G20ના આગામી અધ્યક્ષ બ્રાઝિલના રાષ્ટ્રપતિ, રાજઘાટની મુલાકાત બાદ થયા ભાવુક

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈજ ઈનાસિયો લૂલા ડા સિલ્વાએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ગયા હતા તો ખૂબ જ ભાવુક બની ગયા હતા. આ સાથે જ તેમણે પોતાના રાજકીય જીવન પર મહાત્મા ગાંધીનો ખૂબ પ્રભાવ હોવાનું પણ જણાવ્યું હતું.  G20 પ્રેસિડેન્સીના સમાપન સત્રમાં પોતાની ટિપ્પણી દરમિયાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા […]

Share:

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈજ ઈનાસિયો લૂલા ડા સિલ્વાએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ગયા હતા તો ખૂબ જ ભાવુક બની ગયા હતા. આ સાથે જ તેમણે પોતાના રાજકીય જીવન પર મહાત્મા ગાંધીનો ખૂબ પ્રભાવ હોવાનું પણ જણાવ્યું હતું. 


G20 પ્રેસિડેન્સીના સમાપન સત્રમાં પોતાની ટિપ્પણી દરમિયાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ કહ્યું હતું કે, “હું વડાપ્રધાન મોદીને કહેવા ઈચ્છું છું કે, જ્યારે હું મારા પ્રિય ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ગયો તો વ્યક્તિગત રીતે હું ખૂબ ભાવુક થઈ ગયો હતો. સહુ કોઈ આ જાણે છે. મારા રાજકીય જીવનમાં મહાત્મા ગાંધીનું ખૂબ મહત્વ રહેલું છે કારણ કે, અહિંસા માટે તેમનો સંઘર્ષ આદર્શ સમાન છે અને અનેક દશકા સુધી જ્યારે હું શ્રમિક આંદોલનનો હિસ્સો હતો ત્યારે મેં તેનું અનુસરણ કર્યું છે. આ કારણે જ હું ખૂબ પ્રભાવિત અને ભાવુક છું. અને મને આ પસંદ છે. આજે અમને અહીં શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો અવસર આપવા બદલ આભાર.”

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ જણાવ્યું કે, “હું તમને સૌને કહેવા ઈચ્છું છું કે, બ્રાઝિલ G20ની અધ્યક્ષતા લેશે અને અમે ભારતીય ભાઈ-બહેનોની માફક કશું કરવા માટે જોરદાર પ્રયત્નો કરીશું.”

લૂલા ડા સિલ્વા અને વિશ્વભરના અન્ય નેતાઓએ રવિવારે સવારે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી તે સમયે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. 

દિલ્હીમાં રાજઘાટ ખાતે વડાપ્રધાન મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના વડાપ્રધાન લી કિયાંગ, રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સહિત G20ના સદસ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.

રાજઘાટ ખાતે વડાપ્રધાન મોદીએ G20 નેતાઓનું સ્વાગત કર્યું હતું. તે સમયે પૃષ્ઠભૂમિમાં બાપુ કુટિર જોવા મળી હતી. વડાપ્રધાન મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાને G20 સમિટના સમાપન પ્રસંગે G20ની અધ્યક્ષતા સોંપી હતી. બ્રાઝિલ આગામી એક વર્ષ સુધી G20ની અધ્યક્ષતા સંભાળશે. 

વડાપ્રધાન મોદીએ એવી આશા વ્યક્ત કરી હતી કે, બ્રાઝિલની અધ્યક્ષતામાં G20 ગ્રુપ સંયુક્ત એજન્ડાને આગળ વધારશે. આ પ્રસંગે તેમણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાને શુભેચ્છા પણ પાઠવી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ નવી દિલ્હી ખાતે G20ની સમિટમાં લેવામાં આવેલા નિર્ણયો મામલે પ્રગતિની સમીક્ષા માટે નવેમ્બરના અંતમાં એક વર્ચ્યુઅલ સત્રના આયોજનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.