ગુજરાતના માણાવદરની બે દીકરીઓ પણ છે ઈઝરાયલની સેનામાં, હાથમાં બંદૂક લઈને ભણાવી રહી છે હમાસને પાઠ

ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન વચ્ચે શનિવારથી ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના આ યુદ્ધમાં ગુજરાતી મૂળની બે મહિલાઓ પણ ચર્ચામાં આવી છે. મૂળે ગુજરાતની આ દીકરીઓ ઈઝરાયલની સેનામાં રહીને હાથમાં બંદૂક લઈ હમાસને પાઠ ભણાવવા સેવા આપી રહી છે.  માણાવદરની દીકરીઓ ઈઝરાયલની સૈનાનું […]

Share:

ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન વચ્ચે શનિવારથી ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના આ યુદ્ધમાં ગુજરાતી મૂળની બે મહિલાઓ પણ ચર્ચામાં આવી છે. મૂળે ગુજરાતની આ દીકરીઓ ઈઝરાયલની સેનામાં રહીને હાથમાં બંદૂક લઈ હમાસને પાઠ ભણાવવા સેવા આપી રહી છે. 

માણાવદરની દીકરીઓ ઈઝરાયલની સૈનાનું ગૌરવ

ઈઝરાયલની સેનામાં તૈનાત આ બંને ગરવી ગુજરાતણોના પિતા જીવાભાઈ મુળિયાસીયા અને સવદાસભાઈ મુળિયાસીયા જૂનાગઢના માણાવદર તાલુકામાં આવેલા કોઠડી ગામના વતની છે. તેઓ અનેક વર્ષોથી ઈઝરાયલમાં સ્થાયી થઈ ગયા છે અને ત્યાંની નાગરિકતા ધરાવે છે. 

જીવાભાઈ અને સવદાસભાઈ અનેક વર્ષોથી ઈઝરાયલમાં જ ઠરીઠામ થયેલા છે અને તેમની દીકરીઓ ઈઝરાયલની સેનામાં તૈનાત છે. આ બંને દીકરીઓ ઈઝરાયલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ પોતાની ફરજ બજાવી રહી છે. ઈઝરાયલની સેનામાં તૈનાત બંને ગરવી ગુજરાતણો મૂળે પિતરાઈ બહેનો છે.

ગુજરાતની દીકરીઓ 2 વર્ષ પહેલાં સેનામાં જોડાઈ

ઈઝરાયલની સેનામાં તૈનાત નિત્શાના પિતા જીવાભાઈ મુળિયાસીયાએ જણાવ્યું હતું કે, નિત્શા ઈઝરાયલની ફરજિયાત લશ્કરણી સેવા પ્રણાલીના ભાગરૂપે 2 વર્ષ પહેલા IDFમાં (ઈઝરાયલ ડીફેન્સ ફોર્સ) જોડાઈ હતી. ઈઝરાયલમાં 18 વર્ષથી વધારે ઉંમરના તમામ નાગરિકો માટે સેનામાં સેવા આપવી ફરજિયાત છે. આ ઉપરાંત જીવાભાઈએ ઈઝરાયલની શિક્ષણ પ્રણાલી બાળકોમાં નેતૃત્વના ગુણોને ઉત્તેજન આપતી હોવાની પણ માહિતી આપી હતી. 

જીવાભાઈએ ઈઝરાયલની સેનામાં સેવા આપી રહેલી પોતાની દીકરી નિત્શા અંગે વિશે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, “મારી પુત્રી છેલ્લા 2 વર્ષથી લેબનોન, સીરિયા, જોર્ડન અને ઈજિપ્તની સરહદે તૈનાત છે. હાલમાં નિત્શા ઈઝરાયલની સેના જ્યાંથી ગાઝામાં હમાસ પર હુમલો કરી રહી છે તે ગુશ ડેન યુદ્ધ મેદાન પર તૈનાત છે.”

આશરે 1,200 લોકોની વસ્તી ધરાવતા કોઠડી ગામના ભરતભાઈ મુળિયાસીયાના કહેવા પ્રમાણે તેમના બે કાકાઓ જીવાભાઈ અને સવદાસભાઈ મુળિયાસીયા 1989માં અને 1996માં ઈઝરાયલ ગયા હતા અને ઈઝરાયલનું નાગરિકત્વ મેળવ્યું હતું. તે બંનેની એક-એક દીકરી ઈઝરાયલની સેનામાં સેવા આપી રહી છે. ઈઝરાયલમાં જ્યારે મિસાઈલ એલર્ટ સાયરન વાગે એટલે તરત લોકો પોતાના ઘરોમાં સ્થિત બંકરોમાં આશ્રય લે છે ત્યારે ગુજરાતની બે દીકરીઓ બહાદુરીથી પોતાની ફરજ નિભાવી રહી છે. 

કોઠડી ગામના અનેક લોકોનું ઈઝરાયલ કનેક્શન

કોઠડી ગામના અનેક લોકો 30-35 વર્ષથી ઈઝરાયલમાં નોકરી કરે છે. જીવાભાઈનો પરિવાર તેલ અવીવમાં રહે છે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિબેને પોતાના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન જીવાભાઈના ઘરે પરિવાર સાથે ભોજન લીધું હતું તેવું પણ જાણવા મળ્યું છે. 

ઈઝરાયલમાં ખૂબ નોંધપાત્ર કહી શકાય તેટલી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે જે વેપાર, શિક્ષણ અને રોજગાર જેવા વિવિધ કારણોસર ત્યાં વસવાટ કરી રહ્યા છે. ઈઝરાયલમાં સ્ત્રીઓ અને પુરૂષો માટે ઓછામાં ઓછા 24થી 32 મહિના IDFમાં સેવા આપવી ફરજિયાત છે.