પૂર્વીય હિમાલયના પુનર્વનીકરણ માટે 1 બિલિયન ડોલર એકઠા કરવા ગ્રેટ પીપલ્સ ફોરેસ્ટની પહેલ

બલિપારા ફાઉન્ડેશને કન્ઝર્વેશન ઈન્ટરનેશનલના સહયોગથી ધ ગ્રેટ પીપલ્સ ફોરેસ્ટ ઓફ ધ ઈસ્ટર્ન હિમાલય નામના પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આ પહેલ પાછળનો મુખ્ય હેતુ પૂર્વોત્તર ભારત, ભૂટાન, બાંગ્લાદેશ અને નેપાળમાં ફેલાયેલા પૂર્વીય હિમાલયમાં એક અબજ વૃક્ષોનું વાવેતર કરીને વિશાળ 10 લાખ હેક્ટર જમીનને પુનઃસ્થાપિત કરવાનો છે અને આ સમગ્ર પ્રોજેક્ટ માટે 1 બિલિયન ડોલર એકઠા કરવાનો […]

Share:

બલિપારા ફાઉન્ડેશને કન્ઝર્વેશન ઈન્ટરનેશનલના સહયોગથી ધ ગ્રેટ પીપલ્સ ફોરેસ્ટ ઓફ ધ ઈસ્ટર્ન હિમાલય નામના પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આ પહેલ પાછળનો મુખ્ય હેતુ પૂર્વોત્તર ભારત, ભૂટાન, બાંગ્લાદેશ અને નેપાળમાં ફેલાયેલા પૂર્વીય હિમાલયમાં એક અબજ વૃક્ષોનું વાવેતર કરીને વિશાળ 10 લાખ હેક્ટર જમીનને પુનઃસ્થાપિત કરવાનો છે અને આ સમગ્ર પ્રોજેક્ટ માટે 1 બિલિયન ડોલર એકઠા કરવાનો છે. 

હિમાલયના પુનર્વનીકરણથી તેને ફરી હર્યું-ભર્યું બનાવવા પ્રયત્ન

આ વખતે ભારતની અધ્યક્ષતામાં G20 સમિટ યોજાવા જઈ રહી છે જેની થીમ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ છે અને પૂર્વીય હિમાલયના પુનર્વનીકરણ માટેના આ પ્રોજેક્ટના લોન્ચિંગ પ્રસંગે G20 શેરપા અમિતાભ કાંત અને પર્યાવરણ મંત્રાલયના સચિવ લીના નંદન હાજર રહ્યા હતા. 

બલિપારા ફાઉન્ડેશનના પ્રમુખે આ પ્રોજેક્ટ અંગે વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે, “આ ઐતિહાસિક પહેલ પૂર્વીય હિમાલય અને તેના પર સીધો આધાર ધરાવતા 1 અબજ લોકોને આંતરરાષ્ટ્રીય સંરક્ષણ એજન્ડા પર લાવવાનું કામ કરશે. ધ ગ્રેટ પીપલ્સ ફોરેસ્ટ એ આપણે જેને ઘર કહીએ છીએ તેવા પ્રદેશને બચાવવા માટેની અમારી ચળવળ છે. ભારતની G20ની અધ્યક્ષતાએ અમને આ મહત્વાકાંક્ષી, સર્જનાત્મક પહેલને ઘડવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને અમે આ પ્રદેશની જમીન અને પાણી પર આધાર રાખતા અબજો લોકોનું જીવન વધુ શ્રેષ્ઠ બનાવવાની આશા રાખીએ છીએ.”

દર વર્ષે 1 લાખ હેક્ટર જમીન પરના વૃક્ષોનો સફાયો

નોંધનીય છે કે, પૂર્વીય હિમાલયનો વિસ્તાર એ ખૂબ જ મહત્વની ઈકોસિસ્ટમ છે જે વિવિધ લેન્ડસ્કેપમાં ફેલાયેલી છે. આ પ્રદેશમાંથી ગંગા અને બ્રહ્મપુત્રા નામની 2 અગત્યની નદીઓ નીકળે છે અને ધરતી પરની જૈવવિવિધતાનો 12મો હિસ્સો આ ક્ષેત્ર ધરાવે છે. આટલું મહત્વ ધરાવતા આ ક્ષેત્રમાંથી દર વર્ષે 1 લાખ હેક્ટર જમીન પરના વૃક્ષોનો સફાયો થઈ રહ્યો છે માટે આ મામલે વૈશ્વિક જાગૃતિ વ્યાપે તે ખૂબ જરૂરી છે.

પૂર્વીય હિમાલયની જૈવ વિવિધતા 7.5 લાખ વર્ગ કિમી ક્ષેત્રમાં ફેલાયેલી છે. પૂર્વીય હિમાલય વિસ્તાર વનસ્પતિની આશરે 10 હજાર પ્રજાતિ, સ્તનધારી જીવોની 300 પ્રજાતિ, પક્ષીઓની 997 પ્રજાતિ, સરીસૃપોની 176 પ્રજાતિ, ઉભયચરોની 105 પ્રજાતિ અને માછલીઓની 269 પ્રજાતિઓનું ઘર છે.

વિશ્વના 34 જૈવ વિવિધતા હોટ સ્પોટ પૈકીના 4 હિમાલયમાં આવેલા છે. એક તરફ હિમાલય સંજીવની જડીબુટ્ટી સહિતની અનેક ઔષધિઓનું કેન્દ્ર છે જે વિશ્વમાં અન્ય કોઈ સ્થળે નથી ઉગતી. આ સાથે જ હિમાલયના ભૂગર્ભમાં દુર્લભ ખનીજ તત્વોનો ભંડાર છે. વન સંપત્તિ, વન્ય જીવ સંપત્તિ, ગ્લેશિયર વગેરેનું આવું સમન્વય વિશ્વમાં અન્ય કોઈ સ્થળે નથી.