વડોદરામાં નશામાં ધૂત મહિલાનો હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસકર્મીને થપ્પડો મારી અપશબ્દોનો મારો ચલાવ્યો

ગુજરાતની સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં નશામાં ધૂત મહિલાએ શહેરમાં ભારે ઉત્પાત મચાવ્યો હતો અને પોલીસને થપ્પડો મારવાની સાથે અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. બાદમાં પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં અને પોલીસ કર્મચારીઓ સાથે મારપીટ કરી સરકારી કામમાં દખલ કરવાના આરોપસર નશામાં ધૂત મહિલાની અટકાયત કરી છે અને તેના સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.  નશામાં ધૂત […]

Share:

ગુજરાતની સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં નશામાં ધૂત મહિલાએ શહેરમાં ભારે ઉત્પાત મચાવ્યો હતો અને પોલીસને થપ્પડો મારવાની સાથે અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. બાદમાં પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં અને પોલીસ કર્મચારીઓ સાથે મારપીટ કરી સરકારી કામમાં દખલ કરવાના આરોપસર નશામાં ધૂત મહિલાની અટકાયત કરી છે અને તેના સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

નશામાં ધૂત મહિલાએ અકસ્માત કર્યો

શનિવારે રાત્રિના સમયે વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં નશામાં ધૂત મહિલાએ પોતાની કાર વડે અન્ય કારને હડફેટમાં લીધી હતી. અકસ્માત બાદ તેણે સામેની કારના માલિક સાથે અણછાજતું વર્તન કરીને અપશબ્દોનો મારો ચલાવ્યો હતો જેથી હાઈવોલ્ટેજ ડ્રામા થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી. 

નશામાં ધૂત મહિલાએ પોલીસને થપ્પડો મારી

ગોકુલ પાર્ટી પ્લોટ પાસે ઉમંગ સોસાયટીના નાકે શનિવારે દારૂના નશામાં ધૂત મહિલાએ ભારે હંગામો કર્યો હતો. કાર ચાલક મહિલાએ પહેલા અન્ય કાર સાથે અકસ્માત કર્યો હતો અને પછી અપશબ્દોનો મારો ચલાવીને તમાશો કર્યો હતો. આ કારણે પોલીસ ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને નશામાં ધૂત મહિલાને કારમાંથી બહાર આવવા માટે જણાવ્યું હતું.

જોકે નશામાં ધૂત મહિલાને પોતે શું કરી રહી છે તેનું ભાન જ નહોતું અને તેણે પોલીસને પણ થપ્પડો મારીને ગંદા ઈશારાઓ કરી અપશબ્દો કહ્યા હતા. ઘટના સ્થળે હાજર લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

પોલીસ પાસેથી પોતાનો ફોન પાછો મેળવવા માટે નશામાં ધૂત મહિલા વારંવાર પોલીસ સાથે ઝપાઝપી કરતી રહે છે. પોલીસ સતત તેને પોતાને સ્પર્શ ન કરવા અને દૂરથી વાત કરવા કહેતી રહી હતી પરંતુ મહિલાએ નશામાં મદહોશ થઈને પોલીસ સાથે પણ અણછાજતું વર્તન કર્યું હતું. 

મહિલાએ દારૂ પાર્ટી ક્યાં કરી તેની તપાસ ચાલુ

ભારે જહેમત બાદ તે મહિલાને જીપમાં બેસાડીને પોલીસ પોતાના સાથે લઈ ગઈ હતી. પોલીસે નશાની હાલતમાં શહેર માથે લેનારી મહિલા મોના હિંગુ ક્યાંથી પાર્ટી કરીને આવી હતી તે દિશામાં પણ તપાસ આરંભી છે. સાથે જ મોના હિંગુ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સિવાય પોલીસકર્મી અને હોમગાર્ડ જવાન સાથે ગેરવર્તણૂક કરી પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી કરવા બદલ અલગથી ફરિયાદ દાખલ કરી છે. 

એક અહેવાલ પ્રમાણે મોના હિંગુ એક બર્થ ડે પાર્ટીમાંથી પરત આવી રહી હતી અને તેણે ત્યાં દારૂ પીધો હતો. પોલીસે હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે પરંતુ સોશિયલ મીડિયામાં ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલનારો આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.