વિધાનસભા ગૃહમાં રજૂ થયું ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ, જાણો આ બિલ વિશે

રાજ્યની 15મી વિધાનસભાના ત્રીજા સત્રના ચોથા અને અંતિમ દિવસે સરકારે ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ રજૂ કર્યું હતું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ પસાર થતાની સાથે જ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે આવશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલમાં યુનિવર્સિટીઓની સત્તા, ભરતી […]

Share:

રાજ્યની 15મી વિધાનસભાના ત્રીજા સત્રના ચોથા અને અંતિમ દિવસે સરકારે ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ રજૂ કર્યું હતું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ પસાર થતાની સાથે જ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે આવશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલમાં યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહીતની બાબતોના નિયમો આવરી લેવાયા છે.

કોંગ્રેસ દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલનો વિરોધ

નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત રાજ્ય સરકારે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ- 2023નો ડ્રાફટ જાહેર કરીને 12મી ઓગસ્ટ સુધીમાં સૂચનો આપવા જણાવ્યું હતું. અગાઉ 4 વખત આ બિલ વિધાનસભામાં નામંજૂર થઈ ચુક્યુ છે. ત્યારે ફરી એકવાર સરકારે વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ રજૂ કર્યું છે. કોંગ્રેસ દ્વારા પહેલેથી જ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલના વિરોધમાં જોડાયા છે.

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ પસાર થયા બાદ વિદ્યાર્થીઓ ચાલુ અભ્યાસક્રમે યુનિવર્સિટી બદલી શકશે. વડોદરાની સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં રાજમાતા સુભાંગીની ગાયકવાડ ચાન્સેલર રહેશે, બાકીની 10 યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલ રહેશે.

આ બિલ બાદ યુનિવર્સિટી નવા અધ્યાપકોની જગ્યા મંજૂરી વગર ઉભી નહીં કરી શકે

આ બિલ બાદ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વિના યુનિવર્સિટીઓ અધ્યાપકો, અધિકારીઓ કે પછી અન્ય કર્મચારીઓની નવી જગ્યાઓ ઊભી નહીં કરી શકે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલમાં રાજ્ય સરકારે ભરતી બાબતની પણ ખાસ જોગવાઈ કરી છે. ઉપરાંત અધ્યાપકો, અધિકારીઓ અને અન્ય કર્મચારીઓના પગાર ભથ્થા, નિવૃત્તિ પછીના લાભો અને અન્ય લાભોમાં સુધારો નહીં કરી શકાય. સાથે જ પ્રાપ્ત થયેલ કોઈ નિર્ધારિત ભંડોળને પણ નહીં વાપરી શકાય. યુનિવર્સિટી સ્થાવર મિલકતના વેચાણ અથવા તો ભાડાની તબદીલી પણ નહીં કરી શકે. આમ તમામ સત્તા સરકારની થઈ જશે અને સરકારની પૂર્વ મંજૂરી વિના કંઈ પણ નહીં કરી શકાય.

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલમાં યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રધ્યાપકો ખાનગી ટ્યુશન કે ક્લાસીસ ન ચલાવી શકે તેવી જોગવાઈ છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટની અમલવારીથી મોટા ફેરફારો થશે. કુલપતિની ટર્મ હવેથી 3ના બદલે 5 વર્ષની રહેશે. એક યુનિવર્સિટીમાં કુલપતિ રહી ચુકેલી વ્યક્તિને બીજી વખત કુલપતિ નહીં બનાવવામાં આવે. યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના રાજકારણનો અંત આવશે. યુનિવર્સિટીઓમાં હવેથી સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણીઓ નહીં થાય. જોકે મેનેજમેન્ટ ઓથોરિટીમાં વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવશે.

કોમન યુનિવર્સિટી બિલમાં કુલપતિની નિમણૂક, પ્રધ્યાપકો, કર્મચારીઓની બદલી માટે પણ વિશેષ નિયમો આવરી લેવાયા છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ સામે અધ્યાપકોના વિરોધ પાછળનું મુખ્ય કારણ યુનિવર્સિટીની સ્વાયત્તતાનો અંત આવશે, વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના પ્રતિનિધિત્વ અને ભાગીદારીનો અંત આવશે વગેરે છે.