હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર, અનેક બહુમાળી ઈમારતો અચાનક ધસી પડતાં લોકો જીવ બચાવવા ભાગ્યા

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભારે તબાહીનો માહોલ છે. આ બધા વચ્ચે ગુરૂવારે હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં એક સાથે 8 જેટલી બહુમાળી ઈમારતો વરસાદમાં પત્તાના મહેલની માફક ધસી પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ વીડિયોમાં વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે નાસી રહેલા જણાય છે.  દુર્ઘટનાનો ભોગ બનેલી ઈમારતોને 3 દિવસ […]

Share:

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભારે તબાહીનો માહોલ છે. આ બધા વચ્ચે ગુરૂવારે હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં એક સાથે 8 જેટલી બહુમાળી ઈમારતો વરસાદમાં પત્તાના મહેલની માફક ધસી પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ વીડિયોમાં વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે નાસી રહેલા જણાય છે. 

દુર્ઘટનાનો ભોગ બનેલી ઈમારતોને 3 દિવસ પહેલા ખાલી કરાવાઈ હતી

આ ભયંકર ભૂસ્ખલનની ઘટના બની તે સમયે ત્યાં અનેક લોકો ઉપસ્થિત હતા અને સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો. કુલ્લૂના અન્ની ગામમાં બનેલી દુર્ઘટનામાં 8 જેટલી બહુમાળીય ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. સદનસીબે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવ્યા પરંતુ અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક કરતાં પણ વધારે સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે. અન્ની ગામમાં ભૂસ્ખલન દરમિયાન જમીનદોસ્ત થયેલી ઈમારતોમાં ભારે વરસાદના કારણે તિરાડો પડી ગઈ હતી. આ કારણે જોખમને ધ્યાનમાં રાખીને 3 દિવસ પહેલા જ તેને ખાલી કરવામાં આવી હતી. તે સિવાય પણ અન્ય કેટલીય ઈમારતો જમીનદોસ્ત થવાનું જોખમ રહેલું છે. 

ભારે વરસાદને લઈ હિમાચલમાં રેડ એલર્ટ

દુર્ઘટનાગ્રસ્ત બની તે ઈમારતો પહાડોના ઢોળાવો પર આવેલી હોવાથી ઈમારતોના સામે સાંકડા રોડ બાદ નીચાણવાળો ભાગ શરૂ થઈ જતો હોવાથી લોકો માટે ત્યાંથી દૂર ભાગવું પણ મુશ્કેલ બની ગયું હતું. ભૂસ્ખલન થયું એટલે ત્યાં હાજર લોકો ત્યાં પાર્ક કરવામાં આવેલી અનેક બસો વચ્ચેથી રસ્તો કરીને નીચાણવાળા ભાગોમાં કૂદી પડ્યા હતા. 

ભારતીય હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી રેડ એલર્ટ બહાર પાડ્યું છે. 

હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ત્યાંના સ્થાનિકો ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ બાદ કુલ્લૂ-મંડી રાજમાર્ગ પર સેંકડો વાહનો ફસાયા છે. છેલ્લા 24 કલાકથી અનેક જિલ્લાઓમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે 11 લોકોના મોત થયા છે. સાથે જ હવામાન વિભાગે 25 ઓગષ્ટ સુધી એલર્ટ જાહેર કર્યું છે.

હિમાચલ પ્રદેશમાં ભારે તબાહી

સંવેદનશીલ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા અને પૂરના લીધે ભારે તબાહી થઈ છે. રાજ્ય સરકારે પહેલા સમગ્ર રાજ્યને પ્રાકૃતિક હોનારત પ્રભાવિત ક્ષેત્ર જાહેર કર્યું હતું અને નુકસાનની આકરણી સહિત પ્રભાવિત લોકોને રાહત પ્રદાન કરવા કામગીરી હાથ ધરી હતી. આ ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે કુલ 709 રસ્તાઓ બંધ થઈ ગયા છે.