પશ્ચિમ બંગાળમાં પૂરથી હાહાકાર, 10 હજાર લોકોનું સ્થળાંતર કરાયું

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં પ્રવર્તેલી પૂરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે પશ્ચિમ બંગાળમાં પૂરથી પ્રભાવિત 10,000 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાની માહિતી પણ આપી હતી. પૂર પીડિત લોકોને રેસ્ક્યુ બાદ પશ્ચિમ બંગાળના ઉત્તર અને દક્ષિણમાં આવેલા 9 જિલ્લાઓમાં સ્થાપિત 190 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે.  આ […]

Share:

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં પ્રવર્તેલી પૂરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે પશ્ચિમ બંગાળમાં પૂરથી પ્રભાવિત 10,000 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાની માહિતી પણ આપી હતી. પૂર પીડિત લોકોને રેસ્ક્યુ બાદ પશ્ચિમ બંગાળના ઉત્તર અને દક્ષિણમાં આવેલા 9 જિલ્લાઓમાં સ્થાપિત 190 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. 

આ કારણે પશ્ચિમ બંગાળમાં પૂર આવ્યું

પશ્ચિમ બંગાળ સરકારે 10,000 પૂર પીડિતોને બચાવી લીધા છે. પશ્ચિમ બંગાળનો ઉત્તરીય હિસ્સો સિક્કિમ સાથે જોડાયેલો છે. બુધવારે સવારના સમયે તિસ્તા નદીમાં અચાનક જ પૂર આવ્યું હતું. આ કારણે પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં પૂરના પાણી ફરી વળ્યા હતા અને લોકોના જાન-માલનું જોખમ સર્જાયું હતું. 

પૂર બાદ પશ્ચિમ બંગાળની ઉત્તરમાં આવેલા કલિમપોંગ, દાર્જિલિંગ, જલપાઈગુડી અને કૂચ બિહાર જિલ્લાના 5,800 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તે સિવાય પશ્ચિમ બંગાળના દક્ષિણ વિસ્તારમાં આવેલા હાવડા, હુગલી, પશ્ચિમ મેદિનીપુર, પુરૂલિયા અને બાંકુરા જિલ્લાના 5,018 લોકોને પણ બચાવી લેવાયા હતા. 

સિક્કિમમાં પૂરથી બંગાળના 4 જિલ્લા અસરગ્રસ્ત 

ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટવાના કારણે ત્યાર બાદ આવેલા પૂરના લીધે બંગાળના કલિમપોંગ, દાર્જિલિંગ, જલપાઈગુડી અને કૂચ બિહાર જેવા નીચાણવાળા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પ્રવર્તી છે. પશ્ચિમ બંગાળમાં પૂર એ હદે તીવ્ર બન્યું કે પાણી ફરી વળવાના કારણે ગંગટોકને સિલીગુડી સાથે જોડતો નેશનલ હાઈવે નંબર 10 સંપૂર્ણપણે ધોવાઈ ગયો. 

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ પૂરના કારણે રાજ્યના 3 જિલ્લા પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું. આ તરફ પૂરના કારણે સિક્કિમના પાકયોંગ, ગંગટોક, નામચી અને મંગન જિલ્લાની તમામ શાળાઓને 8મી ઓક્ટોબર સુધી બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. 

પશ્ચિમ બંગાળમાં પૂર આવે એ પહેલાં પાળ બંધાઈ?!

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ X (ટ્વિટર) પોસ્ટમાં લખ્યું હતું કે, સિક્કિમમાં પૂર બાદ 23 સૈનિકો લાપતા હોવાના સમાચારથી ચિંતિત છું. આ મામલે અમારી સરકાર દ્વારા સહાયતા કરવામાં આવશે. હું ઉત્તર બંગાળના તમામ સંબંધિત લોકોને પણ વિનંતી કરૂં છું કે, પૂર હોનારત રોકવા માટે વર્તમાન સિઝનમાં મહત્તમ સતર્કતા જાળવી રાખો. મેં પહેલેથી જ મારા મુખ્ય સચિવને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તૈયારીઓના ઉપાયોનું સમન્વય કરવા કહી રાખ્યું છે. 

સિક્કિમમાં મંગળવારે મોડી રાતે વાદળ ફાટ્યા બાદ ભયાનક સ્થિતિ વ્યાપી છે. ઉત્તરી સિક્કિમમાં લ્હોનક ઝીલ ઉપર વાદળ ફાટ્યા બાદ તિસ્તા નદીમાં મોટા પાયે પાણી ધસી આવતા સમગ્ર રાજ્યમાં તબાહી વ્યાપી છે. વાદળ ફાટ્યા બાદ સિક્કિમમાં અચાનક પૂર હોનારત આવી હતી. પૂરના કારણે સિક્કિમમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે, 102 લોકો લાપતા છે અને 26 લોકોને ઈજાઓ પહોંચી છે. સેનાના 23 જવાનો પણ લાપતા છે. તે સિવાય રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં 3,000થી વધારે પર્યટકો ફસાયા હોવાની આશંકા છે.