ગુજરાત સરકારનો નિર્ણય: જાહેર ક્ષેત્રની કંપનીઓએ વધુ ડિવિડન્ડ અને બોનસ ચૂકવવા પડશે

બિઝનેસ ક્ષેત્રમાં એક અગત્યની જાહેરાત તરીકે ગુજરાત સરકાર દ્વારા કેટલાક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે પોતાની PSU કંપનીઓનાં  લઘુતમ ડિવિડન્ડ અને બોનસ શેર બાયબેક અને વિભાજન stock split અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં રાજ્યની જાહેર ક્ષેત્રની કંપનીઓએ તેમના કર બાદનાં  નફાના ઓછામાં ઓછા 30 ટકા અથવા તેની નેટવર્થના 5  ટકા આ  […]

Share:

બિઝનેસ ક્ષેત્રમાં એક અગત્યની જાહેરાત તરીકે ગુજરાત સરકાર દ્વારા કેટલાક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે પોતાની PSU કંપનીઓનાં  લઘુતમ ડિવિડન્ડ અને બોનસ શેર બાયબેક અને વિભાજન stock split અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં રાજ્યની જાહેર ક્ષેત્રની કંપનીઓએ તેમના કર બાદનાં  નફાના ઓછામાં ઓછા 30 ટકા અથવા તેની નેટવર્થના 5  ટકા આ  બેમાંથી જે વધુ હોય તેટલું ડિવિડન્ડ ઓછામાં ઓછું આપવું જરૂરી બનાવ્યું છે. આ નવો નિયમ ઓછામાં ઓછા રૂ. 2,000 કરોડની નેટવર્થ અને રૂ. 1,000 કરોડની રોકડ અને બેન્ક બેલેન્સ ધરાવતા રાજ્યની જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે જરૂરી રહેશે.

ગુજરાતની જે સ્ટેટ પીએસયુ કંપની પાસે રિઝર્વ અને સરપ્લસ તેમના પેઇડ અપ ઇક્વિટી શેરના કેપિટલના 10 ગણા જેટલા અથવા તેનાથી વધારે છે. તેમણે શેર હોલ્ડર્સને બોનસ શેર આપવા પડશે. જ્યારે સરકારે સ્ટોક સ્પ્લિટને લઈને નવા નિયમ બનાવ્યા છે. જે મુજબ કોઈપણ સ્ટેટ પીએસયુના શેરોની બજાર કિંમત અથવા બુક વેલ્યુ તેનીકિંમતના 50 ગણા કરતાં વધી જાય તો તે શેરને સ્પ્લિટ કરવા પડશે. જોકે શેરની ફેસ વેલ્યુ એક રુપિયાથી વધુ હોય તો જ સ્ટોક સ્પ્લિટનો આ નિયમ લાગુ પડશે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકાર હસ્તકની PSUs કંપનીઓ માટે ડિવિડન્ડ અને બોનસ શેર વિતરણને લઈને નવી નીતિ જાહેર કરવામાં તેની સકારાત્મક અસર શેર બજારમાં જોવા મળી હતી. આ નિર્ણયને લોકોને ઘણો સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.  ગુજરાતમાં સરકારી માલિકીના જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા ઉચ્ચ ડિવિડન્ડ અંગેની નવી નીતિની જાહેરાત આ કંપનીઓ માટે વરદાનરૂપ સાબિત થઈ કારણ કે તેમના શેરોએ બજારમાં ભારે તેજી નોંધાવી છે. 

ગુજરાતની કુલ 63 જાહેર ક્ષેત્રની કંપનીમાંથી  7 કંપનીઓ ભારતીય શેરબજારમાં લિસ્ટેડ છે. આ સાત લિસ્ટેડ સરકારી માલિકીની કંપનીઓએ માત્ર એક જ દિવસમાં આશરે રૂ. 5,000 કરોડની માર્કેટ કેપિટલમાં કુલ વધારો જોયો હતો. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો શેર 19.98 ટકા વધીને 159.75 રૂપિયા પહોંચ્યો હતો. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ નો શેર 8.74 ટકા વધીને રૂ. 577.35 થયો હતો. તે ઇન્ટ્રા-ડેમાં રૂ. 580.80 પર પહોંચી ગયો હતો. ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સનો શેર 13.61 ટકા વધીને રૂ. 711.65 થયો હતો અને ઇન્ટ્રા-ડેમાં રૂ. 718.15ને સ્પર્શ્યો હતો.આજે ઈન્ટ્રા ડે ટ્રેડ દરમિયાન બીએસઈ પર ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવરનો શેર 17 ટકા વધીને 89 સુધી પહોંચી ગયો હતો. જ્યારે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC) અને ગુજરાત આલ્કલીઝનો શેર 10 ટકા કરતા વધારે વધ્યો હતો.