નવા વાયરસને હરાવવા ગુજરાત સરકાર સજ્જ

કોરોનાની ઘાતક બીજી લહેર હજુ પણ લોકો ભૂલી શક્યા નથી તેવામાં હવે ગુજરાતમાં કોરોના બાદ H3N2 નામના નવા વાયરસથી હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. સમગ્ર રાજ્યમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને ગળામાં બળતરા થાય તેવાં લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી […]

Share:

કોરોનાની ઘાતક બીજી લહેર હજુ પણ લોકો ભૂલી શક્યા નથી તેવામાં હવે ગુજરાતમાં કોરોના બાદ H3N2 નામના નવા વાયરસથી હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. સમગ્ર રાજ્યમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને ગળામાં બળતરા થાય તેવાં લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના ડૉકટર્સે H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ વિશે સાવચેત રહેવા અનુરોઘ્ધ કરે છે અને વધુમાં જણાવે છે કે, આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો. વૃદ્ધો અને પહેલાથી જ કોઈપણ રોગથી પીડિત લોકોને આ રોગથી વધુ સમસ્યાઓ થઈ શકે છે.

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં  H3N2ને કારણે એકપણ મૃત્યુ નોંધાયા નથી અને આરોગ્ય વહીવટીતંત્ર ભવિષ્યમાં ઊભી થનારી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર અને સજ્જ છે. વડોદરામાં ફલૂ જેવા લક્ષણોને કારણે મૃત્યુ પામેલી ૫૫ વર્ષીય મહિલાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તે “કોમોર્બિડ” ની દર્દી હતી અને તેઓ બે કે તેથી વધુ બિમારીઓથી પીડાતી હતી. મહિલાની સારવાર થોડી મોડી શરૂ થઈ હતી જેને કારણે તેનું મૃત્યુ થયું હતું. H3N2 ને કોરોના વાયરસ સાથે સરખાવવાની જરૂર નથી. આ વાયરલ ચેપની સારવાર દેશમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી ઉપલબ્ધ છે. ‘ગુજરાત એપિડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ’ મુજબ, H3N2 નાં 3 કેસ મળ્યા છે અને 77 કેસ H1N1 ના મળ્યા છે. H3N2 ના વાયરસના સંક્રમણના કારણે ગુજરાતમા એકપણ મૃત્યુ થયું નથી. જે મૃત્યું થયું છે તે H1N1 ના કારણે થયું છે. તમામ સિઝનલ ફ્લુ કેસોની નામ સાથેની વિગતવાર દૈનિક ધોરણે GERMIS Portal ના માધ્યમથી મોનીટરીંગ કરવામાં આવે છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વધુમાં જણાવે છે કે,” રાજ્યમાં ઇન્ફ્લુએન્ઝાની સારવારમાં અસરકારક ઓસેલ્ટામાવીર (75 મી.ગ્રા., 30 મી.ગ્રા., 45 મી.ગ્રા અને બાળકો માટેની સીરપ) નો કુલ 2,74,400 જેટલો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે.”

જ્યારે પણ H3N2 ના લક્ષણો જણાય ત્યારે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે દવા મેળવવી તેમજ સિઝનલ ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓને મહત્તમ પ્રવાહી ખોરાકનો ઉપયોગ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્ક પહેરવા, તકેદારી રાખવી અને  શરદી, ખાંસી, તાવના લક્ષણો જણાય એટલે તરત જ ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.