હવે નહીં સંભળાય મોટા અવાજે વાહનોના હોર્નનો અવાજ,સરકાર ડેસિબલ મર્યાદા નીચે લાવવાની તૈયારીમાં

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ વાહનોના હોર્નના ઉંચા અવાજ સામે કાર્યવાહી કરવા માટે ડેસિબલ મર્યાદા લાગુ કરવાની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, વાહનોના હોર્નના અવાજથી થતું પ્રદૂષણ ઘટાડવા માટે હોર્નના અવાજની ડેસિબલ મર્યાદાને 50 ડેસિબલથી પણ વધુ નીચે લાવવા માટેની તૈયારી ચાલી રહી છે.  હોર્નનો અવાજ કર્ણપ્રિય બનાવવા […]

Share:

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ વાહનોના હોર્નના ઉંચા અવાજ સામે કાર્યવાહી કરવા માટે ડેસિબલ મર્યાદા લાગુ કરવાની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, વાહનોના હોર્નના અવાજથી થતું પ્રદૂષણ ઘટાડવા માટે હોર્નના અવાજની ડેસિબલ મર્યાદાને 50 ડેસિબલથી પણ વધુ નીચે લાવવા માટેની તૈયારી ચાલી રહી છે. 

હોર્નનો અવાજ કર્ણપ્રિય બનાવવા પણ સૂચન

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, બિનજરૂરી રીતે મોટેથી, સતત અને વારંવાર વગાડવામાં આવતો હોર્ન એ ભારતીય માર્ગો માટે પરેશાનીનું કારણ છે. વાયુ પ્રદૂષણની સાથે જ ધ્વનિ પ્રદૂષણ પણ એક મોટી સમસ્યા છે અને નાગરિકોના આરોગ્યને તેનાથી ગંભીર જોખમ રહેલું છે. 

આ સાથે જ નીતિન ગડકરીએ વાહનોના હોર્નના અવાજની 70 ડેસિબલની મર્યાદાને 50 ડેસિબલ કરવા માટે કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમોમાં સુધારો કરવા દરખાસ્ત કરવામાં આવી હોવાની માહિતી આપી હતી. વધુમાં હોર્નનો અવાજ કર્ણપ્રિય બને અને તેના અવાજની ગુણવત્તા સુધારવા માટે અમુક ધૂન સૂચવવામાં આવે તેવી પણ શક્યતા જણાવી હતી. 

જાણો હોર્નના અવાજની વર્તમાન મહત્તમ મર્યાદા વિશે

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્તમાન નિયમોમાં ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ, કાર માટે અવાજની મહત્તમ મર્યાદા 80થી 91 ડેસિબલ નિર્ધારિત કરવામાં આવેલી છે. જ્યારે કોમર્શિયલ વાહનો માટે દિવસના સમયે 53 ડેસિબલ અને રાત્રિના સમયે 45 ડેસિબલની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. 

ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના કહેવા પ્રમાણે અઠવાડિયામાં 5 દિવસ 6થી 8 કલાક સુધી 80 ડેસિબલથી પણ ઉંચો હોર્નનો અવાજ સાંભળવાથી બહેરાશ આવી શકે છે અને માનસિક વિકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. 

નેશનલ એન્વાયર્નમેન્ટ એન્જીનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI)ના અહેવાલનો અભ્યાસ કર્યા બાદ હોર્નના ઘટાડેલા અવાજના સ્તરને નિર્ધારિત કરવા માટેની યોજના તૈયાર કરવામાં આવશે. ગડકરીના મંત્રાલયે NEERIને વિવિધ વાહનો માટે હોર્નના અવાજની મહત્તમ મર્યાદા નક્કી કરવા માટે જણાવ્યું છે અને સાથે જ હોર્નના અવાજની ધૂન માટે એક યાદી પણ આપી છે જેથી તેને કર્ણપ્રિય બનાવી શકાય.

ઉલ્લેખનીય છે કે, ભારતના અમુક વિસ્તારોમાં ટ્રક અને બસ દ્વારા ફિલ્મી ગીતોની નકલ કરતા હોર્નનો મોટો અવાજ પ્રખ્યાત છે. ભારતીય રોડ પર સાંભળવા મળતા અમુક હોર્ન 100 ડેસિબલથી પણ વધારે અવાજ કરે છે. તમામ મોટા શહેરોમાં, મેટ્રો શહેરોમાં 80-100 ડેસિબલની આસપાસ હોર્નનો અવાજ જોવા મળતો હોય છે. 

વાહનોના ઉત્પાદકોને પણ લાગુ પડશે નવો નિયમ

નીતિન ગડકરીએ પોતે હોર્નનો અવાજ કર્ણપ્રિય લાગે તે માટે ભારતીય શાસ્ત્રીય અને વાદ્યની ધૂનનો ઉપયોગ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. હોર્નની ડેસિબલ મર્યાદા નીચે લઈ જવા માટે નિયમ બનશે તેની ઓટોમોબાઈલ ક્ષેત્ર પર પણ અસર જોવા મળશે. ઉત્પાદકોએ વાહનોની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવો પડશે.