ભાવનગરના દિહોર ગામમાં એક સાથે 10 અર્થી ઉઠતાં આખું ગામ હિબકે ચઢ્યું

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે એક ટ્રકની અડેફેટથી બસમાં સવાર 12 લોકોના મોત થયા હતાં. બસમાં સવાર શ્રદ્ધાળુઓ અકસ્માતના 4 દિવસ પહેલા ભાવનગરના તળાજામાં આવેલા દિહોર ગામ ખાતેથી યાત્રા માટે નીકળ્યા હતા. કુલ 57 યાત્રાળુઓને ભરીને ખાનગી ટ્રાવેલ્સની બસ મથુરાની યાત્રા માટે નીકળી હતી.  અકસ્માતમાં મૃત્યુ પામેલા 12 લોકો પૈકીના 10 મૃતકો દિહોર ગામના હોવાથી […]

Share:

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બુધવારે સવારે એક ટ્રકની અડેફેટથી બસમાં સવાર 12 લોકોના મોત થયા હતાં. બસમાં સવાર શ્રદ્ધાળુઓ અકસ્માતના 4 દિવસ પહેલા ભાવનગરના તળાજામાં આવેલા દિહોર ગામ ખાતેથી યાત્રા માટે નીકળ્યા હતા. કુલ 57 યાત્રાળુઓને ભરીને ખાનગી ટ્રાવેલ્સની બસ મથુરાની યાત્રા માટે નીકળી હતી. 

અકસ્માતમાં મૃત્યુ પામેલા 12 લોકો પૈકીના 10 મૃતકો દિહોર ગામના હોવાથી ગુરૂવારે તેમના મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફતે વતન દિહોરમાં લાવવામાં આવ્યા હતાં. દિહોર ગામમાં એક સાથે 10 લોકોની અર્થી ઉઠતાં ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો અને આખું દિહોર ગામ હિબકે ચઢ્યું હતું. દિહોર ખાતે મૃતકોની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતાં. 

દિહોર ગામમાં એકસાથે 10 લોકોની અંતિમ યાત્રાથી કરુણ દૃશ્યો સર્જાયા

અકસ્માત બાદ રાજસ્થાનમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ 12 લોકોના મૃતદેહને દિહોર ખાતેની સરકારી શાળામાં લાવવામાં આવ્યા હતા. તમામ મૃતકોને સગાસંબંધીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી ત્યાર બાદ ગુરૂવારે બપોરના સમયે દિહોર ગામમાં એક સાથે 10 લોકોની અંતિમ યાત્રા નીકળી હતી જેથી ખૂબ જ કરૂણ દૃશ્ય જોવા મળ્યું હતું અને 10 હજારથી પણ વધારે લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. એકસાથે ગામના 10 લોકોની ચિતા સળગતા કોણ કોને આશ્વાસન આપે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. 

તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે જણાવ્યું હતું કે જ્યારથી આ ઘટનાના સમાચાર મળ્યા ત્યારથી તેઓ સતત સંપર્કમાં હતા. વહેલી તકે ઈજાગ્રસ્તોને સારવાર મળે તેમજ મૃતદેહો વહેલી તકે વતનમાં પહોંચે એ માટે મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી. આ ઘટના ખૂબ જ દુઃખદ છે, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મૃતકોનાં પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને મૃતકોના આત્માને શાંતિ મળે.

તળાજા તાલુકાના દિહોર ગામમાં રહેતા અને ખેતી તથા મજૂરીકામ સાથે સંકળાયેલા શ્રદ્ધાળુઓ ગામમાં આવેલા બજરંગદાસ બાપાની મઢુલી-આશ્રમમાં મંડળ ચલાવે છે. આ મંડળના સભ્યોએ દિહોર ગામથી જ મથુરા સુધીની 12 દિવસીય યાત્રાનું આયોજન કર્યું હતું. તેઓ 9 સપ્ટેમ્બરના રોજ રાત્રે ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સની બસ ભાડે કરીને નીકળ્યા હતા. ગુજરાત બોર્ડર પાર કરી રાજસ્થાનમાં નાથદ્વારા, પુષ્કર સહિતનાં ધાર્મિક સ્થળોએ દર્શન-પૂજન કરી મોડી રાત્રે તેમણે રાજસ્થાનથી આગળની યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું.

રાજસ્થાનમાં અકસ્માત સર્જાયો હતો

રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પર બુધવારે સવારે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી. આ કારણે ડ્રાઈવર સાથે 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઊતરી ગયા હતા. ડ્રાઈવર પાઈપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા માટે ગયા ત્યારે એક ટ્રકે બસને ટક્કર મારીને નજીકમાં ઊભેલા લોકોને કચડ્યા હતા. અકસ્માતમાં 12 લોકોનાં મોત થયાં હતાં જેમાંથી 10 મૃતક દિહોર ગામના છે.