પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તો ચોક્કસથી જીતશેઃ પ્રિયંકા ચતુર્વેદીનો દાવો

શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીને લઈને એક આશ્ચર્યજનક દાવો કર્યો હતો. પ્રિયંકા ચતુર્વેદીના કહેવા પ્રમાણે તેમને વિશ્વાસ છે કે, જો આગામી લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી લડશે તો ચોક્કસથી વિજેતા બનશે.  શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા અને સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શનિવારના રોજ જણાવ્યું હતું કે, જો પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી […]

Share:

શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીને લઈને એક આશ્ચર્યજનક દાવો કર્યો હતો. પ્રિયંકા ચતુર્વેદીના કહેવા પ્રમાણે તેમને વિશ્વાસ છે કે, જો આગામી લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી લડશે તો ચોક્કસથી વિજેતા બનશે. 

શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા અને સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શનિવારના રોજ જણાવ્યું હતું કે, જો પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાનું નક્કી કરશે તો વિપક્ષી ગઠબંધન તેમને સમર્થન આપશે. આ સાથે જ તેમણે પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી ચૂંટણીમાં વિજેતા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવાનું નક્કી કરશે તો ગઠબંધન કરવા તૈયાર- પ્રિયંકા ચતુર્વેદી

પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “જો પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવાનું નક્કી કરે અને વિપક્ષ આ અંગે સહમતિ દાખવે તો ગઠબંધન તેમને ચૂંટણી જીતાડવા માટે પ્રયત્ન કરશે.” નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ની લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠક પરથી વિજય મેળવ્યો હતો.

ઉમેદવારોની પસંદગી અંગે પ્રિયંકા ચતુર્વેદીનો મત

આ સાથે જ પ્રિયંકા ચતુર્વેદીએ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમના કહેવા પ્રમાણે તમામ વિપક્ષી નેતાઓ સાથેની બેઠક બાદ તેઓ કોણ કઈ બેઠક માટે શ્રેષ્ઠ પસંદગી બની રહેશે તે નક્કી કરશે. શિવસેનાના નેતા ચતુર્વેદીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદથી લઈને લાલ કિલ્લા સુધી વિપક્ષી ગઠબંધનની ટીકા કરી રહ્યા છે. કારણ કે, વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિપક્ષી ગઠબંધનથી ડરી ગયા છે.”

2024માં રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી લડશે

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવનિયુક્ત પ્રમુખ અજય રાયના કહેવા પ્રમાણે 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી ચૂંટણી લડશે. આ નિર્ણય ચૂંટણીનો એક રસપ્રદ તબક્કો બની રહેશે કારણ કે, અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે. 

નોંધનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણી વખતે એક સમયે કોંગ્રેસના ગઢ સમાન ગણાતી અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને જોરદાર ટક્કર આપી હતી અને 55,000 મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો. 

સંજય રાઉતે પણ પ્રિયંકા ગાંધીના વિજયનો દાવો કરેલો

શિવસેનાના ઉદ્ધવ જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પણ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણીમાં ઉતરશે તો તેમનો વિજય નિશ્ચિત છે. વારાણસીના લોકો પ્રિયંકા ગાંધીને પ્રેમ કરે છે. રાયબરેલી, વારાણસી અને અમેઠીની લડાઈ ભાજપ માટે મુશ્કેલ છે.