હૈદરાબાદ ખાતે CWCની બેઠકમાં શશિ થરૂરે લોકસભાની ચૂંટણીની તારીખો અંગે વ્યક્ત કરી મહત્વની આશંકા

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીના વિપક્ષી ગઠબંધનને ‘ઘમંડી’ ગઠબંધન ગણાવનારા નિવેદન મામલે પલટવાર કર્યો છે. કેરળના તિરૂવનંતપુરમથી સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે, “સત્તાનો અહંકાર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. માટે જ વિપક્ષ માટે ઘમંડી શબ્દનો ઉપયોગ થોડો ગેરવાજબી છે પરંતુ નિરર્થક છે. જે અહંકારી લોકો છે તે સત્તામાં બેઠેલા છે. આપણે દરરોજ […]

Share:

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશીના વિપક્ષી ગઠબંધનને ‘ઘમંડી’ ગઠબંધન ગણાવનારા નિવેદન મામલે પલટવાર કર્યો છે. કેરળના તિરૂવનંતપુરમથી સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે, “સત્તાનો અહંકાર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. માટે જ વિપક્ષ માટે ઘમંડી શબ્દનો ઉપયોગ થોડો ગેરવાજબી છે પરંતુ નિરર્થક છે. જે અહંકારી લોકો છે તે સત્તામાં બેઠેલા છે. આપણે દરરોજ એ જ તો જોઈએ છીએ. મને સ્પષ્ટપણે લાગે છે કે, અમે ગઠબંધનને જે નામ આપ્યું છે તેનાથી તેમને મુશ્કેલી થવા લાગી છે.”

સત્તાધીશોને ગઠબંધનનું નામ સહન નથી થઈ રહ્યું- શશિ થરુર

શશિ થરૂરે કહ્યું હતું કે, સત્તાધીશોને ગઠબંધનના નામથી વાંધો છે અને તેમનાથી આ નામ સહન નથી થઈ રહ્યું માટે તેમનો ગુસ્સો સાતમા આસમાન પર છે. માટે જ તેઓ આ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એટલે સુધી કે ભારત નામને વિશેષાધિકાર આપવા પ્રયત્ન થઈ રહ્યો છે. બંધારણમાં આપણા દેશના બંને નામનો ઉલ્લેખ છે તો તેમાંથી કોઈ એકનો ઉપયોગ કરવામાં શું વાંધો છે?

આ ઉપરાંત શશિ થરૂરે લોકસભાની ચૂંટણીની તારીખોને લઈને પણ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. શશિ થરૂરે કહ્યું હતું કે, આપણને એવી આશા છે કે, ચૂંટણી સામાન્ય સમય પ્રમાણે જ થશે જેને હજુ 6-9 મહિના જેટલા સમયની વાર છે. પરંતુ એવી પણ શક્યતા છે કે, જે રીતે આપણે સાંભળી રહ્યા છીએ કે, સરકાર વહેલા ચૂંટણી યોજે. માટે આપણે શક્ય તેટલા ઝડપથી તૈયાર થવાની જરૂર છે. 

ચૂંટણી વહેલી યોજવામાં આવે તેવી આશંકા

શશિ થરૂર દ્વારા લોકસભાની ચૂંટણી વહેલા યોજવામાં આવશે તેવી આશંકા દર્શાવવામાં આવી છે. જોકે અગાઉ થોડા દિવસ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એવો દાવો કર્યો હતો કે, “ભાજપ પર વિશ્વાસ ન મુકી શકાય. તે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં ચૂંટણી યોજી શકે તેમ છે.”

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ જૂન મહિનામાં એવો દાવો કર્યો હતો કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હાર મળ્યા બાદ ભાજપ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી સમય પહેલા જ યોજી દે તેવી શક્યતા છે. 

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેની અધ્યક્ષતામાં હૈદરાબાદ ખાતે યોજાયેલી કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની પહેલી બેઠકમાં 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ પાર્ટીની રણનીતિ અને તેના સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગે ચર્ચા જામવાની છે. શશિ થરૂરે આ બેઠકમાં ચૂંટણી અંગે મહત્વની વાતો કરી હતી. શશિ થરૂરે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. નિશ્ચિત રૂપે નવી ટીમ અને નવી શરૂઆત થઈ છે અને તેલંગાણામાં ચૂંટણી નિશ્ચિત છે. 

આ સાથે જ શશિ થરૂરે કોંગ્રેસ પાસે એક રાષ્ટ્રીય દૃષ્ટિકોણ છે અને તેઓ રાજ્યમાં પોતાના સહયોગીઓની મદદ કરવા પ્રયત્ન કરશે તેમ પણ જણાવ્યું હતું.