ગુજરાતમાં હજી 2 દિવસ વરસાદ રહેશેઃ આજે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં થશે મેઘ મહેર

મેઘરાજાએ લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી એક વખત એન્ટ્રી કરી છે અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ધમધોકાર રેલમછેલ કરી છે. જ્યારે ભરૂચ જિલ્લામાં તો અંકલેશ્વર આખુ જળબંબાકાર થઈ ગયું છે.  છેલ્લા કેટલાક દિવસથી દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે મંગળવારના રોજ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં […]

Share:

મેઘરાજાએ લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી એક વખત એન્ટ્રી કરી છે અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ધમધોકાર રેલમછેલ કરી છે. જ્યારે ભરૂચ જિલ્લામાં તો અંકલેશ્વર આખુ જળબંબાકાર થઈ ગયું છે. 

છેલ્લા કેટલાક દિવસથી દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે મંગળવારના રોજ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત દિલ્હીવાસીઓને પણ ગરમીથી રાહત મળે તેવી શક્યતા છે. 20મી સપ્ટેમ્બરના રોજ પૂર્વીય ભારતમાં ફરી એક વખત ભારે વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે.
 

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 248 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. 

ગુજરાતમાં હજી આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી વરસાદની આગાહી છે. મંગળવારે કચ્છ, પાટણ, મોરબીમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, ભરૂચ અને આણંદમાં પણ મેઘ મહેર જોવા મળી શકે છે. તે સિવાય સુરત, ભાવનગર, જૂનાગઢમાં તથા પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે.


દિલ્હી પ્રાદેશિક હવામાન કેન્દ્રએ આગામી 20 સપ્ટેમ્બર સુધી દિલ્હી નેશનલ કેપિટલ રિજન (NCR)ના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. 18મી સપ્ટેમ્બરના રોજ દિલ્હી NCRના વિવિધ ભાગોમાં છૂટાછવાયા હળવા વરસાદ અને ઝરમર વરસાદની શક્યતા સાથે મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે.

રવિવારે ગુજરાતના અસંખ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું હતું અને કેટલાક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. ગુજરાતમાં નર્મદા સહિતની અન્ય નદીઓ પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે વહી રહી છે જેથી 9,600 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને 5 જિલ્લાના 207 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

IMD એ પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. જેમાં મંગળવાર સવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 21મી સપ્ટેમ્બર સુધી દેશના વિવિધ પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં એક તરફ વરસાદી મુસીબત ચાલી રહી છે ત્યારે સાથે જ વધુ એક કુદરતી આફતનો અનુભવ થયો છે. સોમવારે દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સોમવારે રાત્રે 11:58 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉકાઈથી 51 કિમી દૂર હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

એકતરફ નર્મદા જીલ્લામાં નર્મદા નદીમાં આવેલા નિરના કારણે આફત સર્જાઈ છે. નર્મદા જિલ્લામાં અનેક ઈમારતો બે માળ સુધી ડૂબી ગઈ છે, તો બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસી રહેલો સામાન્ય વરસાદ ખેડૂતો માટે આશિર્વાદ સમાન બન્યો છે. આ વરસાદના કારણે ખેતરમાં ઉભેલા પાકોમાં નવા પ્રાણ પૂરાયા છે. તો મહાનગરોમાં વરસેલા વરસાદે લોકોને ગરમીથી રાહત આપી છે.