હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે વાયુસેનાને પ્રથમ LCA તેજસ ટ્વિન સીટર વિમાનની સોંપણી કરી

હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ બુધવારના રોજ ભારતીય વાયુસેનાને પ્રથમ (LCA) એલસીએ તેજસ ટ્વિન સીટર વિમાનની સોંપણી કરી હતી. બેંગલુરૂ ખાતે હેડક્વાર્ટર ધરાવતી હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના કહેવા પ્રમાણે એલસીએ તેજસ ટ્વિન સીટર વેરિએન્ટમાં ભારતીય વાયુસેનાની પ્રશિક્ષણ આવશ્યકતાઓ પૂરી કરવાની તમામ ક્ષમતાઓ છે અને જરૂર પડે તે ફાઈટર પ્લેનની ભૂમિકા પણ ભજવે છે.  એલસીએ તેજસ ટ્વિન સીટર […]

Share:

હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ બુધવારના રોજ ભારતીય વાયુસેનાને પ્રથમ (LCA) એલસીએ તેજસ ટ્વિન સીટર વિમાનની સોંપણી કરી હતી. બેંગલુરૂ ખાતે હેડક્વાર્ટર ધરાવતી હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના કહેવા પ્રમાણે એલસીએ તેજસ ટ્વિન સીટર વેરિએન્ટમાં ભારતીય વાયુસેનાની પ્રશિક્ષણ આવશ્યકતાઓ પૂરી કરવાની તમામ ક્ષમતાઓ છે અને જરૂર પડે તે ફાઈટર પ્લેનની ભૂમિકા પણ ભજવે છે. 

એલસીએ તેજસ ટ્વિન સીટર એક હળવા વજનનું વિમાન છે અને તેને દરેક સિઝનમાં કામ કરી શકે તેવી વિશેષ પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા પ્રથમ એલસીએ તેજસ ટ્વિન સીટર વિમાન સમર્પિત કરવામાં આવ્યું તે પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. 

ઉપરાંત હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ભારતીય વાયુસેના વધુ 97 તેજસની ખરીદી કરશે તેમ પણ જણાવ્યું હતું. આ નવા ઓર્ડરથી ડિફેન્સ સેક્ટરમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન મળશે અને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને પણ લાભ થશે. હાલ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસે કુલ 18 એલસીએ તેજસ ટ્વિન સીટરનો ઓર્ડર છે જેમાંથી પ્રથમની સોંપણી કરી દેવાઈ છે. 

કંપની ઓર્ડરમાં સામેલ 8 વિમાનોને 2023-24માં વાયુસેનાને સોંપવા ઈચ્છે છે જ્યારે બાકીના 10 વિમાનો 2026થી 2027 દરમિયાન સોંપી દેવામાં આવશે. 

એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ આને ગર્વની ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “પ્રથમ ટુ સીટર એલસીએ એરક્રાફ્ટનો સ્વીકાર કરવો એ મારા માટે યાદગાર દિવસ અને ગર્વની વાત છે. આ દિવસ ઈતિહાસમાં નોંધાશે જે ભારતના ડોમેસ્ટિક એવિએશન ઈન્ડસ્ટ્રીની શક્તિનું ઉદાહરણ છે.”

હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આનાથી ભારત એવા ગણતરીના દેશોની યાદીમાં સામેલ થયું છે જેમના પાસે સફળતાપૂર્વક આવી કાબેલિયત સર્જવાની અને તેને તૈનાત કરવાની ક્ષમતા છે. રાજ્ય સંરક્ષણ મંત્રી અજય ભટ્ટે તે દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. 

પાયલટ્સને ખાસ ટ્રેઈનિંગ

હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના કહેવા પ્રમાણે આ વર્ઝનને એડવાન્સ બનાવવા માટે ઘણાં લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું. આ અત્યાધુનિક ટેક્નોલોજી સાથેનું એવું વિમાન છે જે જરૂરતના સમયે ફાઈટર વિમાન તરીકે પણ સેવા આપી શકે છે. આ માટે પાયલોટ્સને વિશેષ ટ્રેઈનિંગ આપવાની વાત પણ ચાલી રહી છે. જે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટી ઉપલબ્ધિ કહી શકાય. 

હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસે 18 ઓર્ડર

ભારતીય વાયુસેનાએ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને 18 ટ્વિન સીટરનો ઓર્ડર આપેલો છે. આ સાથે જ કંપનીએ વાયુસેના વધુ ઓર્ડર આપશે તેવી પણ આશા વ્યક્ત કરી છે. લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ ટ્વીન સીટર એક ઓછા વજનનું અને દરેક મોસમમાં તૈનાત થઈ શકે તેવું 4.5 જનરેશનનું વિમાન છે.