેટોમાં આવેલા 3 કોચને મેમુ ટ્રેનમાંથી છૂટા કરીને ટ્રેનને આણંદ તરફ રવાના કરી હતી અને બાદમાં દિલ્હી-મુંબઈ વચ્ચેનો રેલ્વે વ્યવહાર ફરી રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો. દાહોદ-આણંદ મેમુ ટ્રેનમાં આગ હોનારતના કારણે આણંદ-ડાકોર મેમુ ટ્રેન રદ્દ કરવી પડી હતી.